________________
૧૪૧૦
પ્રતિમાશતક | શ્લોક : ૨ કમળોથી પૂજાને તું પાપરૂપ સ્વીકારતો નથી. માટે પુષ્પાદિથી પૂજા કરવામાં પાપ છે, તેથી દેશવિરતિધર શ્રાવકો પુષ્પાદિથી પૂજા કરે નહિ, એ પ્રમાણે તારું કહેવું અસંબદ્ધ પ્રલાપ છે.
વળી ગ્રંથકારશ્રી પૂર્વપક્ષીને કહે છે કે આ રીતે મુગ્ધજનોને બુદ્ધિનો વ્યામોહ કરવા માટે કૃત્રિમ પુષ્પાદિ દ્વારા પૂજાને તું વ્યવસ્થાપન કરી રહ્યો છે, તેથી તુચ્છ અસાર એવા કૃત્રિમ પુષ્પાદિથી ભગવાનની પૂજા કરીને ભગવાનની આશાતનાના પાપને કરવાની તું પ્રેરણા આપે છે, માટે તારું વચન ઉચિત નથી.
વળી સચિત્ત પુષ્પાદિથી પૂજાનો તું નિષેધ કરે છે તો જલાભિષેક આદિ પણ તારે ઉકાળેલા અચિત્ત પાણીથી કરવાનું કહેવું પડે, અને તેને તે પૂર્વપક્ષી સ્વીકારે તો ગ્રંથકારશ્રી તેને કહે છે કે વસ્તુતઃ ઉકાળેલા પાણીથી અભિષેક કરવામાં પાણીને ઉકાળવા દ્વારા અગ્નિકાય અને પાણીના જીવોની વિરાધના થાય. તેથી મૂળથી જ અભિષેકનો તારે નિષેધ કરવો જોઈએ.
આ રીતે દેશવિરતિધર શ્રાવકને સચિત્ત પુષ્પાદિથી પૂજા ન હોય તેમ કહેનારું પૂર્વપક્ષીનું વચન અસંબદ્ધ છે, તેમ બતાવીને, ધર્મમાં આરંભની શંકા દુરંત સંસારનું કારણ છે, તે બતાવવા અર્થે પૂ. હરિભદ્રસૂરિ મહારાજ સાહેબની પંચાશકની સાક્ષી આપી. તેનો ભાવ આ પ્રમાણે છે –
જે શ્રાવકો દેહ અને ગૃહાદિ કાર્યોમાં આરંભ કરી રહ્યા છે, તેઓ ભગવાનની પૂજાના અનારંભક હોય =જીવના ઉપમદનના પરિવારનો પ્રયત્ન કરતા હોય અર્થાત્ ભગવાનની પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસા છે, અભિષેક આદિમાં જલાદિ જીવોની હિંસા છે, તેમ માનીને ભગવાનની પૂજા અર્થે પુષ્પાદિનો અને અભિષેક આદિનો પરિહાર કરતા હોય તે તેઓનું અજ્ઞાન છે; કેમ કે તેઓમાં રહેલા અજ્ઞાનને કારણે ભગવાનની ભક્તિરૂપ ઉચિત પ્રવૃત્તિમાં આરંભની શંકા કરીને ભક્તિનો પરિહાર કરે છે.
વળી આ રીતે અવિવેકને કારણે ભગવાનની પુષ્પાદિથી ભક્તિનો પરિહાર કરવાને કારણે શિષ્ટ લોકમાં પ્રવચનની હીલના થાય છે, કેમ કે શિષ્ટ લોકો વિચારે છે કે પોતાને ઇષ્ટ એવા દેવની ઉત્તમ એવા પુષ્પાદિથી પૂજા કરવાના નિષેધપર આ જૈનશાસન છે. જો પૂજાનો નિષેધ જૈનશાસન ન કરતું હોય તો આ શ્રાવકો પુષ્પાદિથી પૂજાનો પરિહાર કેમ કરે ? તેથી આ દર્શન અનાપ્ત પુરુષથી પ્રણીત છે, તેમ શિષ્ટ લોકોને જણાય છે. તેથી શિષ્ટ લોકમાં ભગવાનના પ્રવચનની હીલના થાય છે, અને આ પ્રકારની પ્રવચનની હીલનાને કારણે તેવી હીલનામાં નિમિત્ત બનનારા શ્રાવકોને અબોધિનું બીજ પ્રાપ્ત થાય છે અર્થાત્ જન્માંતરમાં ભગવાનના શાસનની અપ્રાપ્તિ થાય તેવું બીજ પ્રાપ્ત થાય છે. આટલા દોષો હોવાથી દ્રવ્યથી સ્નાન કરીને શુદ્ધ વસ્ત્રથી જિનપૂજા કરવી જોઈએ, એ પ્રમાણે આ પંચાશકની ગાથાથી ફલિત થાય છે. ઉત્થાન :
પૂર્વમાં પૂર્વપક્ષીએ શ્રમણોપાસક દેશવિરતિના પાંચમા ભાંગામાં કહેલ કે ઇંદ્રાભિષેક કરતી વખતે દેવતાઓ ઔદારિક જલ, પુષ્પો વગેરે ગ્રહણ કરે છે, અને જિનપૂજા કરતી વખતે દારિક પુષ્પો ગ્રહણ કરતા નથી પણ સુરપુષ્પો ગ્રહણ કરે છે, અને સુરપુષ્પો અચિત્ત છે, માટે સચિત્ત પુષ્પોથી પૂજા કરવી શ્રાવકને ઉચિત નથી. તેનું નિરાકરણ કરવા ગ્રંથકારશ્રી કહે છે –