________________
૧૩૪૮
પ્રતિમાશતક | શ્લોક : ૯૦
બંધાય, તથા શુભરસ કે અશુભરસનો આશ્રય એવા કર્મનો સ્વભાવ પણ તેવો છે કે જીવના પરિણામ પ્રમાણે શુભ અથવા અશુભ કર્મ બંધાય, પરંતુ મિશ્ર કર્મબંધ ન થાય. માટે બંધાતું કર્મ જીવના અધ્યવસાયરૂપ ભાવયોગને આશ્રયીને શુભ અથવા અશુભરૂપે બંધાય છે, પરંતુ ક્રિયાત્મક દ્રવ્યયોગને આશ્રયીને બંધાતા કર્મમાં શુભપણું કે અશુભપણું થતું નથી. આ વાત અતીન્દ્રિય છે, માટે તેનો નિર્ણય શાસ્ત્રવચનથી થઈ શકે. તેથી ગ્રંથકારશ્રીએ પોતે જે નિયમ બાંધ્યો છે, તે નિયમ તેમ જ છે, તે વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૯૪૩થી સ્પષ્ટ કરે છે – વિશેષાવશ્યક ભાષ્ય ગાથા-૧૯૪૩નો ભાવાર્થ -
જીવનો જે પરિણામ છે તે અધ્યવસાય છે, અને તે અધ્યવસાય એક સમયમાં શુભ હોય અથવા અશુભ હોય અને તે અધ્યવસાય પ્રમાણે જીવ શુભ કે અશુભ કર્મ બાંધે છે. તેમાં યુક્તિ બતાવતાં ગ્રંથકારશ્રી કહે છે –
જીવ જે કર્મ બાંધે છે તે કર્મબંધનો આશ્રય જીવ છે, અને જીવ દ્વારા જે કર્મ બંધાય છે તે બંધાતા કર્મમાં શુભ કે અશુભ રસ ઉત્પન્ન થાય છે, તે શુભ કે અશુભ રસનો આશ્રય કર્મ છે, અને જીવનો તેવો સ્વભાવ છે કે પોતાનો જેવો શુભ અથવા અશુભ અધ્યવસાય હોય તે પ્રમાણે શુભ અથવા અશુભ કર્મ બાંધે. તેથી કર્મના આશ્રમરૂપ જીવનો તેવો સ્વભાવ છે કે પોતાના અધ્યવસાય પ્રમાણે કર્મને શુભ કે અશુભરૂપે બાંધે, અને બંધાતા કર્મમાં જે રસ બંધાય છે તે રસનો આશ્રય કર્મ છે અને તે રસના આશ્રયભૂત કર્મનો પણ તેવો સ્વભાવ છે કે જીવના શુભ પરિણામથી શુભ રસ ઉત્પન્ન થાય અને જીવના અશુભ પરિણામથી તે કર્મમાં અશુભ રસ ઉત્પન્ન થાય. તેથી શુભ કે અશુભ રસના આશ્રયભૂત કર્મના સ્વભાવને કારણે પરિણામને વશ કર્મમાં રસ ઉત્પન્ન થાય છે.
આનાથી એ ફલિત થાય કે જીવના પરિણામ પ્રમાણે શુભ અથવા અશુભ કર્મ બંધાય છે, પરંતુ હિંસારૂપ દ્રવ્યાશ્રવને કારણે કર્મમાં શુભપણું કે અશુભપણું બંધાતું નથી. આથી જ કેવલી વિહારાદિ કરતા હોય ત્યારે તેમના યોગથી કોઈ જીવની હિંસા થાય તોપણ યોગકૃત બે સમયનો સાતવેદનીયરૂપ કર્મનો બંધ થાય છે, અને કોઈ જીવની હિંસા ન થાય તોપણ યોગકૃત બે સમયનો સતાવેદનીયરૂપ કર્મનો બંધ થાય છે. દ્રવ્યહિંસાત્મક યોગ બંધાતા કર્મમાં શુભપણાનું કે અશુભપણાનું કારણ નથી, પરંતુ જીવનો અધ્યવસાય બંધાતા કર્મમાં શુભપણાનું કે અશુભપણાનું કારણ છે; અને પૂજાની ક્રિયામાં અશુભ અધ્યવસાય નથી, માટે શુભ કર્મબંધ થાય છે, પરંતુ અશુભ કર્મબંધ થતો નથી. માટે પાર્થચંદ્રને અભિમત દ્રવ્યસ્તવમાં ધર્માધર્મરૂપ મિશ્ર પક્ષ સંગત નથી.
પૂર્વમાં કહ્યું કે કર્મબંધનો આશ્રય એવા જીવનો અને શુભ કે અશુભ રસનો આશ્રય એવા કર્મનો તેવો સ્વભાવ છે કે જીવના અધ્યવસાય પ્રમાણે કર્મ શુભરૂપે કે અશુભરૂપે બંધાય. તેની પુષ્ટિ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
જીવ અને કર્મનો તેવો સ્વભાવ છે એમ કહ્યું, એ પ્રદેશના અલ્પ-બહુ વિભાગના વૈચિત્યાદિનું ઉપલક્ષણ છે.