________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૮
૧૫૧૧
ગ્રંથકારશ્રીના ચિત્તમાં સ્વરસથી પ્રવર્ધમાન=કર્મની ઉપાધિથી નહિ, પરંતુ જીવના પારમાર્થિક સ્વરૂપને સ્પર્શે એવા ક્ષયોપશમભાવવાળો પ્રવર્ધમાન, જે ગુણસ્થાનકનો પરિણામ, તેને અનુરૂપ ભગવાનની દયા ગ્રંથકારશ્રીને પ્રાપ્ત થાય છે.
આશય એ છે કે ગ્રંથકારશ્રીએ શાસ્ત્રીય પદાર્થોનું શ્રવણ કર્યા પછી મનન કરવારૂપે પ્રસ્તુત ગ્રંથની રચના કરી, તે રચનાકાળમાં પ્રતિમાને સન્મુખ રાખીને વારંવાર પ્રતિમાનાં દર્શન કરીને ગ્રંથકારશ્રી ગ્રંથરચના કરે છે. તે વખતે ગ્રંથકારશ્રીને ભગવાનના વચનના નિદિધ્યાસનના બળથી કર્મની અસરથી મુક્ત એવો આત્માનો સ્વરસ પરિણામ પ્રવર્ધમાન થાય છે, અને તે પ્રવર્ધમાન પરિણામને અનુરૂપ ગ્રંથકારશ્રીના ચિત્તમાં ગુણસ્થાનકની વૃદ્ધિ થાય છે, અને તે ગુણસ્થાનકને અનુરૂપ ભગવાનની દયા ગ્રંથકારશ્રી ઉપર વર્તે છે.
આનાથી એ ફલિત થાય છે કે મૂર્તિના અવલંબનથી જેટલા પ્રમાણમાં ગ્રંથકારશ્રીના ચિત્તમાં સમભાવના પરિણામનો પ્રકર્ષ થાય છે, તેટલી ભગવાનની દયા તેમને પ્રાપ્ત થાય છે.
અહીં પ્રશ્ન થાય કે ગ્રંથકારશ્રીને ભગવાનની આટલી જ દયા કેમ પ્રાપ્ત થઈ ? અધિક કેમ નહિ ? તેથી કહે છે –
અનુગ્રાહ્ય એવા ગ્રંથકારની જેટલી યોગ્યતા છે, તેટલી જ અનુગ્રાહક એવા ભગવાનની અનુગ્રહ કરવાની યોગ્યતા છે; કેમ કે અનુગ્રાહ્યની યોગ્યતા અને અનુગ્રાહકની યોગ્યતા સમાન પ્રમાણમાં હોય છે અર્થાત્ અનુગ્રાહ્યમાં અધિક યોગ્યતા હોય અને અનુગ્રાહક એવા ભગવાનમાં અનુગ્રહ કરવાની અલ્પ યોગ્યતા હોય, તેમ સંભવે નહિ; અને અનુગ્રાહ્યમાં અલ્પ યોગ્યતા હોય અને અનુગ્રાહક એવા ભગવાનમાં અનુગ્રહ કરવાની અધિક યોગ્યતા છે, તેમ પણ સંભવે નહિ. પરંતુ જેટલી જીવમાં યોગ્યતા હોય, તેટલી યોગ્યતાને અનુરૂપ અનુગ્રાહક એવા ભગવાન અનુગ્રહ કરી શકે છે. તેથી ગ્રંથકારશ્રી પ્રતિમાના અવલંબનથી જેટલા પ્રવર્ધમાન પરિણામવાળા થાય છે, તેને અનુરૂપ જ અનુગ્રાહક એવા ભગવાન અનુગ્રહ કરે છે.
અહીં વિશેષ એ છે કે સંસારવર્તી ઘણા યોગ્ય જીવોમાં ઘણી યોગ્યતા પડેલી હોય, છતાં છબસ્થ એવા ગુરુ તેની યોગ્યતાને વિકસાવી શકે તેવા ક્ષયોપશમભાવવાળા ન હોય તો, અનુગ્રાહક એવા ગુરુમાં અનુગ્રાહ્યની યોગ્યતા તુલ્ય અનુગ્રહ કરવાની યોગ્યતા નથી, પરંતુ ભગવાન તો પૂર્ણ ગુણવાળા છે અને વચનાતિશયવાળા છે, તેથી જે જીવોમાં જેટલી યોગ્યતા હોય તેને અનુરૂપ તે જીવને અનુગ્રહ કરી શકે તેવી યોગ્યતા ધરાવે છે. તેથી ભગવાનને અવલંબીને જે જીવો ભગવાનના વચનાનુસાર જેટલો પ્રયત્ન કરે તે સર્વ પ્રયત્ન કરવામાં ભગવાનનું વચન નિમિત્તભાવરૂપે કારણ બને છે. તેથી અનુગ્રાહ્ય એવા જીવમાં વર્તતા ગુણસ્થાનકની વૃદ્ધિને અનુકૂળ યત્ન અનુસાર, અનુગ્રાહક એવા ભગવાન તેનો અનુગ્રહ કરે છે. આથી જ ભગવાનની મૂર્તિના દર્શનથી કેટલાક જીવો તત્ક્ષણ ક્ષપકશ્રેણી માંડીને કેવલજ્ઞાન પણ પામે છે; જ્યારે ગ્રંથકારશ્રી તો ભગવાનની સ્તુતિ કરે છે, તે વખતે જેટલા પ્રમાણમાં તેમનામાં ગુણસ્થાનક પ્રવર્ધમાન થાય છે, તેટલા પ્રમાણમાં ભગવાનનો તેમના ઉપર અનુગ્રહ થાય છે, અધિક નહિ.