________________
૧૩૭૭
પ્રતિમાશતક | શ્લોક : ૯૨ વર્ષોથી પણ પર વડે પાર્જચંદ્ર વડે, સમ્યમ્ ઉત્તર આપવો શક્ય નથી. એથી મોક્ષાર્થી વડે અમારાથી કહેવાયેલો જ પંથ શ્રદ્ધેય છે=ભગવાનની પૂજામાં મિશ્રપક્ષ નથી, પરંતુ એકાંત ધર્મ છે, એ રૂપ અમારા વડે કહેવાયેલો જ માર્ગ શ્રદ્ધા કરવા યોગ્ય છે. ભાવાર્થ -
શ્લોક-૯૧માં સ્થાનાંગસૂત્રના વચનથી ગ્રંથકારશ્રીએ દ્રવ્યસ્તવનો અંતર્ભાવ ધર્મપક્ષમાં જ થઈ શકે, તેમ યુક્તિથી સ્થાપન કર્યું. હવે અનુભવ અનુસાર યુક્તિના બળથી પણ દ્રવ્યસ્તવને ધર્મપક્ષમાં જ સ્વીકારવો જોઈએ, એ બતાવવા અર્થે ગ્રંથકારશ્રી પૂર્વપક્ષી-પાર્જચંદ્રને પૂછે છે કે દ્રવ્યસ્તવમાં મિશ્રપક્ષ સ્વીકારવા માટે હિંસાઅંશને તું અધર્મરૂપે સ્વીકારે છે, તો કયો ધર્મઅંશ સ્વીકારીને તું દ્રવ્યસ્તવને મિશ્ર કહીશ ? જો દેશવિરતિ ધર્મને ગ્રહણ કરીને તું મિશ્રપક્ષ કહીશ, તો દેશવિરતિ શ્રાવકની પૂજામાં તે સંગત થઈ શકે, તોપણ અવિરત સમ્યગ્દષ્ટિ ભગવાનની પૂજા કરે છે ત્યારે તેમના દ્રવ્યસ્તવમાં દેશવિરતિરૂપ સંયમ નથી. તેથી જો હિંસાંશને ગ્રહણ કરીને મિશ્રપક્ષ કહીશ, તો અવિરત સમ્યગ્દષ્ટિની ભગવાનની પૂજાને મિશ્ર સ્વીકારી શકાશે નહિ. તેના નિવારણ માટે પૂર્વપક્ષી-પાર્ષચંદ્ર કહે કે સમ્યકત્વની સાથે હિંસાંશને ગ્રહણ કરીને મિશ્રપક્ષ અને સ્થાપન કરીશું, તેથી અવિરત સમ્યગ્દષ્ટિમાં રહેલું સમ્યગ્દર્શન ધર્માશ છે અને પૂજામાં થતી પુષ્પાદિ જીવોની હિંસા અધર્મ છે, તેથી ભગવાનની પૂજામાં મિશ્રપક્ષ સ્વીકારી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –
અવિરત સમ્યગ્દષ્ટિ ભોગાદિ પ્રવૃત્તિ કરે છે ત્યારે પણ તેનામાં સમ્યકત્વ છે. તેથી સમ્યકત્વરૂપ અંશથી ધર્મ છે, અને ભોગાદિ અંશથી અધર્મ છે, તેમ માનીને અવિરત સમ્યગ્દષ્ટિની ભોગાદિ ક્રિયાને પણ મિશ્ર
સ્વીકારી શકાય; અને તેમ સ્વીકારીએ તો અવિરત સમ્યગ્દષ્ટિ જીવની ભોગાદિ ક્રિયા અને દ્રવ્યસ્તવની ક્રિયા સમાન છે, તેમ સ્વીકારવાની આપત્તિ આવે, જે પૂર્વપક્ષી-પાર્જચંદ્ર સ્વીકારી શકે તેમ નથી; કેમ કે પાર્જચંદ્રને દ્રવ્યસ્તવ મિશ્રરૂપે માન્ય છે, અને અવિરત સમ્યગ્દષ્ટિ જીવની ભોગાદિ ક્રિયા મિશ્રરૂપે માન્ય નથી. તેથી પૂર્વપક્ષી-પાઠ્યચંદ્ર સમાધાન કરે કે પૂજાની ક્રિયામાં વર્તતી ભગવાનની ભક્તિની સાથે હિંસાનું મિશ્રપણું છે, માટે અવિરત સમ્યગ્દષ્ટિની ભોગાદિની ક્રિયાને મિશ્રપણું માનવાની આપત્તિ નહિ આવે. તેને ગ્રંથકારશ્રી પૂછે છે કે –
ભગવાનની પૂજાકાળાં વર્તતી ભક્તિ શું છે ? જો તે રાગરૂપ છે, તો રાગ અને દ્વેષ સંસારનાં કારણ છે. તેથી જેમ પૂજામાં વર્તતી હિંસા સંસારનું કારણ છે માટે અધર્મ છે, તેમ પૂજામાં વર્તતી રાગરૂપ ભક્તિ પણ સંસારનું કારણ હોવાથી અધર્મ છે. માટે ભગવાનની ભક્તિને મિશ્ર સ્વીકારી શકાય નહિ; પરંતુ સંસારના કારણભૂત એવી રાગરૂપ ભક્તિ અને સંસારના કારણભૂત એવી હિંસા બંને દ્વારા પૂજામાં અધર્મપક્ષ જ માનવો પડે. તેથી પૂજામાં મિશ્રપક્ષનો અવકાશ નથી.
અહીં પૂર્વપક્ષી=પાઠ્યચંદ્ર કહે કે ભગવાનની ભક્તિ રાગરૂપ હોવા છતાં તે પ્રશસ્તરાગ છે, માટે ભવનું કારણ નથી. તેથી ભક્તિ અને હિંસા અંશને ગ્રહણ કરીને ભગવાનની પૂજાને ધર્માધર્મરૂપ મિશ્ર કહી શકાશે. તેને ગ્રંથકારશ્રી કહે છે –