________________
૧૫૪૨
પ્રતિમાશતક | શ્લોક : ૧૦૧ અધિકાર અલ્પબુદ્ધિવાળાને છે” એ પ્રકારનાં વચનોને જોઈને વ્યામોહ કરે છે કે પ્રતિમા ખરેખર ઉપાસ્ય નથી, પરંતુ મોક્ષના અર્થી જીવોએ તો શુદ્ધ આત્મભાવમાં જવા માટે જ ઉદ્યમ કરવો જોઈએ; અને જેઓ મંદબુદ્ધિવાળા છે, જેઓને ધર્મ કરવાનો અન્ય કોઈ ઉપાય નથી અને શુદ્ધ આત્માને સમજી શકે તેવા નથી, તેવા સ્વલ્પબુદ્ધિવાળાઓ માટે પ્રતિમા છે. આ પ્રકારનો વ્યામોહ કરવો જોઈએ નહિ; કેમ કે પ્રસ્તુત
શ્લોકમાં ગ્રંથકારશ્રીએ નિરાલંબનયોગની પ્રાપ્તિ માટે પ્રતિમાના જ્યોતિ સ્વરૂપ રૂપની સ્તુતિ કરી છે, તેથી નિરાલંબનયોગમાં જવાનો ઉપાય પરંપરાએ પ્રતિમા છે.
આ વ્યામોહ ઉચિત કેમ નથી ? અને શાસ્ત્રકારોએ સ્વલ્પબુદ્ધિવાળાઓને પ્રતિમા ઉપાસ્ય છે તેમ કહ્યું છે, તેનું તાત્પર્ય શું છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે –
નિરાલંબનયોગની પ્રાપ્તિ પૂર્વે સર્વ સાધકો સ્વલ્પબુદ્ધિવાળા જ છે. માટે નિરાલંબનયોગમાં જેઓ વર્તતા નથી, તેઓ સર્વને પ્રતિમાની ઉપાસના કરવાનો અધિકાર છે. તેથી શાસ્ત્રકારોએ જે અપેક્ષાએ સ્વલ્પબુદ્ધિવાળાને પ્રતિમા ઉપાસ્ય છે તેમ કહ્યું તે અપેક્ષાને છોડીને ઉપરમાં વર્ણન કરેલ છે તે પ્રકારની અન્ય અપેક્ષાથી પ્રતિમા ઉપાસ્ય નથી તેમ વ્યામોહ કરવો ઉચિત નથી.
નિરાલંબનયોગ પૂર્વેના સાધકો સ્વલ્પબુદ્ધિવાળા છે, અને તેઓને પ્રતિમાની ઉપાસના કરવાનો અધિકાર છે, તેમ પૂર્વમાં કહ્યું, એ કથનને દઢ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –
પ્રતિમાનું સાલંબનયોગના સંપાદકપણા વડે જ ચરિતાર્થપણું છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે પ્રતિમાના અવલંબનથી સાધક યોગીને સાલંબનયોગ પ્રગટે છે, અને સાલંબનયોગના બળથી તે યોગી નિરાલંબનયોગમાં જઈ શકે છે; પરંતુ નિરાલંબનયોગની પ્રાપ્તિ પૂર્વે તે સાધક સ્વલ્પબુદ્ધિવાળા છે; કેમ કે શુદ્ધ આત્માના પારમાર્થિક સ્વરૂપમાં તન્મય થઈ શકે તેવી બુદ્ધિ નથી. તેવા સાધકને પ્રતિમાના અવલંબનથી પ્રતિમામાં વર્તતા વીતરાગતા આદિ ભાવોને અવલંબીને સાલંબનયોગની પ્રાપ્તિ થાય છે, અને તેના બળથી તે યોગી નિરાલંબનધાનને પ્રાપ્ત કરી શકે છે.
પ્રતિમાની ઉપાસના સાલંબનયોગના સંપાદન દ્વારા નિરાલંબનયોગની પ્રાપ્તિનું કારણ છે; તેમ ન માનો, અને નિરાલંબનયોગની અનનુવર્તી પ્રતિમાની ઉપાસના છે=નિરાલંબનયોગકાળમાં નહીં વર્તનારી પ્રતિમાની ઉપાસના છે, માટે બુદ્ધિમાનોએ પ્રતિમાની ઉપાસના કરવા જેવી નથી, તેમ માનો, તો કેવલજ્ઞાનકાળમાં અનનુવર્તી-કેવલજ્ઞાનકાળમાં નહીં રહેનારું એવું, શ્રુતજ્ઞાન પણ અનાધાર છે=મોક્ષના અર્થી માટે અનુપયોગી છે. એમ માનવું પડે, જે માની શકાય નહિ; કેમ કે શ્રુતજ્ઞાનના બળથી સાધક્યોગી કેવલજ્ઞાન પામે છે. અને કેવલજ્ઞાનના બળથી યોગનિરોધ કરીને મોક્ષને પામે છે. તેમ આદ્ય ભૂમિકાના સાધયોગી પ્રતિમાના આલંબનથી સાલંબનયોગને પ્રાપ્ત કરે છે, અને સાલંબનયોગના બળથી નિરાલંબનયોગને પ્રાપ્ત કરી શકે છે. આમ છતાં “પ્રતિમાનો અધિકાર સ્વલ્પબુદ્ધિવાળાને છે” તેમ કહીને પ્રતિમાનું આલંબન લેવામાં ન આવે, તો કેવલજ્ઞાન અનનુવર્તી એવા શ્રુતજ્ઞાનનું પણ આલંબન લેવું સાધક માટે અનુચિત સિદ્ધ થાય. તેથી “પ્રતિમાનો અધિકાર સ્વલ્પબુદ્ધિવાળાને છે” એમ કહીને પ્રતિમાની ઉપાસના અનાવશ્યક છે, એ પ્રકારનું કથન અર્થ વગરનું છે. II૧૦૧૫