________________
પ્રતિમાશતક શ્લોક : ૯૪
ભાવાર્થ:
શ્રાવકની પૂજા બે પ્રકારની છે : (૧) લોકોત્તર અને (૨) લૌકિક.
(૧) લોકોત્તર પૂજા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રની પુષ્ટિ કરનારી છે.
આનાથી એ ફલિત થાય છે કે સમ્યગ્દષ્ટિ કે દેશવિરતિધર શ્રાવક પોતાનામાં વર્તતા સમ્યગ્દર્શન, સમયજ્ઞાન અને સમ્યક્ચારિત્રની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય તે પ્રકારના માનસવ્યાપારથી ભગવાનની પૂજા કરે છે.
૧૪૬૧
વળી આ પૂજા શાસ્ત્રની વિધિથી યુક્ત હોય છે. વળી આ પૂજા શુદ્ધ ઉપયોગથી ઉજ્વલ હોય છે અર્થાત્ “ભવજલતરણી એવી ભગવાનની પૂજાને જોઈને ઘણા જીવો પ્રતિબોધ પામો અને છકાયના રક્ષક બનો” એવા પ્રકા૨ના ઉજ્જ્વલ આશયથી યુક્ત હોય છે. તેથી સમ્યગ્દષ્ટિની આ પૂજા સમ્યજ્ઞાનપૂર્વકની હોય છે અથવા દેશવિરતિધર શ્રાવકની પૂજા અસંમોહપૂર્વકની હોય છે. માટે આ પૂજાને ધર્મ જ કહેવાય છે; કેમ કે લોકોત્તરપણાને આશ્રિત છે.
કેમ લોકોત્તરપણાને આશ્રિત છે ? તે સ્પષ્ટ કરે છે –
આવા પ્રકારના ગુણના પ્રણિધાનથી યુક્ત પૂજાનું આગમએકવિહિતપણું છે.
આશય એ છે કે ભગવાનની પૂજા કરીને આત્મામાં રત્નત્રયીની વૃદ્ધિ થાય, અને તે પૂજા જોઈને યોગ્ય જીવોને રત્નત્રયીના કારણીભૂત યોગબીજની પ્રાપ્તિ થાય, અને તેઓ પણ ક્રમે કરીને સંયમને પ્રાપ્ત કરે, એવા ઉત્તમ આશયપૂર્વક પૂજા કરવાનું શાસ્ત્રમાં વિહિત છે; અને તેવા ઉત્તમ આશયપૂર્વક સમ્યગ્દષ્ટિ જીવો વીતરાગને અવલંબીને વીતરાગની પૂજા કરે છે, ત્યારે તેઓનું વીતરાગતા તરફ જતું ઉત્તમ ચિત્ત રત્નત્રયીની વૃદ્ધિનું કારણ બને છે.
અહીં વિશેષ એ છે કે સમ્યગ્દષ્ટિ જીવો સમ્યગ્દર્શન અને સમ્માનને ધારણ કરે છે અને અનંતાનુબંધીના વિગમનથી અલ્પ એવા સમ્યક્ ચારિત્રને પણ વહન કરે છે. તેઓને ભગવાનની પૂજાકાળમાં ભગવાનના સ્વરૂપનો સમ્યબોધ હોવાથી વીતરાગને અવલંબીને વીતરાગની પૂજા કરે છે ત્યારે, તેમનું વીતરાગતા તરફ જતું ઉત્તમ ચિત્ત રત્નત્રયીની વૃદ્ધિનું કારણ બને છે.
વળી સમ્યગ્દષ્ટિ જીવોને સૂક્ષ્મ બોધ હોવાથી સ્વશક્તિને ગોપવ્યા વગર શાસ્ત્રવિધિ અનુસાર ભગવાનની પૂજા કરે છે. તેથી તેઓને ભગવાનની આજ્ઞાને પરતંત્ર થવાનો ઉત્તમ અધ્યવસાય વર્તે છે.
વળી સમ્યગ્દષ્ટિ જીવો દયાળુ પરિણામવાળા હોય છે, તેથી ભગવાનની પૂજા જોઈને ઘણા યોગ્ય જીવોને પણ તત્ત્વની પ્રાપ્તિ થાય તેવો અધ્યવસાય તેમને હોય છે, અને તેને અનુરૂપ તેમની ઉચિત પૂજાની પ્રવૃત્તિ હોય છે. વળી અન્ય જીવોને ભગવાનના શાસનની પ્રાપ્તિ થાય અને તેઓ પણ ક્રમે ક૨ીને સંયમને પામે તેવો ઉત્તમ અધ્યવસાય તેમને હોવાથી ભગવાનની પૂજા તેમને પોતાને પણ સર્વવિરતિની પ્રાપ્તિનું શીઘ્ર કારણ બને છે. તેથી સમ્યગ્દષ્ટિ જીવોની ભગવાનની પૂજા લોકોત્તર પરિણામવાળી છે.