________________
૧૪૬૮
પ્રતિમાશતક | શ્લોક : ૯૫ ઉપાય અસંગભાવ છે, તેમ બતાવવામાં આવે ત્યારે, ભાવથી સર્વથા સંગ વગરના પરિણામમાં હું યત્ન કરી શકું તેમ નથી, એવું જણાવાથી મોક્ષના ઉપાયમાં પ્રવૃત્તિ માટે તેઓ અસમર્થ બને છે. તે વખતે તેઓને કહેવામાં આવે કે સંગ કરવાની જે પ્રવૃત્તિ છે, તેનો ત્યાગ કરવો અશક્ય જણાય ત્યારે ઉત્તમ પુરુષોનો સંગ કરવો જેનાથી પુણ્ય બંધાશે, તે પુણ્યના બળથી સ્વર્ગાદિની પ્રાપ્તિ થશે, અને સ્વર્ગમાં જઈને પણ યોગમાર્ગના સેવનની શક્તિનો સંચય થશે. તેથી સંચિત શક્તિવાળા થઈને તમે યોગમાર્ગને પ્રાપ્ત કરશો ત્યારે અશક્ય એવું પણ અસંગઅનુષ્ઠાનનું પાલન થશે અને તેના ફળરૂપે મોક્ષની પ્રાપ્તિ થશે. આવા જીવો શ્રત, ચારિત્રરૂપ ધર્મની કાંક્ષા કરીને તેના ફળરૂપે શુભ કર્મની કાંક્ષા કરે છે, અને તેના ફળરૂપે સ્વર્ગની કાંક્ષા કરીને તે સ્વર્ગની કાંક્ષા દ્વારા સ્વર્ગને પ્રાપ્ત કરીને સ્વર્ગમાં રહીને પણ મોક્ષની ઇચ્છાનો વ્યાઘાત ન થાય તે રીતે સ્વભૂમિકા અનુસાર ધર્મને સેવીને મનુષ્યભવની પ્રાપ્તિ કરે છે, અને મનુષ્યભવમાં ઉત્તમ સંયમ પાળીને ક્રમે કરીને મોક્ષને પ્રાપ્ત કરે છે, તેથી ઉપેય એવા મોક્ષની ઇચ્છાની અવ્યાઘાતક એવી સ્વર્ગાદિની ઇચ્છાનું ગુડજિલ્વિકા ન્યાયથી અદોષપણું છે.
અહીં પ્રશ્ન થાય કે કેવલ મોક્ષની ઇચ્છા કરવાને બદલે ગુડજિલ્વિકા ન્યાયથી સ્વર્ગાદિની ઇચ્છા કેમ કરવામાં આવે છે ? તેથી કહે છે –
અસંગભાવમાં યત્ન કરવાની શક્તિનો અભાવ હોવાને કારણે અસંગભાવની પ્રાપ્તિના કારણભૂત વીતરાગ પ્રત્યે મહાત્માઓ રાગ કેળવે છે અને તે સંગનો પરિણામ સ્વર્ગનું કારણ છે તેમ જાણે છે; છતાં તેનાથી પ્રાપ્ત થયેલ સ્વર્ગ જ અસંગભાવની શક્તિનું સામર્થ્ય પ્રદાન કરશે, એથી સ્વર્ગાદિની ઇચ્છાથી ધર્મ કરીને મહાત્માઓ સ્વર્ગમાં જાય છે ત્યારે મોક્ષના પ્રયાણનો ભંગ થતો નથી, પરંતુ જેમ કોઈ નગરમાં જનાર મુસાફર શરીરથી શ્રાંત થઈ જાય ત્યારે કોઈ સ્થાનમાં રાત્રે સૂઈ જઈને શક્તિનો સંચય થયા પછી ઉત્તરમાં અધિક વેગથી ઇષ્ટ નગર તરફ જાય છે, અને રાત્રિમાં નિદ્રા ન કરવામાં આવે તો આગળની ચાલવાની ગતિ સમ્યફ થઈ શકતી નથી તેથી પ્રયાણ અટકી પડે છે; તેમ જે સાધુઓ અસંગની ભૂમિકામાં જવાની ઇચ્છાવાળા છે, પરંતુ વિશેષ શક્તિનો સંચય થયો નથી, તેથી વિશેષ શક્તિના સંચય અર્થે સ્વર્ગમાં જાય ત્યારે ચારિત્રની ક્રિયારૂપ યોગમાર્ગની પ્રવૃત્તિ નથી, તોપણ યોગમાર્ગના પ્રયાણના ભંગનો અભાવ છે; કેમ કે યોગમાર્ગના પ્રયાણની શક્તિના સંચય અર્થે દેવભવમાં શ્રુતની ભક્તિ, સંયમીઓની ભક્તિ કે ભગવાનની ભક્તિ કરીને તે દેવો પૂર્વ કરતાં અધિક શક્તિનો સંચય કરે છે, તેથી ઉત્તરના મનુષ્યભવમાં અધિક વેગથી મોક્ષને અનુકૂળ અસંગભાવ તરફ જવા માટે ઉદ્યમ કરશે, તેથી તે મહાત્માઓને સ્વર્ગમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ હોવાથી નિશિસ્વાપ જેવો તેઓનો સ્વર્ગનો લાભ છે અર્થાતુ મોક્ષની શક્તિમાં સહાયક બને તેવો સ્વર્ગનો લાભ છે, એમ યોગના જાણનારાઓ કહે છે.
અહીં વિશેષ એ છે કે નિશ્ચયનય મોક્ષને અનુકૂળ એવા વીતરાગભાવને સ્પર્શનારા ઉપયોગને ધર્મ કહે છે, અને તે ઉપયોગની પ્રાપ્તિનું કારણ બને એવી દઢ યત્નથી કરાતી ક્રિયાઓને નિશ્ચયાંગ વ્યવહારનય ધર્મરૂપે સ્વીકારે છે, તેથી નિશ્ચયાંગ વ્યવહારનયથી શ્રુત-ચારિત્રભાવને અનુગત એવી ક્રિયાઓને અહીં ધર્મરૂપે કહેલ છે.