________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૭
૧૪૯ મિશ્ર સ્વીકારે છે, (૩) તો વળી કેટલાક દુર્વાદીઓ ભગવાનની ભક્તિ પુણ્યરૂપ છે અને તેનાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય છે; અને સામાયિકાદિ ધર્મરૂપ છે અને તેનાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે, તેમ માને છે. આ વિપરીત માન્યતાઓનું ગ્રંથકારશ્રીએ ભગવાનનાં શાસ્ત્રોનો મનન-પર્યાલોચનપૂર્વક સમ્યગુ બોધ કરીને ભગવાનની ભક્તિરૂપે ખંડન કરેલ છે. તે માટે ગ્રંથકારશ્રી ભગવાને કહેલાં વચનો શાસ્ત્રોથી સાંભળ્યા પછી ભગવાનના વચનને દૂષણ આપનારા મતોનું યુક્તિ અને અનુભવથી સમાલોચન કરે ત્યારે, શાસ્ત્રીય પદાર્થોનું સમ્ય પર્યાલોચન થાય છે, જે શાસ્ત્રશ્રવણ પછીની શાસ્ત્રીય પદાર્થોના મનનની ક્રિયા છે; અને શાસ્ત્રીય પદાર્થોનું સમ્યગુ રીતે મનન કરવાથી ભગવાને જે વસ્તુ જે તાત્પર્યમાં કહી છે, તે તાત્પર્યરૂપે તે વસ્તુનો યથાર્થ બોધ થાય છે, તેથી ભગવાનના વચનમાં નિઃસંદેહ બુદ્ધિ થાય છે અર્થાત્ ભગવાને જે વચનો કહ્યાં છે, તે યુક્તિ અને અનુભવથી પણ તેમ જ છે તેવો નિર્ણય થવાથી ભગવાનના વચનમાં નિઃસંદેહ બુદ્ધિ થાય છે; અને યોગ્ય જીવોને ભગવાનના વચનનો યથાર્થ બોધ કરાવવા માટે ગ્રંથકારશ્રીએ ભગવાનની ભક્તિરૂપે ભગવાનને સંબોધન કરીને વાદીને દૂષણો આપેલ છે. તેથી વાદીનાં વચનો અસંબદ્ધ છે, તેવી બુદ્ધિ સ્થિર થવાથી, અને ભગવાનનાં વચનોનો યથાર્થ બોધ સ્થિર થવાથી પોતાના શંકામળનું ક્ષાલન થાય છે. તેથી ભગવાનના વચનમાં નિઃસંદેહ બુદ્ધિ કરીને સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય તદર્થે ઉચિત એવી વ્યવહારભક્તિ ગ્રંથકારશ્રીએ કરેલ છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે પરસમયના દૂષણપૂર્વક સ્વસમયના સ્થાપનની પ્રવૃત્તિ ભગવાનની ભક્તિરૂપ છે, તેમ કઈ રીતે કહી શકાય ? તેથી કહે છે –
શિષ્ટ પુરુષો કહે છે કે પરસમયના દૂષણપૂર્વક સ્વસમયનું સ્થાપન ભગવાનના યથાર્થ વચનરૂપ ગુણની સ્તુતિથી ભગવાનની ઉપાસનારૂપ છે. તેથી ભગવાનની ઉપાસનાના આશયથી પરસમયના દૂષણની પ્રવૃત્તિ પણ વીતરાગની ભક્તિમાં વિશ્રાંત થાય છે, માટે નિર્જરાનું કારણ છે.
વળી તેમાં સાક્ષીરૂપે અન્યયોગવ્યવચ્છેદદ્ધાત્રિશિકાનું પૂ. આ. હેમચંદ્રસૂરિ મહારાજાનું વચન બતાવ્યું. તેનાથી પણ એ પ્રાપ્ત થાય છે કે પૂ. આચાર્ય હેમચંદ્રસૂરિ મહારાજ ભગવાનના યથાર્થવાદથી અન્ય એવા શરીરાદિના લક્ષણરૂપ ગુણોતરોથી સ્તુતિ કરવા માટે સ્પૃહાવાળા છે, છતાં ભગવાનના એક યથાર્થવાદનું હું વિગાહન કરું છું, એ પ્રકારની સ્તુતિ કરેલ છે. તેથી અર્થથી એ પ્રાપ્ત થાય છે કે ભગવાનના એક યથાર્થવાદનું વિગાહન પણ ભગવાનની સ્તુતિરૂપ છે, માટે પરસમયના દૂષણપૂર્વક ભગવાનના સિદ્ધાંતનું સ્થાપન પણ ભગવાનના યથાર્થવાદના કથનરૂપ હોવાથી ભગવાનની સ્તુતિરૂપ છે.
વળી તે કથનની પુષ્ટિ ઉદયનાચાર્યના ન્યાયકુસુમાંજલિના કથનથી પણ ગ્રંથકારશ્રીએ કરેલ છે. ઉદયનાચાર્યું ન્યાયકુસુમાંજલિ શ્લોક-રમાં કહેલ છે કે બુદ્ધિમાન પુરુષો સ્વર્ગ અને અપવર્ગનું દ્વાર પરમાત્માને માને છે, તે પરમાત્મા નિરૂપણ કરાય છે. આ રીતે પરમાત્માના નિરૂપણની પ્રતિજ્ઞા કર્યા પછી શ્લોક-૩ની અવતરણિકામાં પ્રશ્ન કરેલ છે કે જોકે પુરુષાર્થને ઇચ્છતા એવા કેટલાક પુરુષો ઈશ્વરને શુદ્ધ-બુદ્ધ સ્વભાવવાળા કહે છે, તો વળી અન્ય દર્શનકારો પોતપોતાની માન્યતા મુજબ ઈશ્વરને કહે છે, તે ઈશ્વર ઉદયનાચાર્યના મતે કેવા છે? આ પ્રમાણે પ્રશ્ન કરી ઉદયનાચાર્યે પોતાના મતે ઈશ્વરનું વર્ણન આ પ્રમાણે કર્યું છે –