________________
૧૪૩૦
પ્રતિમાશતક | શ્લોક : ૨
આનાથી એ સિદ્ધ થાય છે કે દ્રવ્યસ્તવને સ્વરૂપથી જ અપ્રધાન કહેલ છે, પરંતુ દ્રવ્યસ્તવમાં જીવોની હિંસા થાય છે, માટે દ્રવ્યસ્તવ અપ્રધાન છે, તેમ પૂ. આ. હરિભદ્રસૂરિ મ.સા. કહેલ નથી. તેથી પૂર્વપક્ષી જે કહે છે કે દ્રવ્યસ્તવનું અપ્રધાનપણું છે, એ વચનથી સિદ્ધ થાય છે કે દ્રવ્યસ્તવમાં પુષ્પાદિની હિંસા છે, માટે દ્રવ્યસ્તવ ધર્માધર્મરૂપ મિશ્ર છે, તે વચન સંગત નથી, પરંતુ સર્વવિરતિના પાલનરૂપ ભાવસ્તવ કૃત્નસંયમરૂપ છે, તેથી પૂર્ણ ભાવરૂવરૂપ છે, અને ભગવાનની પૂજામાં જે ભગવાનની ભક્તિનો શુભભાવ છે, તેટલો ભાવસ્તવ છે, અને પુષ્પાદિથી કરાતી પૂજાની ક્રિયા એ ભાવસ્તવનું કારણ છે માટે અપ્રધાન છે, પરંતુ પુષ્પાદિથી કરાતી પૂજાની ક્રિયામાં હિંસા છે, માટે દ્રવ્યસ્તવ અપ્રધાન છે, તેવું નથી.
આનાથી એ ફલિત થાય છે કે દ્રવ્યસ્તવમાં બે અંગો છે – (૧) ભગવાનના ગુણો તરફ જતું શુભ ચિત્ત, અને (૨) ભાવસ્તવના કારણભૂત પુષ્પાદિથી થતી પૂજાની ક્રિયા.
ફળનો અર્થી જીવ ફળ માટે પ્રવૃત્તિ કરે છે, તેથી ફળ પ્રધાન કહેવાય અને ફળનું કારણ હોય તે અપ્રધાન કહેવાય. એ નિયમ પ્રમાણે ભગવાનની પૂજામાં વર્તતો શુભ અધ્યવસાયરૂપ ભાવ પ્રધાન છે, અને તે ભાવની નિષ્પત્તિના અંગભૂત પુષ્પાદિથી થતી પૂજા અપ્રધાન છે; પરંતુ પુષ્પાદિથી થતી પૂજા હિંસારૂપ છે માટે અધર્મરૂપ છે, અને ભગવાનના ગુણો પ્રત્યેનો બહુમાનભાવ શુભ અધ્યવસાયરૂપ છે માટે ધર્મરૂપ છે, એ પ્રકારે ધર્માધર્મરૂપ મિશ્રપક્ષ દ્રવ્યસ્તવમાં પૂ. આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજને પણ માન્ય નથી, એ અર્થ આવશ્યકનિર્યુક્તિભાષ્ય ગાથા-૧૯૩ના કથનથી સિદ્ધ થાય છે.
આવશ્યકનિયુક્તિભાષ્ય ગાથા-૧૯૪નો ભાવ આ પ્રમાણે છે –
પૂર્વમાં યુક્તિથી બતાવ્યું કે દ્રવ્યસ્તવ અનેકાંતિક છે અને ભાવસ્તવ એકાંતિક છે. તેથી ભાવસ્તવથી તીર્થની ઉન્નતિ થાય છે અને સ્વ-પરનો અનુગ્રહ થાય છે, તેથી કોઈને પ્રશ્ન થાય કે દ્રવ્યસ્તવ એકાંતે હેય છે કે ઉપાદેય પણ છે? તેનો ખુલાસો કરતાં ભાષ્યકાર કહે છે કે અકૃત્નસંયમમાં વર્તતા વિરતાવિરત દેશવિરત શ્રાવકોને સંસારના ક્ષયને કરનારો એવો દ્રવ્યસ્તવ યુક્ત છે અને તેમાં કૂપદૃષ્ટાંત છે. આનાથી એ ફલિત થાય છે કે જે દ્રવ્યસ્તવ શુભ અધ્યવસાયને ઉત્પન્ન કરે છે તે દ્રવ્યસ્તવ ધર્માધર્મરૂપ મિશ્ર નથી, પરંતુ સંસારના ઉચ્છેદનું કારણ છે.
પૂર્વપક્ષી પાશદોષાકર કહે છે કે ભાવસ્તવ સંપૂર્ણ સંયમરૂપ હોવાથી ધર્મરૂપ છે, અને દ્રવ્યસ્તવ પુષ્પાદિની હિંસારૂપ હોવાથી અને ભગવાનની ભક્તિની ક્રિયારૂપ હોવાથી ધર્માધર્મરૂપ છે; અને તેમાં યુક્તિ આપી કે દ્રવ્યસ્તવ શાસ્ત્રમાં અપ્રધાન કહેલ છે અને ભાવસ્તવને પ્રધાન કહેલ છે, તેથી નક્કી થાય છે કે મોક્ષનું પ્રધાન કારણ ભાવવ છે અને દ્રવ્યસ્તવ ધર્માધર્મરૂપ મિશ્ર હોવાથી અપ્રધાન છે. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રીએ યુક્તિથી અત્યાર સુધી સ્થાપન કર્યું કે દ્રવ્યસ્તવ ભાવસ્તવનું કારણ છે, માટે દ્રવ્યસ્તવમાં વર્તતો ભાવતવ પ્રધાન છે, અને પુષ્પાદિથી થતી પૂજાની ક્રિયા એ ભાવસ્તવ પ્રત્યે કારણ છે માટે અપ્રધાન છે, અને તેની પુષ્ટિ આવશ્યકનિયુક્તિ ભાષ્ય ગાથા-૧૯૨-૧૯૩-૧૯૮ના પૂજ્ય આચાર્ય હરિભદ્રસૂરિ મહારાજ સાહેબના વચનથી કરી. તેનાથી જે ફલિત થાય છે તે બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –