________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૨
૧૪૨૯
ભાવાર્થ :
આવશ્યકનિયુક્તિભાષ્યમાં દ્રવ્યસ્તવને અપ્રધાન કહેલ છે અને ભાવસ્તવને પ્રધાન કહેલ છે. તેથી ફલિત થાય છે કે મોક્ષનું પ્રધાન કારણ ભાવસ્તવ છે, પરંતુ દ્રવ્યસ્તવ પ્રધાન કારણ નથી; કેમ કે દ્રવ્યસ્તવમાં સંયમ-અસંયમ બને છે. આ પ્રકારના પૂર્વપક્ષીના મંતવ્યનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
શાસ્ત્રાનુસારી વિધિપૂર્વકનું દ્રવ્યસ્તવ ભાવસ્તવ જ છે, તેથી તે અપેક્ષાએ દ્રવ્યસ્તવને અપ્રધાન કહેલ નથી; વળી, દ્રવ્યસ્તવ એ વીતરાગભાવ પ્રત્યે જવાના અંતરંગ ઉદ્યમરૂપ ભાવસ્તવ કરતાં ન્યૂન ભૂમિકાના ભાવસ્તવરૂપ છે, તેથી શ્રાવકો ત્રણ ગુપ્તિના સામ્રાજ્યથી વીતરાગતામાં યત્ન કરી શકતા નથી, તોપણ વીતરાગની ભક્તિ કરીને વીતરાગ થવાની શક્તિનો સંચય કરે છે; અને વીતરાગની ભક્તિ કરતી વખતે ઉત્તમ દ્રવ્યોથી ભગવાનની ભક્તિ કરે છે, એ રૂપ દ્રવ્યસ્તવના સ્વરૂપને સામે રાખીને દ્રવ્યસ્તવને અપ્રધાન કહેલ છે, અને તેની પુષ્ટિ કરવા અર્થે મહાબુદ્ધિશાળી એવા પૂ. આ. હરિભદ્રસૂરિ મહારાજે શું કહ્યું છે, તે ગ્રંથકારશ્રી બતાવે છે –
આવશ્યકનિયુક્તિભાષ્ય ગાથા-૧૯૨નો ભાવ આ પ્રમાણે છે –
દ્રવ્યસ્તવ અને ભાવસ્તવ એ બંનેમાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એવી કોઈકને મતિ થાય, તેનું નિરાકરણ કરતાં કહે છે –
ભાવસ્તવ કરતાં દ્રવ્યસ્તવ બહુગુણવાળો છે, એ અનિપુણમતિનું વચન છે; કેમ કે ભગવાનનો ઉપદેશ છજીવનિકાયના હિતને કહેનારો છે, અને ભાવસ્તવ એ છજીવનિકાયના પાલનરૂપ છે, તેથી ભાવસ્તવ જ બહુગુણવાળો હોઈ શકે; અને જે દ્રવ્યસ્તવમાં જીવનિકાયનું પાલન નથી, પરંતુ છજીવનિકાયના પાલનની શક્તિને સંચય કરવાનો ઉદ્યમ છે, તે દ્રવ્યસ્તવ ભાવસ્તવ કરતાં અધિક ગુણવાળો છે, તેમ કહી શકાય નહિ.
વળી સંપૂર્ણ છજીવનિકાયનો સંયમ દ્રવ્યસ્તવમાં વિરોધી છે, તે કારણથી કૃત્નસંયમને ઇચ્છનારા સાધુઓ પુષ્પાદિને ઇચ્છતી નથી, અને કૃત્નસંયમને જાણનારા સાધુઓ કહેવાથી શ્રાવકનો વ્યવચ્છેદ થયો. તેથી એ ફલિત થાય છે કે શ્રાવકો દ્રવ્યસ્તવને કરનારા છે. વળી દ્રવ્યસ્તવમાં એકાંતે શુભ ભાવ થતો નથી, એ બતાવવા માટે આવશ્યકનિર્યુક્તિભાષ્ય ગાથા-૧૯૩ની ટીકામાં કહ્યું કે કીર્તિ આદિ માટે પણ જીવો દ્રવ્યસ્તવમાં પ્રવૃત્તિ કરે છે; અને જેમને દ્રવ્યસ્તવમાં ભગવાનના ગુણો પ્રત્યેના બહુમાનભાવરૂપ શુભ અધ્યવસાય થાય છે, તે ભાવરૂવરૂપ જ છે. આથી દ્રવ્યસ્તવ કરનારા શ્રાવકોને જે શુભ અધ્યવસાય થાય છે તે ભાવસ્તવરૂપ છે, અને તેનું કારણ પુષ્પાદિથી ભગવાનની પૂજાની ક્રિયારૂપ દ્રવ્યસ્તવ છે. માટે દ્રવ્યસ્તવ અપ્રધાન છે; અને દ્રવ્યસ્તવ અપ્રધાન કેમ છે ? તેમાં યુક્તિ આપેલ છે કે “ફળ અર્થે સર્વ આરંભો હોય છે.” તેથી ભાવસ્તવરૂપ ફળ અર્થે દ્રવ્યસ્તવની પ્રવૃત્તિ છે, માટે દ્રવ્યસ્તવમાં વર્તતો ભગવાનની ભક્તિરૂપ શુભ ભાવ પ્રધાન છે, અને તેના કારણભૂત પુષ્પાદિથી થતી પૂજાની ક્રિયારૂપ દ્રવ્યસ્તવ છે, માટે દ્રવ્યસ્તવ અપ્રધાન છે.