________________
૧૪૭૬
પ્રતિમાશતક | શ્લોક : ૫ વળી શૈલેશીના ચરમ સમયમાં પરિણતિરૂપ ધર્મ સ્વીકારનાર નિશ્ચયનય છે અને તેની પૂર્વે વીતરાગમાં પરિણતિરૂપ ધર્મ સ્વીકારનાર વ્યવહારનય છે, એમ અત્યાર સુધી સ્થાપન કર્યું. હવે દ્રવ્યસ્તવકાળમાં કેવા પ્રકારનો ધર્મ છે, તે અન્ય નયની દૃષ્ટિથી બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
ઉપયોગરૂપ ભાવગ્રાહક નિશ્ચયનય દ્રવ્યસ્તવકાળમાં શુદ્ધ ધર્મને સ્વતંત્રથી જ સ્વીકારે છે અર્થાત્ આત્માનો વીતરાગભાવને અનુકૂળ ઉપયોગ વર્તતો હોય તો તે ભાવ મોક્ષનું કારણ છે, એમ જે નિશ્ચયનય સ્વીકારે છે, તે નિશ્ચયનયની દૃષ્ટિથી દ્રવ્યસ્તવકાળમાં પણ શુદ્ધ ધર્મની પ્રાપ્તિ છે; કેમ કે રાગાદિથી અકલુષિત એવા વીતરાગગુણમાં લયસ્વરૂપ એવો ધર્મ દ્રવ્યસ્તવકાળમાં શ્રાવકને અનુભવસિદ્ધ છે.
આશય એ છે કે જે શ્રાવકને વીતરાગના ગુણોનો યથાર્થ બોધ છે, અને વીતરાગ થવાની બળવાન ઇચ્છા છે, અને વીતરાગ થવાનો ઉપાય વીતરાગના વચનાનુસાર તપ, સંયમમાં ઉદ્યમ છે એવું જ્ઞાન છે; આમ છતાં પોતાનામાં તેવી શક્તિનો સંચય થયો નથી તેથી સંયમ ગ્રહણ કરી શકે તેમ નથી, પરંતુ સંયમની શક્તિ સંચય કરવા અર્થે સંયમના કારણભૂત દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે, અને ભગવાનની ભક્તિના કાળમાં ભગવાનના ગુણોથી રંજિત થયેલું જેમનું ચિત્ત છે, તેવો શ્રાવક ભગવાનની ભક્તિ કરતો હોય ત્યારે ભગવાનના ગુણોમાં તન્મય અવસ્થાનો અનુભવ કરે છે, તે શુદ્ધ ઉપયોગસ્વરૂપ છે.
વળી શુદ્ધ આત્માના સ્વરૂપમાં જે ઉપયોગ હોય તેને મોક્ષનું કારણ સ્વીકારે તેવો ઉપયોગરૂપ ભાવગ્રાહક નિશ્ચયનય દ્રવ્યસ્તવમાં શુદ્ધ ધર્મને સ્વીકારે છે, તેથી તે નયના મતમાં શુદ્ધ ઉપયોગ એ ધર્મ છે અને શુભ ઉપયોગ પુણ્યરૂપ છે અને અશુભ ઉપયોગ પાપરૂપ છે.
આનાથી એ ફલિત થાય છે કે નિશ્ચયનયને પરતંત્ર એવો વ્યવહારનય વીતરાગકૃત્યમાં ધર્મ સ્વીકારે છે, અને શુદ્ધ ઉપયોગરૂપ ભાવગ્રાહક નિશ્ચયનય સ્વતંત્રથી શુદ્ધ ઉપયોગને ધર્મરૂપે સ્વીકારે છે, તેથી શ્રાવકની પૂજામાં, સંયમની ક્રિયામાં કે અન્ય કોઈપણ ક્રિયામાં વીતરાગના ગુણોમાં ચિત્ત લય પામતું હોય તો તે ઉપયોગ ધર્મરૂપ છે.
કોઈ ધર્મનું અનુષ્ઠાન વીતરાગના રાગથી કરાતું હોય તે વખતે વીતરાગના ગુણોમાં ચિત્ત લય ન પામતું હોય અને વીતરાગ પ્રત્યેના રાગથી ભક્તિ આદિની ક્રિયા થતી હોય તો તે ક્રિયા વખતે શુભ ઉપયોગ છે, તેને પુણ્ય કહેવાય છે; અને સંસારવર્તી રાગાદિ ભાવોથી આકુળ ચિત્ત હોય ત્યારે અશુભ ઉપયોગ વર્તે છે, તેને પાપ કહેવાય છે. ઉત્થાન :
પૂર્વમાં ગ્રંથકારશ્રીએ સ્થાપન કર્યું કે ઉપયોગરૂ૫ ભાવગ્રાહક નિશ્ચયનયથી દ્રવ્યસ્તવકાળમાં શુદ્ધ ધર્મ છે. ત્યાં કોઈકને શંકા થાય કે સ્વનો ભાવ તે સ્વભાવ કહેવાય, અને પોતાના ભાવરૂપ સ્વભાવ હોય તેને ધર્મ કહી શકાય, અન્યને ધર્મ કહી શકાય નહિ; અને તેવો ધર્મ દ્રવ્યસ્તવમાં કઈ રીતે સંગત થાય ? તે સ્પષ્ટ કરવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –