________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૦
૧૩૨૭
ભાવાર્થ :
શ્લોક-૮૧થી અત્યાર સુધી ગ્રંથકારશ્રીએ યુક્તિના બળથી દ્રવ્યસ્તવમાં મિશ્રભાવ ઘટતો નથી તેમ સ્થાપન કર્યું. હવે જીવની મન, વચન અને કાયાની પ્રવૃત્તિથી કર્મ બંધાય છે, અને દ્રવ્યસ્તવમાં કરાતી પ્રવૃત્તિથી મિશ્ર કર્મબંધ થતો નથી, તેથી દ્રવ્યસ્તવ ધર્માધર્મરૂપ મિશ્ર નથી, એ બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
કોઈપણ પ્રવૃત્તિમાં યોગ અને પરિણામના ભેદથી મિશ્રપણું સ્વીકારવામાં આવે તો તેના ફળરૂપે બંધાતું કર્મ પણ મિશ્રકર્મ થવું જોઈએ, અને શાસ્ત્રમાં મિશ્ર કર્મબંધ સ્વીકારેલો નથી.
આનાથી ગ્રંથકારશ્રીને એ બતાવવું છે કે દ્રવ્યસ્તવમાં હિંસાની ક્રિયારૂપ યોગના અને ભગવાનની ભક્તિરૂપ ભાવના ભેદથી પૂર્વપક્ષી=પાર્થચંદ્ર દ્રવ્યસ્તવને મિશ્રરૂપે સ્થાપન કરે છે, તે યુક્તિસંગત નથી; કેમ કે સંસારનું કે ધર્મનું કોઈપણ કૃત્ય ગ્રહણ કરો તે કૃત્યમાં યોગના અને ભાવના ભેદથી મિશ્રપણું સ્વીકારવામાં આવે તો તે પ્રવૃત્તિના ફળરૂપે જીવને જે કર્મ બંધાય છે, તે કર્મ પણ મિશ્ર પ્રાપ્ત થવું જોઈએ, અને શાસ્ત્રમાં મિશ્ર કર્મબંધ માન્યો નથી. તેથી મિશ્ર કર્મબંધના કારણભૂત એવું કોઈપણ કૃત્ય નથી. તેથી દ્રવ્યસ્તવને ધર્માધર્મરૂપ મિશ્ર સ્વીકારવું ઉચિત નથી.
અહીં પૂર્વપક્ષી કહે કે તો પછી મિશ્રમોહનીયકર્મ શાસ્ત્રમાં પ્રસિદ્ધ છે, તે કઈ રીતે સંગત થાય ? તેથી ગ્રંથકારશ્રી કહે છે –
મિશ્ર કર્મ સંક્રમથી પ્રાપ્ત થાય છે, પરંતુ બંધથી પ્રાપ્ત થતું નથી. તેથી મિશ્રકર્મના કારણભૂત એવો ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ સ્વીકારી શકાય નહિ. આ રીતે કર્મબંધરૂ૫ ફળને આશ્રયીને પણ દ્રવ્યસ્તવ ધર્માધર્મરૂપ મિશ્ર નથી, તેમ સ્થાપન કરીને તેનું નિગમન કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
દ્રવ્યસ્તવની મિશ્રતા સ્વીકારનાર પાર્થચંદ્ર દ્રવ્યસ્તવના ફળરૂપ બંધાતું મિશ્રકર્મ બતાવવું જોઈએ, અને શાસ્ત્રવચનના બળથી પાર્જચંદ્ર મિશ્રકર્મ બતાવી શકે તેમ નથી; કેમ કે બંધાતી કર્મની પ્રકૃતિઓમાંથી કોઈપણ કર્મની પ્રકૃતિ શુભ-અશુભરૂપ મિશ્ર નથી, પરંતુ કેટલીક પ્રવૃતિઓ શુભ છે તો કેટલીક પ્રવૃતિઓ અશુભ છે. તેથી પાર્જચંદ્રથી સ્વીકારાયેલા ધર્માધર્મરૂપ મિશ્ર દ્રવ્યસ્તવથી મિશ્રકર્મ બંધાય છે, તે સ્વીકારી શકાય નહીં; કેમ કે ગ્રંથકારે અત્યાર સુધી મિશ્રપક્ષને સ્વીકારવા માટે ચાર વિકલ્પો બતાવીને તેનાથી સ્થાપન કર્યું તે પ્રમાણે મિશ્રપક્ષ સિદ્ધ થતો નથી. અને જો પાર્જચંદ્ર દ્રવ્યસ્તવને મિશ્ર સ્થાપન કરવા માટે બંધાતું કર્મ પણ મિશ્ર સ્વીકારે તો તેના ઉપર કૃતાંતનો કોપ થાય અર્થાત્ શાસ્ત્રવચનથી વિપરીત પ્રરૂપણા કરવાથી દુરંત સંસારના પરિભ્રમણરૂપ ફળની પ્રાપ્તિ સ્વરૂપ કૃતાંતનો કોપ થાય; કેમ કે શાસ્ત્રમાં મિશ્ર કર્મબંધ સ્વીકારાયેલ નથી. તેથી પાર્જચંદ્ર દ્રવ્યસ્તવના મિશ્રપક્ષની પ્રરૂપણાના વિષયમાં મૌન જ રહેવું ઉચિત છે.
હવે પાર્જચંદ્ર કેવો છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે –