________________
૧૫૧૨
પ્રતિમાશતક | શ્લોક : ૯૮
વળી, અનુગ્રાહ્યની યોગ્યતાને અનુરૂપ જ અનુગ્રાહક એવા ભગવાનની અનુગ્રહ કરવાની યોગ્યતા છે, તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે –
આથી જ ભગવાન ચૌદપૂર્વીલોકની અપેક્ષાએ લોકપ્રદીપ જેવા છે, એમ તાંત્રિકો વડે વ્યાખ્યાન કરાયું નથી, પરંતુ ચૌદપૂર્વી કરતાં ન્યૂન કક્ષાના જીવોની અપેક્ષાએ ભગવાન લોકપ્રદીપ છે અથવા ચૌદપૂર્વની અપેક્ષાએ ભગવાન લોકપ્રદ્યોતકર છે, એ પ્રમાણે તાંત્રિકોએ વ્યાખ્યાન કર્યું છે.
આનાથી એ ફલિત થાય છે કે લોકનું પ્રકૃષ્ટ ઘોતન તીર્થકરો ઉત્કૃષ્ટ ચૌદપૂર્વી એવા ગણધરોની અપેક્ષાએ કરે છે, તેથી ઉત્કૃષ્ટ ચૌદપૂર્વી એવા ગણધરોની અપેક્ષાએ ભગવાન લોકપ્રદ્યોતકર છે. બીજા જે અન્ય જીવો ચૌદપૂર્વી થઈ શકે તેવા નથી, પરંતુ સંસારમાં મોહને વશ થઈને અંધકારમાં ભટકે છે, તેમના અંધકારને દૂર કરવાનું કારણ બને તેવા પ્રદીપ જેવા ભગવાન તે જીવોની અપેક્ષાએ છે. તેથી તે જીવોને ભગવાન પ્રદીપ જેટલો અલ્પ પ્રકાશ કરી શકે છે અધિક નહિ, તેથી ફલિત થાય છે કે અનુગ્રાહ્ય એવા જે જીવો પ્રદીપ તુલ્ય બોધ કરવાની યોગ્યતા ધરાવે છે. એવા જીવોને ભગવાન પણ પ્રદીપ તુલ્ય બોધ કરાવવાને અનુકૂળ અનુગ્રાહક યોગ્યતા ધરાવે છે, પરંતુ તેવા જીવોને આશ્રયીને લોકપ્રદ્યોત જેવો બોધ કરાવવાની યોગ્યતા ભગવાન ધરાવતા નથી.
વળી, અનુગ્રાહ્યની યોગ્યતા તુલ્ય જ અનુગ્રાહક એવા ભગવાનની અનુગ્રહ કરવાની યોગ્યતા છે, તેને પુષ્ટ કરવા અર્થે કહે છે કે “આ જ કારણથી અનિયોગપર જ આગમ છે.”
આશય એ છે કે આગમનું વચન કોઈના આત્મામાં શ્રુતજ્ઞાનનું આધાન કરતું નથી, પરંતુ જે આત્મામાં જેટલી શ્રુતજ્ઞાનની યોગ્યતા વર્તતી હોય અને તે આત્મા શ્રતને જાણવા માટે ઉદ્યમ કરતો હોય તો આગમના વચનથી તેના આત્મામાં શ્રુતજ્ઞાનનો આવિર્ભાવ થાય છે; પરંતુ જેમ કોઈ પુરુષ પાસે ધન ન હોય અને તેને કોઈ ધન આપે અને ધનવાન કરે ત્યારે ધન આપનારે તે પુરુષમાં ધનનો નિયોગ કર્યો ધનનું યોજન કર્યું, તેથી તે પુરુષ ધનવાન બન્યો એમ કહેવાય છે; પરંતુ તેની જેમ આગમ કોઈના આત્મામાં શ્રુતજ્ઞાનનો નિયોગ કરતું નથી, પરંતુ જેમ શરાવમાં ગંધ હોય છે અને પાણીથી તે ગંધ અભિવ્યક્ત થાય છે, તેમ જ પુરુષમાં જે પ્રકારનું શ્રુતજ્ઞાનાવરણીય કર્મ ક્ષયોપશમભાવને પામે તે ભૂમિકાવાળું હોય, અને તે જીવ તે લયોપશમભાવને ઉલ્લસિત કરવા માટે જે અંશમાં વ્યાપારવાળો હોય, તે વ્યાપાર દ્વારા તે પુરુષમાં રહેલા શ્રુતજ્ઞાનને આગમ અભિવ્યક્ત કરે છે, પરંતુ તે પુરુષમાં આગમ શ્રુતનો નિયોગ કરતું નથી. તેમ ભગવાન પણ અનુગ્રાહ્ય એવા પુરુષમાં કોઈ ભાવનો નિયોગ કરતા નથી, પરંતુ અનુગ્રાહ્ય એવો પુરુષ પોતાની યોગ્યતા અનુસાર તત્ત્વને ગ્રહણ કરવા માટે અભિમુખ થયેલ હોય ત્યારે, તે અનુગ્રાહ્ય પુરુષમાં જેટલા અંશમાં તત્ત્વની પ્રાપ્તિ કરવાની યોગ્યતા હોય તેને અનુરૂપ અનુગ્રાહક એવા ભગવાન તેને તત્ત્વની પ્રાપ્તિ કરાવવારૂપ અનુગ્રહ કરવાની યોગ્યતા ધરાવે છે.
વળી “આગમ અનિયોગપર છે,' એ મતની અપેક્ષા રાખીને પ્રવૃત્ત થયેલો નિશ્ચયનય “ચારિત્ર્યવાન ચારિત્ર પ્રાપ્ત કરે છે” એમ કહે છે.