________________
૧૪૫૬
પ્રતિમાશતક | શ્લોક : ૯૩
છે, અને ચારિત્રની જેમ પૂજા-દાનાદિ ક્રિયામાં શુદ્ધ ઉપયોગ નથી, માટે પૂજા-દાનાદિ ક્રિયા મોક્ષનો હેતુ નથી. તેને ગ્રંથકારશ્રી કહે છે –
પૂર્વપક્ષીનું આ કથન બરાબર નથી; કેમ કે ભાવનયમાં પૂજા-દાનાદિનું પણ ઇચ્છાદિ ઉપયોગરૂપપણું છે.
આશય એ છે કે પૂજાની ક્રિયા અને દાનની ક્રિયા એ બંને ક્રિયાત્મક છે અને તેને જોનારી જે નયદૃષ્ટિ તે ક્રિયાનય છે; અને પૂજાના ક્રિયાકાળમાં અને દાનના ક્રિયાકાળમાં જે ભાવો વર્તતા હોય તે ભાવોને જોનારી જે દૃષ્ટિ તે ભાવનય છે. આ ભાવનયની દૃષ્ટિથી પૂજાનો વિચાર કરવામાં આવે તો પૂજાની ક્રિયા, ગુણવાન એવા તીર્થકરોના ગુણોને અવલંબીને તેમના ગુણોની સ્તુતિ કરીને તેમના જેવા ગુણો પોતાના આત્મામાં પ્રગટ કરવા માટે ઇચ્છારૂપ, ધૃતિરૂપ અને ધારણારૂપ ઉપયોગસ્વરૂપ છે. તેથી વીતરાગભાવને આત્મામાં પ્રગટ કરવા માટેની ઇચ્છા, ધૃતિ અને ધારણા જે અંશમાં વીતરાગને અવલંબીને વીતરાગભાવમાં વિશ્રાંત થાય છે, તે અંશ આત્માના શુદ્ધ ભાવના ઉપયોગરૂપ છે. તેથી જેમ ચારિત્ર શુદ્ધ ઉપયોગરૂપ હોવાથી નિર્જરાનું કારણ છે, માટે મોક્ષનો હેતુ છે; તેમ પૂજાકાળમાં વર્તતો વીતરાગભાવને અવલંબીને ઇચ્છાદિરૂપ ઉપયોગ શુદ્ધ આત્મભાવસ્વરૂપ ઉપયોગરૂપ હોવાથી નિર્જરાનું કારણ છે, માટે મોક્ષનો હેતુ છે.
વળી, ગુણવાન પુરુષને જોઈને તેમની ભક્તિ કરવાના અધ્યવસાયથી દાનની ક્રિયા કરાય છે ત્યારે, તે દાનકાળમાં વર્તતો ગુણવાન પુરુષને અવલંબીને ઇચ્છાદિરૂપ ઉપયોગ નિર્જરાનો હેતુ છે, માટે મોક્ષનું કારણ છે. આથી ભગવાનને દાન આપવાના અધ્યવસાયથી જીરણશેઠ ક્ષપકશ્રેણીની નજીકની ભૂમિકાને પામ્યા.
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ કહ્યું કે ભાવનયની દૃષ્ટિથી પૂજા-દાનાદિ પણ ઉપયોગરૂપ છે, માટે મોક્ષનું કારણ છે. તેની પુષ્ટિ કરવા અર્થે કહે છે –
આથી જ=પૂજાદાનાદિ ફક્ત ક્રિયારૂપ નથી, પરંતુ જીવના મોક્ષને અનુકૂળ એવા ઉપયોગરૂપ છે આથી જ, પૂજાત્વ-દાનવાદિ માનસપ્રત્યક્ષગમ્ય જાતિવિશેષ છે, એ પ્રમાણે બીજા પણ કહે છે.
આશય એ છે કે પૂજાની ક્રિયા કે દાનની ક્રિયા માત્ર ક્રિયાત્મક નથી, પરંતુ તે ક્રિયાકાળમાં ગુણવાન પુરુષને અવલંબીને તે ક્રિયાના નિમિત્તથી ગુણમાં આત્માને નિવેશ કરવાના યત્નરૂપ માનસવ્યાપાર છે, અને તે માનસવ્યાપાર તે ક્રિયાકાળમાં ક્રિયા કરનારને માનસપ્રત્યક્ષથી ગમ્ય એવો મોહની આકુળતા વગરનો ગુણવાન પુરુષને અવલંબીને અનુભવાતો કોઈક અધ્યવસાય છે, જેમાં મોક્ષને અનુકૂળ એવી કોઈક જાતિવિશેષ રહેલી છે, જે પૂજા કરનાર પુરુષને માનસપ્રત્યક્ષથી ગમ્ય છે.
પૂર્વમાં સિદ્ધાંતપક્ષને આશ્રયીને ઉપયોગરૂપ ચારિત્ર છે, તેમ સ્વીકારીને, પૂજા-દાનાદિ ક્રિયાને પણ ચારિત્ર તુલ્ય કહી. માટે જેમ ચારિત્ર મોક્ષનું કારણ છે, તેમ પૂજા-દાનાદિ પણ મોક્ષનું કારણ છે, તેમ ગ્રંથકારશ્રીએ યુક્તિથી સ્થાપન કર્યું. હવે વિશેષાવશ્યક મહાભાષ્યના વચનને અવલંબીને ચારિત્ર યોગસ્થર્યરૂપ છે તેમ સ્વીકારીએ, તોપણ ચારિત્ર તુલ્ય પૂજા-દાનાદિ ક્રિયા છે અને ચારિત્ર મોક્ષનો હેતુ છે, તેથી પૂજાદાનાદિ પણ મોક્ષનો હેતુ છે, તે બતાવવા અર્થે ‘વસ્તુતઃ'થી ગ્રંથકારશ્રી કહે છે –