________________
પ્રતિમાશતક | શ્લોક : ૯૦
૧૩૪૯ આનાથી એ પ્રાપ્ત થાય કે કર્મપ્રકૃતિ સંગ્રહણીમાં કર્મની મૂળ પ્રકૃતિઓનો વિભાગ બતાવ્યો છે. ત્યાં કહ્યું કે જીવ કર્મ બાંધે છે, તેમાં આઠે કર્મ બાંધતો હોય ત્યારે સૌથી થોડો ભાગ આયુષ્ય કર્મને આપે છે. તેના કરતાં અધિક ભાગ નામકર્મને અને ગોત્રકર્મને આપે છે અને પરસ્પર સમાન આપે છે. તેના કરતાં અધિક ભાગ જ્ઞાનાવરણ, દર્શનાવરણ અને અંતરાય કર્મને આપે છે અને પરસ્પર સમાન આપે છે અને તેના કરતાં મોહનીયકર્મને વિશેષ અધિક આપે છે અને તેના કરતાં વેદનીયકર્મને વિશેષાધિક આપે છે. આ સર્વનું કારણ કર્મના આશ્રયભૂત જીવનો સ્વભાવ અને બંધાતા એવા કર્મનો સ્વભાવ તેવો છે, તેથી તે રીતે વિભાગ થાય છે, માટે પ્રદેશના અલ્પ-બહુ વિભાગનું પરસ્પર જે વૈચિત્ર્ય પ્રાપ્ત થયું, તેમાં કારણ કર્મનો અને જીવનો તેવો સ્વભાવ છે, તેથી તે પ્રમાણે વિભાગ થાય છે. તેની જેમ બંધાતા કર્મનો અને જીવનો તેવો સ્વભાવ છે કે જીવમાં વર્તતા પરિણામને આશ્રયીને કર્મ શુભરૂપે કે અશુભરૂપે બંધાય છે, પરંતુ હિંસાત્મક કે અહિંસાત્મક દ્રવ્યયોગને આશ્રયીને શુભરૂપે કે અશુભરૂપે બંધાતું નથી. માટે પૂજામાં પુષ્પાદિ જીવોની હિંસાને આશ્રયીને દ્રવ્યસ્તવને ધર્માધર્મરૂપ મિશ્ર કહેવું એ પાર્જચંદ્રનું કથન અયુક્ત છે.
વળી, હિંસાત્મક દ્રવ્યાશ્રવને કારણે પાપપ્રકૃતિ બંધાતી નથી, પરંતુ જીવના પરિણામને વશ બંધાયા પૂર્વે સમાન એવી કાર્મણવર્ગણા પુણ્ય-પાપરૂપે પરિણમન પામે છે. તે દૃષ્ટાંતથી વિશેષાવશ્યક ભાષ્ય ગાથા૧૯૪૪-૧૯૪પમાં બતાવે છે - વિશેષાવશ્યક ગાથા-૧૯૪૪નો ભાવાર્થ :
જેમ પરિણામના વશથી ગાયને દૂધ આપવામાં આવે તો તે દૂધ ગાયને વિશિષ્ટ પ્રકારના દૂધરૂપે પરિણમન પામે છે અને સાપને દૂધ આપવામાં આવે તો તે દૂધ સાપને પરિણામના વશથી ઝેરરૂપે પરિણમન પામે છે. તેમ જીવ સાથે બંધાયા પૂર્વે કાર્મણવર્ગણા સમાન હોવા છતાં જીવના પરિણામને વશ કેટલીક કાર્મણવર્ગણા પુણ્યરૂપે પરિણમન પામે છે તો અન્ય પ્રકારના પરિણામને વશ કેટલીક કાર્મણવર્ગણા પાપરૂપે પરિણમન પામે છે. તેથી જીવના પરિણામને આશ્રયીને કર્મમાં શુભ-અશુભ ભાવ પ્રાપ્ત થાય છે, પરંતુ દ્રવ્યાશ્રવને કારણે નહિ, એ પ્રકારનો અર્થ ફલિત થાય છે.
અહીં “તુલ્ય પણ આહાર” એમ કહ્યું. તેનાથી એ કહેવું છે કે ગાયના ઉત્તમ દૂધની પ્રાપ્તિ અર્થે એક ગાયનું દૂધ બીજી ગાયને આપવામાં આવે છે, તેથી તે દૂધ ગાયને વિશિષ્ટ દૂધરૂપે પરિણમન પામે છે. આથી ચક્રવર્તીની ગાયોનું એકેક ગાયનું દૂધ બીજી બીજી ગાયને આપીને હજારમી ગાયનું છેલ્લું દૂધ પ્રાપ્ત થાય, તે ચક્રવર્તીના ભોજન માટે વપરાય છે; અને અહીં એ બતાવવું છે કે ગાયને દૂધ આપવાથી તે દૂધ વિશિષ્ટ દૂધરૂપે પરિણમન પામે છે, અને સાપને દૂધ આપવાથી તે દૂધ ઝેરરૂપે પરિણમન પામે છે. તેમ સમાન કાર્મણવર્ગણા પણ અશુભ અધ્યવસાયથી પાપરૂપે પરિણમન પામે છે અને શુભ અધ્યવસાયથી પુણ્યરૂપે પરિણમન પામે છે.
વળી, પરિણામના વશથી પુણ્ય-પાપ બંધાય છે, દ્રવ્યાશ્રવના વશથી નહિ. તેમાં અન્ય દૃષ્ટાંત વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૯૪પમાં બતાવે છે –