________________
પ્રતિમાશતક | શ્લોકઃ ૯૮
૧૫૦૯ વળી, ગ્રંથકારશ્રીને શુભ પરિણામપૂર્વક પ્રતિમાને જોવાથી અવ્યય આનંદ પ્રાપ્ત થાય છે. તે આનંદ કેવો છે, તે બતાવતાં કહે છે –
જેમ પરબ્રહ્મનો આસ્વાદ વિગલિત વેદ્યાંતરવાળો છે, તેના સદશ એવો શાંતરસનો આસ્વાદ ગ્રંથકારશ્રી પ્રાપ્ત કરે છે.
આશય એ છે કે સંસારી જીવો પોતાના જ્ઞાનપરિણામનું વેદન કરે છે ત્યારે, જ્ઞાનપરિણામથી અતિરિક્ત બાહ્ય પદાર્થોનો સંશ્લેષ કરીને આત્માના ભાવોથી અતિરિક્ત એવા પુદ્ગલના ભાવોનું વેદન કરે છે. જ્યારે સિદ્ધઅવસ્થામાં રહેલા આત્માઓ જે પોતાનું પરબ્રહ્મસ્વરૂપ છે, તે સ્વરૂપનું વેદન કરે છે, પરંતુ અન્ય પુદ્ગલાદિ પદાર્થોના સંશ્લેષનું વેદન કરતા નથી. જેમ સિદ્ધના જીવો પોતાના આત્માના ભાવથી અતિરિક્ત વેદાંતરનું વેદન કરતા નથી, તેના સદશ શાંતરસનો આસ્વાદ છે. તેમાં વિષયોના વેદનનો ત્યાગ કરીને આત્મા પોતાના શુદ્ધ ભાવોનું કાંઈક અંશથી વેદન કરે છે, એવા શાંતરસના આસ્વાદને ગ્રંથકારશ્રી મૂર્તિના દર્શનથી પ્રાપ્ત કરે છે.
વળી, આ શાંતરસનો આસ્વાદ ગ્રંથકારશ્રી પોતાના હૃદયમાં સંવેદન કરે છે. આ પ્રકારનું સંવેદન થવાનું કારણ ગ્રંથકારશ્રીને પ્રતિમાની દર્શનની ક્રિયામાં ઉલ્લાસ પામતો વિશ્વાસ છે અર્થાત્ આ પ્રતિમાના પારમાર્થિક સ્વરૂપમાં પોતે જો તન્મય થાય તો પરમાત્માની સાથે તન્મયતાને કારણે પરમાત્માના જેવી સર્વ દુઃખોથી રહિત પૂર્ણ સુખમય અવસ્થા પોતાને પ્રાપ્ત થાય, એ પ્રકારનો ઉલ્લાસ પામતો વિશ્વાસ હોવાને કારણે ગ્રંથકારશ્રી વારંવાર ભગવાનની પ્રતિમાનું દર્શન કરીને અવ્યય એવા આનંદને પ્રાપ્ત કરે છે.
અહીં પ્રશ્ન થાય કે ગ્રંથકારશ્રીને તેવો ઉલ્લાસ પામતો વિશ્વાસ ન હોય અને પ્રતિમાને જુએ, તોપણ પ્રતિમાના દર્શનથી તેવો આનંદ કેમ ન થાય ? તેથી કહે છે –
જે જોવાની પ્રવૃત્તિમાં પોતાને વિશ્વાસ ન હોય એવી રમણીય વસ્તુને જોવાથી પણ સુખની પ્રાપ્તિ થતી નથી. આથી જ પ્રતિમાના દર્શનથી જે પ્રકારે શાંતરસનો આસ્વાદ ગ્રંથકારશ્રીને થાય છે, તેવા રસનો આસ્વાદ, જેઓ શાસ્ત્ર ભણ્યા પછી શાસ્ત્રીય પદાર્થોનું મનન કરતા નથી અને સ્વદર્શનના પદાર્થોને યુક્તિ અને અનુભવથી જોડતા નથી, એવા જીવોને તે પ્રકારનો ઉલ્લાસ પામતો વિશ્વાસ પ્રાયઃ કરીને પ્રગટ થતો નથી. તેથી તેઓ પ્રતિમાનાં દર્શન કરે કે ચૈત્યવંદનાદિ ક્રિયાઓ કરે તોપણ સિદ્ધઅવસ્થા સદશ શાંતરસનો આસ્વાદ કરી શકતા નથી.
વળી શાસ્ત્રીય પદાર્થોનું મનન કરવાથી જે નિઃસંદેહ બુદ્ધિ થાય છે, તે બતાવવા માટે ગ્રંથકારશ્રીએ શ્લોક-૯૭માં કહેલ કે પરસમયના કથનમાં દૂષણ બતાવવા દ્વારા સ્વસમયનું સ્થાપન કરવાથી પોતાના હૈયામાં રહેલ શંકામળનું ક્ષાલન થાય છે. તેથી જેઓ શાસ્ત્રીય પદાર્થોનું મનન કરીને આ રીતે શંકામળનું ક્ષાલન કરે છે, તેવા યોગીને પ્રતિમાના દર્શનથી ઉલ્લાસ પામતો વિશ્વાસ થાય છે, તેથી અવ્યય એવો આનંદ થાય છે.