________________
૧૪૬૨
પ્રતિમાશતક | શ્લોક : ૯૪ વળી દેશવિરતિધર શ્રાવકો દેશથી વિરતિના પરિણામવાળા છે. તેથી પૂજાકાળમાં સમ્યગ્દષ્ટિની જેમ સર્વ ઉત્તમ અધ્યવસાયો કરે છે. વળી દેશથી વિરતિ હોવાને કારણે કાંઈક ગુપ્તિનો પરિણામ તેઓમાં વર્તે છે, તેથી તેઓની ભગવાનની પૂજા અસંમોહપૂર્વકની છે. તેથી વિશેષ રીતે લોકોત્તરપણાને આશ્રિત છે.
વળી, જેમ વિવેકવાળા શ્રાવકો સુપાત્રને દાન આપીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે તેથી સુપાત્રદાન ધર્મરૂપ છે, તેમ સમ્યગ્દષ્ટિ અને દેશવિરતિધર શ્રાવક ભગવાનની ભક્તિ કરીને સર્વવિરતિની શક્તિનો સંચય કરે છે, માટે તેઓની પૂજા ધર્મરૂપ છે.
વળી સમ્યગ્દષ્ટિ જીવો વિવેકપૂર્વક અનુકંપાદાન કરે છે, તે અનુકંપાદાન સાક્ષાત્ પુણ્યબંધનું કારણ છે અને પરંપરાએ મોક્ષનું કારણ છે. તેની જેમ આગમને પરતંત્ર જેઓ નથી, તેઓની શુભ આશયપૂર્વકની લૌકિકી પૂજા પુણ્યબંધનું કારણ છે અને પરંપરાએ મોક્ષનું કારણ છે. ફક્ત સમ્યગ્દષ્ટિ જીવોનું સુપાત્રદાન ગુણવાનની ભક્તિ કરીને ગુણની પ્રાપ્તિનું કારણ બને છે, તેના કરતાં અનુકંપાદાન અનુકંપ્યના દુઃખને દૂર કરવાના અધ્યવસાયવાળું હોવાથી પ્રધાન રીતે પુણ્યબંધનું કારણ બને છે. તેમ શાસ્ત્રવિધિ અનુસાર પૂજા કરવાની ઇચ્છાવાળા જીવો શાસ્ત્રવિધિ અનુસાર પૂજા કરી શકતા નથી, તેઓની લૌકિક પૂજા પ્રધાન રીતે પુણ્યબંધનું કારણ છે.
આ કથનની પુષ્ટિ કરવા અર્થે ષોડશકની સાક્ષી ગ્રંથકારશ્રીએ આપી. તેમાં બિંબને આશ્રયીને શાસ્ત્રવિધિ અનુસાર બિંબનું કરાવણ લોકોત્તર છે અને અન્ય લૌકિક અને અભ્યદયસાર છે, તેમ કહ્યું. તે વચનથી સિદ્ધ થાય છે કે શાસ્ત્રવિધિ અનુસાર પૂજા લોકોત્તર છે, અને શાસ્ત્રવિધિ કરવાની ઇચ્છાવાળા જેઓ શાસ્ત્રવિધિ અનુસાર પૂજા કરી શકતા નથી, તેઓની પૂજા લૌકિક અને અભ્યદયસાર છે; અને પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજનું આ વચન અબાધક છે તેમ કહીને ગ્રંથકારશ્રીએ યુક્તિ આપી કે ક્ષમાદિ ભેદોના પણ લૌકિક અને લોકોત્તર એ પ્રમાણે ભેદ કરવામાં આવ્યા છે.
આનાથી એ ફલિત થાય છે કે લોકોત્તર ક્ષમાદિ ધર્મરૂપ છે, અને લૌકિક ક્ષમાદિ પુણ્યરૂપ છે; અને આગમને પરતંત્ર જે સાધુ નથી, પરંતુ જે પ્રતિ-ભક્તિથી સંયમ પાળે છે, તેમનું તે પ્રીતિ-ભક્તિરૂપ સદનુષ્ઠાન પુણ્ય માટે છે, અને પ્રતિ-ભક્તિથી અનુષ્ઠાન કરનારા સાધુને ઉપકારી આદિ ક્ષમાદિના પાંચ ભેદોમાંથી ઉપકારી, અપકારી અને વિપાક એ રૂપ પ્રથમની ત્રણ ક્ષમાદિ છે માટે તેઓનું લૌકિક અનુષ્ઠાન છે, તેથી પુણ્યબંધનું કારણ છે; અને જેઓ આગમને પરતંત્ર થઈને વચનક્ષમા કે ધર્મક્ષમા સેવે છે, તેઓનું તે સંયમનું અનુષ્ઠાન લોકોત્તર છે, અને મોક્ષનું કારણ છે માટે ધર્મરૂપ છે. તેની જેમ આગમને પરતંત્ર જે શ્રાવકો નથી, તેમની ભગવાનની પૂજા લૌકિકી હોવાથી પુણ્યનું કારણ છે અને પરંપરાએ મોક્ષનું કારણ છે અને આગમને પરતંત્ર એવા સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર શ્રાવકોની પૂજા લોકોત્તર હોવાથી મોક્ષનું કારણ છે.
પ્રસ્તુત શ્લોકના ફલિતાર્થને બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
જેમ ‘ધાત્રિશદ્ધાત્રિશિકા ગ્રંથ'ની દાનધાર્નાિશિકામાં કહ્યું કે અનુકંપાદાન શર્મપ્ર’ છે, અને તે અનુકંપાદાનનો શુભ આશય સમ્યગ્દષ્ટિને હોય છે. તેથી જેમ સમ્યગ્દષ્ટિ જીવ અનુકંપાદાન કરીને