________________
૧૪૩૧
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બંને ક્રિયાત્મક છે, અને તે બંને ક્રિયાઓ પરિણામની શુદ્ધિ કરવા દ્વારા મોક્ષ પ્રત્યે સમાન કારણ છે. ફક્ત દ્રવ્યસ્તવની ક્રિયા શુભભાવને પ્રગટ કરીને મોક્ષ પ્રત્યે વ્યવધાનથી કારણ છે, અને ભાવસ્તવની ક્રિયા શુભભાવ પ્રગટ કરીને મોક્ષ પ્રત્યે અવ્યવધાનથી કારણ છે; કેમ કે દ્રવ્યસ્તવની ક્રિયા આદ્યભૂમિકાના શુભભાવો પ્રગટ કરીને મોક્ષ પ્રત્યે કારણ છે, અને સાધ્વાચારની ક્રિયા સર્વ ભાવો પ્રત્યે સમભાવને ઉત્પન્ન કરીને મોક્ષ પ્રત્યે કારણ છે. તેથી જેમ ભાવસ્તવની ક્રિયા મોક્ષનું કારણ છે, માટે ધર્મરૂપ છે, તેમ દ્રવ્યસ્તવની ક્રિયા પણ મોક્ષનું કારણ હોવાથી ધર્મરૂપ છે.
અહીં વિશેષ એ છે કે સાધ્વાચારની ક્રિયા કરનાર સાધુ જગતના સર્વ ભાવો પ્રત્યે સમભાવને ઉલ્લસિત કરી શકે તો દ્રવ્યસ્તવ કરતા ઊંચા પ્રકારના પરિણામની શુદ્ધિવાળા છે, માટે મોક્ષ પ્રત્યે સર્વવિરતિની ક્રિયા આસન્ન કારણ છે; અને દ્રવ્યસ્તવ કરનાર શ્રાવકો ભગવાનની પૂજાકાળમાં ભગવાનના ગુણો સાથે તન્મય હોવા છતાં સર્વ ભાવો પ્રત્યે સમભાવવાળા નથી, પરંતુ પોતાના ધનાદિ પ્રત્યે મમત્વભાવવાળા છે, તેથી મુનિ જેવા ઉત્તમભાવને કરી શકે તેવા ઉત્તમભાવને કરી શકતા નથી, માટે દ્રવ્યસ્તવ વ્યવધાનથી મોક્ષ પ્રત્યે કારણ છે. પરંતુ જો કોઈ સાધુ મહાત્મા ભાવસ્તવની ક્રિયા કરતા હોય અને સર્વ ભાવો પ્રત્યે સમભાવના પરિણામને પ્રાપ્ત કરી શકતા ન હોય, તો દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકના ઉત્તમ ભાવ કરતાં ન્યૂન કક્ષાના ભાવવાળા પણ હોઈ શકે; અને જો દ્રવ્યસ્તવ કરનાર ઉત્તમ ભાવવાળા શ્રાવકના શુભ પરિણામથી ન્યૂન કક્ષાનો શુભ પરિણામ સાધ્વાચારની ક્રિયામાં વર્તતો હોય, તો તે સાધુની ભાવસ્તવની ક્રિયા શ્રાવકના દ્રવ્યસ્તવની ક્રિયા કરતાં દૂરવર્તી મોક્ષનું કારણ પણ બની શકે; અને આથી જ ઉત્તમ શ્રાવક કરતાં સંયમવેશમાં રહેલા અને સંયમના આચારને પાળતા સંવિગ્નપાક્ષિકને વર શ્રાવક કરતા નીચલી ભૂમિકામાં કહેલ છે.
અહીં કોઈને પ્રશ્ન થાય કે આવશ્યક નિર્યુક્તિભાષ્યની જે ગાથાઓનું વર્ણન અહીં કર્યું, તેમાં દ્રવ્યસ્તવ અને ભાવસ્તવની ક્રિયા સ્વજન્ય પરિણામની શુદ્ધિ દ્વારા મોક્ષનું કારણ છે, એવાં વચનો ક્યાં ઉપલબ્ધ છે ? તેનું તાત્પર્ય એ છે કે આવશ્યકનિયુક્તિનું અહીં જે કથન કર્યું, તેમાં કહ્યું કે દ્રવ્યસ્તવમાં વર્તતો શુભ અધ્યવસાય એ ભાવસ્તવરૂપ છે, અને તેનું કારણ પુષ્પાદિથી થતી પૂજાની ક્રિયા છે અને તે અપ્રધાન છે. તેથી એ ફલિત થાય છે કે ભાવસ્તવના કારણભૂત દ્રવ્યસ્તવની ક્રિયા છે, અને સાધ્વાચાર એ ભાવસ્તવની ક્રિયા છે.
આનાથી એ પ્રાપ્ત થાય છે કે દ્રવ્યસ્તવમાં અલ્પભાવ છે અને તેનું કારણ દ્રવ્યસ્તવની ક્રિયા છે, અને સાધ્વાચારની ક્રિયારૂપ ભાવસ્તવની ક્રિયામાં જગતના સર્વ ભાવો પ્રત્યે સમભાવનો પરિણામ છે, તેથી પ્રચુર વીતરાગભાવને અનુકૂળ ભાવ છે. માટે આવશ્યકનિયુક્તિના કથનથી અર્થથી એ ફલિત થાય છે કે દ્રવ્યસ્તવની ક્રિયા અને ભાવસ્તવની ક્રિયા પરિણામ પેદા કરાવીને મોક્ષ પ્રત્યે કારણ છે.
ફક્ત દ્રવ્યસ્તવની ક્રિયામાં વર્તતો ભાવ અલ્પ છે, તેથી દ્રવ્યસ્તવની ક્રિયા મોક્ષ પ્રત્યે વ્યવધાનથી કારણ છે, અને ભાવસ્તવની ક્રિયામાં વર્તતો ભાવ પ્રચુર છે, માટે ભાવસ્તવની ક્રિયા મોક્ષ પ્રત્યે અવ્યવધનાથી કારણ છે.