________________
પ્રતિમાશતક | શ્લોક : ૭૭
૧૨૫૫
આચાર પાળનાર નથી, આમ છતાં પોતે પાર્શ્વસ્થ નથી, તેમ બતાવવા માટે પાર્શ્વસ્થથી કરાયેલ પ્રતિમા પૂજનીય નથી, તેમ કહીને, પ્રતિમાની પૂજાનું નિવારણ કરે છે. એનું વચન, જેમ કોઈ અસતી સ્ત્રી સતી સ્ત્રીઓ આવી હોય, આવી હોય એમ કહેવા માટે સમર્થ નથી, તેના જેવું છે; કેમ કે અસતી સ્ત્રી એમ કહે તો લોકોને લાગે કે આ બોલનાર પોતે સતી સ્ત્રી છે, આથી જ તેને સતીનો આટલો પક્ષપાત છે. તેમ પોતે પાર્શ્વસ્થ હોય અને કહે કે પાર્શ્વસ્થાદિથી પ્રતિષ્ઠિત પ્રતિમા પૂજનીય નથી, તો લોકોને એવો ભ્રમ પેદા કરાવે કે પાર્શ્વસ્થની પ્રતિમાને અપૂજ્ય કહેનાર પોતે પાર્શ્વસ્થ નથી, માટે પોતાનાથી કરાયેલી પ્રતિમા પૂજનીય છે અન્યથી નહિ, એમ કહે છે. વસ્તુતઃ આ વચન પોતાનાથી સંયમ પાળવું અશક્ય છે, આમ છતાં સંયમ પોતાની કૃતિથી સાધ્ય છે, તેવું બતાવવાના યત્નરૂપ છે, તેથી વિદ્વાનોમાં તે વચનથી ઉપહાસપણાની પ્રાપ્તિનો પ્રસંગ છે.
વળી, પાર્શ્વસ્થ અને પોતે બંને ભગવાનના વચનાનુસાર ચારિત્રમાં શિથિલ હોય, આમ છતાં પોતાનાથી કરાયેલી પ્રતિમાનો પક્ષપાત ક૨વો અને અન્યથી કરાયેલી પ્રતિમા પૂજનીય નથી, એમ નિષેધ ક૨વો, અને એ રીતે ઇતરથી કરાયેલી પ્રતિમામાં ભક્તિનો સંકોચ કરીને ઇતરથી કરાયેલ પ્રતિમા પ્રત્યે પ્રદ્વેષ ધારણ ક૨વો અને તેની નિંદા કરવી એ મહાપાપરૂપ છે. માટે વિષમકાળમાં પાર્શ્વસ્થાદિથી કરાયેલી પ્રતિમા પણ આકારમાત્રથી સામ્ય છે, એમ સ્વીકારીને પૂજનીય છે તેમ માનવું ઉચિત છે.
પૂર્વમાં કહ્યું કે જે કાળમાં ઉદ્યતવિહારી એવા આચાર્યાદિ હતા, તે વખતે પૂજનીય પ્રતિમામાં શુદ્ધાશુદ્ધનો વિવેક કરવામાં આવે તો શ્રાવકો પણ ભાવોલ્લાસ ક૨ી શકતા હતા. તેમાં નો ઉત્તમેકિં સીમંતિ । સાક્ષી આપી અને કહ્યું કે જે ઉત્તમ પુરુષો વડે માર્ગ સેવાયો હોય તે બીજાને દુષ્કર નથી. આચાર્ય યતમાન હોય તો તેમના અનુચરો કેવી રીતે સિદાય ? તેનો સંબંધ આ પ્રમાણે છે –
જે કાળમાં ઉત્તમ સુવિહિત આચાર્યો હતા અને તેઓ વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવતા હતા, તે વખતે કોઈ પાર્શ્વસ્થાદિએ પ્રતિષ્ઠા કરાવી હોય અને કહેવામાં આવે કે આ સુસાધુથી પ્રતિષ્ઠિત પ્રતિમા નથી, તો તેવી પાર્શ્વસ્થાદિથી પ્રતિષ્ઠિત પ્રતિમાનો ત્યાગ કરીને સુસાધુથી પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજા કરવી એ સુકર હતું; કેમ કે જે વખતે સુસાધુઓની પ્રાપ્તિ હતી તે વખતે સુસાધુથી પ્રતિષ્ઠિત પ્રતિમાઓની પણ પ્રાપ્તિ હતી. તેથી ઉત્તમ એવા આચાર્યોથી જે માર્ગ સેવાતો હોય તે માર્ગનું સેવન તેમના અનુચર એવા શ્રાવકો પણ કરી શકે; કેમ કે જ્યારે આચાર્ય અપ્રમાદવાળા હોય ત્યારે તેમને અનુસરનારા શ્રાવકો પણ સુસાધુથી પ્રતિષ્ઠિત પ્રતિમાની પ્રાપ્તિ કરીને ભગવાનની ભક્તિ કરી શકે, પરંતુ તેવા આચાર્યાદિની પ્રાપ્તિ દુર્લભ હોય ત્યારે શિથિલાચારવાળા આચાર્યને અનુસરનારા શ્રાવકો પણ જો નક્કી કરે કે સુસાધુથી પ્રતિષ્ઠિત પ્રતિમાની પૂજા કરવી, અન્યની નહિ, તો ભગવાનની પૂજાથી વંચિત રહે. તેથી જ્યારે આચાર્ય ઉઘમવાળા ન હોય ત્યારે તેના અનુચરો પણ સિદાય. તેમ વર્તમાનકાળમાં તેવા ઉદ્યતવિહારી આચાર્યો નહિ હોવાથી જો તેવો આગ્રહ રાખવામાં આવે કે સુસાધુથી પ્રતિષ્ઠિત જ પ્રતિમા પૂજનીય છે, તો શ્રાવકો ભગવાનની પૂજાથી વંચિત રહે. II૭૭ના