________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૫-૯૬
૧૪૧
વસ્તુતઃ જેમ દ્રવ્યસ્તવમાં બાહ્યપ્રવૃત્તિઓ છે, અને તે બાહ્યપ્રવૃત્તિ દ્વારા દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકો વીતરાગભાવ તરફ જાય છે, તેમ ચારિત્રમાં પણ બાહ્યપ્રવૃત્તિઓ છે, અને તે બાહ્યપ્રવૃત્તિ દ્વારા સાધુઓ વિતરાગભાવ તરફ જાય છે. તેથી ચારિત્રને સમભાવમાં વિશ્રાંતિરૂપ સ્વીકારીને જો ધર્મ કહી શકાય તો દ્રવ્યસ્તવને પણ આત્મભાવમાં વિશ્રાંતિના કારણરૂપ સ્વીકારીને ધર્મ કહી શકાય; અને પુણ્યબંધનું કારણ છે, માટે દ્રવ્યસ્તવને પુણ્યરૂપે સ્વીકારવામાં આવે તો સરાગચારિત્રને પણ પુણ્યબંધનું કારણ છે માટે પુણ્યરૂપે સ્વીકારવું જોઈએ.
આમ છતાં જડ જીવોને સુંદર બુદ્ધિવાળા યોગીઓનો વિવિધ ઉપદેશ યથાસ્થાને સમ્યફ પરિણમન પામતો નથી, તેથી વિપર્યાય બુદ્ધિ પેદા કરાવીને સંક્લેશ કરનાર થાય છે, તેમાં શું આશ્ચર્ય છે ?
આ રીતે પૂજાને પુણ્ય કહેનાર અને ચારિત્રને ધર્મ કહેનાર મત અસંબદ્ધ છે તેમ બતાવ્યું. હવે જિનપ્રતિમાની પૂજાવિષયક પ્રસ્તુત ગ્રંથમાં સ્થાપન કરાયેલા લંપાક આદિ સર્વ મતો અસાર છે, તે સંક્ષેપથી બતાવતાં કહે છે –
પૂજા અધર્મ છે, એ પ્રમાણે પ્રતિમાનો લોપ કરવામાં વાચાળ એવા સ્થાનકવાસીઓ કહે છે. તેથી ગ્રંથકારશ્રીએ શ્લોક-૧ થી ૬૯ સુધીમાં તેનું સમાલોચન કરીને નિરાકરણ કરેલ છે. ત્યારપછી દ્રવ્યસ્તવમાં “પુષ્પાદિ જીવોની હિંસા છે માટે અધર્મ છે” અને “ભગવાનની ભક્તિ છે માટે ધર્મ છે', એ પ્રકારનો ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ જે પાશકુમતિ કહે છે, તે પણ લુંપાકમતને અનુસરનારો છે માટે અનુચિત છે. તેથી તેનું ગ્રંથકારશ્રીએ શ્લોક-૮૧થી ૯૨ સુધી સમાલોચન કરીને નિરાકરણ કરેલ છે. ત્યાર પછી શાસ્ત્રના વિભાગની વિધિમાં ભ્રાંત એવા કોઈક ‘દ્રવ્યસ્તવને પુણ્યરૂપે કહે છે અને ચારિત્રને ધર્મરૂપે કહે છે તે મત પણ ઉચિત નથી તેમ શ્લોક ૯૩થી ૯૫ સુધી સમાલોચન કરીને તેનું ગ્રંથકારશ્રીએ નિરાકરણ કરેલ છે. છેલ્લે ગ્રંથકાર કહે છે :
તપગચ્છના ઉત્તમ એવા બુધ પુરુષો દ્રવ્યસ્તવ ધર્મરૂપ છે, એ પ્રકારે અમૃતસાર વાણી કહે છે. અર્થાત્ જડમતિ, ભ્રાંત પુરુષોની વાણીથી ભ્રમિત ન થતાં બુધ પુરુષોની વાણીને અનુસરીને મોક્ષના અર્થી જીવોએ સર્વ ઉદ્યમથી દ્રવ્યસ્તવમાં ઉદ્યમ કરવો જોઈએ, અને દ્રવ્યસ્તવ દ્વારા સંચિત શક્તિવાળા મહાત્માઓએ ભાવસ્તવમાં સર્વ શક્તિથી ઉદ્યમ કરવો જોઈએ એમ કહે છે. સ્પા અવતારણિકા :
गम्भीरेऽत्र विचारे गुरुपारतन्त्र्येणैव फलवत्तां दर्शयन् उपदेशसर्वस्वमाह - અવતરણિકાર્ય :
ગંભીર એવા આ વિચારમાં ગુરુપારતંત્રથી જ ફળવાપણું બતાવતાં ઉપદેશના સર્વસ્વને કહે છે –