________________
૧૫૧૦.
પ્રતિમાશતક | શ્લોક : ૯૮ વળી શાસ્ત્રીય પદાર્થોનું મનન કરીને જેઓ સ્થિર પરિણામવાળા નથી, તેમનાં ધર્મનાં કૃત્યોમાં વિચિકિત્સા દોષ રહેલો છે, તેથી તેઓ સમાધિના લાભને પામતા નથી અર્થાત્ પ્રતિમાને જોઈને વિશિષ્ટ કોટિના શાંતરસની પ્રાપ્તિરૂપ સમાધિના લાભને પામતા નથી. આથી જેઓ ધર્મનાં અનુષ્ઠાનો કરે છે, આમ છતાં “આ અનુષ્ઠાનો આ રીતે સેવવાથી તે તે ગુણસ્થાનકની પરિણતિને પ્રગટ કરવામાં કારણ છે,” તે પ્રકારનો જેમને તે તે ક્રિયાઓ સાથે કાર્યકારણભાવનો નિર્ણય નથી, અને તે પ્રકારના કાર્યકારણભાવને જાણવાની જિજ્ઞાસા પણ નથી, માત્ર ક્રિયાઓ કરે છે, તેઓ તે ક્રિયાવિષયક વિચિકિત્સા પરિણામવાળા હોવાથી તે ક્રિયાજન્ય સમાધિના લાભને પામતા નથી.
વળી, ગ્રંથકારશ્રી શ્લોકના પૂર્વાર્ધથી પ્રતિમાના દર્શન દ્વારા પોતાને કેવો આનંદ થયો, તે બતાવ્યા પછી, શ્લોકના ઉત્તરાર્ધથી ભગવાનની પ્રતિમાના દર્શનના બળથી પોતાનામાં ચારિત્રના પરિણામનો ઉત્કર્ષ થાય છે, તે બતાવે છે, અને ભગવાન સન્માર્ગના ઉપદેશ દ્વારા મનુષ્યના હિતને કરનારા છે, તેવું પરમાત્માનું સ્વરૂપ ઉપસ્થિત કરવા માટે પ્રતિમાને સામે રાખીને પરમાત્માને સંબોધન કરીને કહે છે –
હે નરહિત ! અર્થાત્ મનુષ્યના હિતને કરનાર ! તારી આ પ્રતિમાને હું જે વખતે જોઉં છું, તે વખતે તમારી સિદ્ધઅવસ્થાના દર્શનથી જન્ય સિદ્ધઅવસ્થાને પ્રાપ્ત કરવાની જે ઉત્કટ ભાવના, તે ભાવના પ્રકર્ષ પામે છે, અને તે ભાવનાના પ્રકર્ષકાળમાં તમારી પ્રતિમા મારામાં સદાન દયાને પોષણ કરે છે=ષકાયના પાલનરૂપ અભયદાન સહિત શુદ્ધ આત્માના ભાવપ્રાણના રક્ષણરૂપ જે દયાવૃત્તિ ગ્રંથકારના હૈયામાં છે, તેનું પ્રતિમા પોષણ કરે છે; કેમ કે પ્રતિમાના દર્શનકાળમાં પરમેશ્વરનો પોતાના ઉપર જે અનુગ્રહ થાય છે, તે અનુગ્રહથી જનિત જે જ્ઞાનના ઉત્કર્ષવાળો પરિણામ થાય છે, તે નિશ્ચય ચારિત્રરૂપ છે, અને નિશ્ચય ચારિત્ર ઉભય સ્વરૂપ છે અર્થાત્ ષકાયના પાલનના પરિણામથી યુક્ત અને શુદ્ધ આત્માના સમભાવની પરિણતિને ફુરણ કરે તેવા ઉભય સ્વરૂપવાળો છે.
વળી, ગ્રંથકારશ્રીએ શાસ્ત્રના મનનથી જે જ્ઞાનનો પરિણામ પ્રગટ કર્યો છે, તે જ્ઞાનનો પરિણામ પ્રતિમાનાં દર્શન કરવાથી ઉત્કર્ષવાળો થાય છે અર્થાત્ નિદિધ્યાસનરૂપ થાય છે અર્થાત્ જે મનન કરીને તત્ત્વનો નિર્ણય કર્યો છે, તે તત્ત્વને આત્મામાં આવિર્ભાવ કરવા અર્થે મહાયત્નવાળો થાય છે. તેથી તે જ્ઞાનના ઉત્કર્ષનો પરિણામ આત્મામાં પ્રગટ થયેલી અતિશયિત ભાવના સ્વરૂપ છે. પરમાત્માની મૂર્તિને જોવાથી આત્મામાં તેવી અતિશયિત ભાવના થાય છે કે જેમ આ પરમાત્મા સંયમમાં ઉદ્યમ કરીને સિદ્ધાવસ્થાને પામ્યા, તેવી રમ્ય એવી સિદ્ધઅવસ્થા માટે પણ પ્રાપ્ત કરવી છે, એવી અતિશયિત ભાવના થાય છે; અને આ અતિશયિત ભાવના સર્વ ઉદ્યમથી પરમાત્માસક્રેશ થવા માટે સમભાવના પરિણામમાં વિશ્રાંત થાય છે. તેથી પરમાત્માના દર્શનથી ગ્રંથકારશ્રીને નિશ્ચય ચારિત્રની પરિણતિ પ્રાપ્ત થાય છે, જે ગ્રંથકારશ્રીના ચિત્તમાં રહેલી અભયદાન સહિત દયાવૃત્તિને પુષ્ટ કરે છે.
વળી આ ભગવાનની દયા કેવા પ્રકારની છે ? તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –