________________
૧૩૨૦
પ્રતિમાશતક | શ્લોક : ૮૯ ભાવયોગમાં મિશ્રતા નથી, તે પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું. હવે પરિસ્પંદરૂપ જે દ્રવ્યયોગો છે, તેમાં પણ શુભાશુભ યોગની મિશ્રતા નથી, તે બતાવવા માટે ગ્રંથકારશ્રી કહે છે –
નિશ્ચયનયથી મન, વચન અને કાયાને અવલંબીને થતા પરિસ્પંદરૂપ દ્રવ્યયોગમાં પણ શુભાશુભ કર્મબંધને અનુકૂળ એવો મિશ્રભાવ નથી; કેમ કે નિશ્ચયનય દ્રવ્યયોગોમાં મિશ્રતા સ્વીકારતો નથી. નિશ્ચયનય દ્રવ્યયોગોમાં કેમ મિશ્રતા સ્વીકારતો નથી, તેમાં ગ્રંથકારશ્રી યુક્તિ બતાવે છે –
કોઈપણ અનુષ્ઠાનકાળમાં શુભયોગ પ્રધાન હોય તો તે અંશને પ્રધાન કરીને નિશ્ચયનય તે યોગને શુભયોગ કહે છે, અને અશુભયોગ પ્રધાન હોય તો તે અંશને પ્રધાન કરીને નિશ્ચયનય તે યોગને અશુભયોગ કહે છે. આમ કહેવા પાછળ નિશ્ચયનયનો આશય એ છે કે અનુષ્ઠાનકાળમાં જીવ ઉત્તમ અધ્યવસાયને અવલંબીને યોગમાં યત્ન કરતો હોય તે વખતે અજ્ઞાનને કારણે કે અનાભોગને કારણે અવિધિ અંશ પ્રવર્તતો હોય તો પણ શુભ અધ્યવસાયને કારણે શુભયોગનો ઉપયોગ મુખ્ય છે, અને તે શુભઉપયોગ પ્રમાણે પુણ્યબંધ કે નિર્જરા થાય છે, પરંતુ અપ્રધાન એવા અશુભયોગને અવલંબીને કર્મબંધ થતો નથી. તેથી નિશ્ચયનય તે ક્રિયામાં વર્તતા શુભયોગરૂપ પ્રધાન અંશને સ્વીકારીને શુભયોગ સ્વીકારે છે, પરંતુ અશુભ યોગ સ્વીકારતો નથી; અને શુભ પણ ક્રિયા કરતી વખતે ક્રિયા કરનારનો ઉપયોગ ભગવાનના વચન પ્રત્યે અનાદરવાળો હોય કે વિપરીત રુચિથી આવિષ્ટ હોય તે વખતે સુંદર પણ અનુષ્ઠાનકાળમાં અશુભ અંશ પ્રધાન છે. તેથી તે સુંદર પણ અનુષ્ઠાનથી જીવને અશુભ કર્મનો બંધ થાય છે માટે નિશ્ચયનય તે ક્રિયામાં વર્તતા અશુભ અંશને પ્રધાન કરીને અશુભયોગરૂપે સ્વીકારે છે, પણ શુભયોગરૂપે સ્વીકારતો નથી. તેથી નિશ્ચયનયના મત પ્રમાણે શુભાશુભ મિશ્રયોગ નથી.
વસ્તુતઃ નિશ્ચયનય કર્મબંધરૂપ ફળને અનુરૂપ તે ક્રિયા વર્તતી હોય તો તે ક્રિયાને અશુભયોગ સ્વીકારે છે, અને પુણ્યબંધ તથા નિર્જરાને અનુકૂળ તે ક્રિયા વર્તતી હોય તો તે ક્રિયાને શુભયોગ સ્વીકારે છે, પરંતુ પરિસ્પંદરૂપ બાહ્યક્રિયાને શુભાશુભરૂ૫ મિશ્ર તરીકે સ્વીકારતો નથી.
વળી, જેમ નિશ્ચયનય દ્રવ્યયોગોમાં મિશ્રતા સ્વીકારતો નથી, તેમ નિશ્ચયાંગ વ્યવહારનય પણ=નિશ્ચયની જેમ સૂક્ષ્મ દૃષ્ટિને જોનાર દૃષ્ટિને અવલંબીને પ્રવર્તનાર એવો વ્યવહારનય પણ, તે પ્રકારે વ્યવહાર કરે છે નિશ્ચયની જેમ વ્યવહાર કરે છે અર્થાત્ જેમ નિશ્ચયનય પ્રધાન અંશને સામે રાખીને દ્રવ્યયોગને શુભ કે અશુભ બેમાંથી એક યોગ કહે છે, પરંતુ મિશ્રયોગ કહેતો નથી, તેમ નિશ્ચયાંગ વ્યવહારનય પણ શુભ કે અશુભ એક યોગ કહે છે, પરંતુ મિશ્રયોગ કહેતો નથી, અને તેની પુષ્ટિ કરવા માટે ગ્રંથકારશ્રી કહે છે -
આથી જ અશોકપ્રધાન એવા વનને અશોકવન એ પ્રમાણે કોઈ વિવક્ષા કરે ત્યારે મિશ્રભાષાની આપત્તિ નથી અર્થાત્ શુભાશુભ મિશ્રયોગ સ્વીકારવાની આપત્તિ નથી; કેમ કે નિશ્ચયાંગ વ્યવહારનયની દૃષ્ટિથી પ્રધાન અંશને સામે રાખીને આ વન અશોકવન છે, તેમ કહેવાય છે. વસ્તુતઃ તે વનમાં અશોક સિવાયનાં અન્ય વૃક્ષો પણ અલ્પ અંશમાં હોઈ શકે, તોપણ અશોક વૃક્ષની પ્રધાનતાને સામે રાખીને તે પ્રકારનો પ્રયોગ થાય છે, અને તે પ્રયોગમાં આ મિશ્રભાષા છે, તેમ કહેવાનો દોષ પ્રાપ્ત થતો નથી.