________________
૧૩૦૦
પ્રતિમાશતક | શ્લોક : ૮૬
તેમ સ્વીકા૨વામાં ક્ષતિ નથી; કેમ કે વિધિવાક્યથી પ્રાપ્ત થતી વિધેયતા પૂર્ણ અર્થમાં જ છે, અને બુદ્ધિકૃત વિધેયતા ક્વચિત્ એક ભાગમાં છે તો ક્વચિત્ પૂર્ણ અર્થમાં છે.
બુદ્ધિકૃત વિધેયતા એક ભાગમાં છે, તેને સ્પષ્ટ કરવા માટે સ્યાદ્વાદરત્નાકરના વચનને ગ્રંથકારશ્રી બતાવે છે –
સ્યાદ્વાદરત્નાકરમાં પ્રતિપાદન કરવા યોગ્ય એવા દરેક જનને આશ્રયીને જુદા જુદા પ્રકારની વિધેયતા બતાવાયેલી છે. જેમ - ‘સ્વપરવ્યવસાયિજ્ઞાન પ્રમાણ છે' આ વાક્યમાં વિધ્યર્થનો પ્રયોગ નથી, તેથી વચનથી વિધેયતા પ્રાપ્ત થતી નથી, પરંતુ બુદ્ધિકૃત વિધેયતા પ્રાપ્ત થાય છે. જેમ કોઈ શ્રોતાને સ્વપરવ્યવસાયિજ્ઞાન છે, એવો બોધ છે, પરંતુ આ જ્ઞાન પ્રમાણ છે તેવો બોધ નથી, તેવા શ્રોતાને આશ્રયીને સ્વપરવ્યવસાયિજ્ઞાનને ઉદ્દેશીને પ્રમાણનું વિધાન કરવામાં આવે છે, ત્યારે પ્રમાણ અંશમાં વિધેયતા છે, તે વિશેષ્ય અંશમાં વિધેયતારૂપ છે.
વળી, કોઈ શ્રોતાને પ્રમાણનો બોધ છે, પરંતુ સ્વપ૨વ્યવસાયિજ્ઞાન પ્રમાણ છે તેવો બોધ નથી, તેવા શ્રોતાને પ્રમાણને ઉદ્દેશીને સ્વપ૨વ્યવસાયિજ્ઞાનનું વિધાન કરવામાં આવે ત્યારે તેવા શ્રોતાને માટે સ્વપરવ્યવસાયિજ્ઞાન વિધેય બને છે, તે વિશેષણ અંશમાં વિધેયતારૂપ છે.
વળી, કોઈ શ્રોતાને પ્રમાણ શું છે, અને સ્વપ૨વ્યવસાયિજ્ઞાન શું છે, તે બંનેનો બોધ નથી, તેવા શ્રોતાને ઉદ્દેશીને સ્વપરવ્યવસાયિજ્ઞાન પ્રમાણ છે, તે વિધેય બને છે, તે વિશેષણ-વિશેષ્યરૂપ ઉભય અંશમાં વિધેયતા રૂપ છે.
આનાથી એ ફલિત થયું કે જે શ્રોતાને વિશેષણની પ્રસિદ્ધિ અને વિશેષ્યની અપ્રસિદ્ધિ છે, તે શ્રોતાને આશ્રયીને વિશેષ્યનું વિધેયપણું છે; અને જે શ્રોતાને આશ્રયીને વિશેષ્યની પ્રસિદ્ધિ છે અને વિશેષણની અપ્રસિદ્ધિ છે, તે શ્રોતાને આશ્રયીને વિશેષણનું વિધેયપણું છે; અને જે શ્રોતાને વિશેષણ અને વિશેષ્ય ઉભયની અપ્રસિદ્ધિ છે, તે શ્રોતાને આશ્રયીને વિશેષણ-વિશેષ્ય ઉભયનું વિધેયપણું છે. આ પ્રકારે સ્યાદ્વાદરત્નાકરમાં કહેલું છે, તેથી બુદ્ધિકૃત વિધેયતા શ્રોતાને આશ્રયીને ભાગમાં પણ હોય અને પૂર્ણ વાક્યમાં પણ હોય.
આ રીતે શ્લોકના બીજા પાદનો અર્થ કર્યા પછી બુદ્ધિકૃત વિધેયતા અનુભવથી પણ ભાગમાં હોય છે, તે સ્પષ્ટ કરવા માટે ટીકામાં ગ્રંથકારશ્રી બતાવે છે
-
કોઈ માણસ બેઠો હોય અને તેને કોઈ કહે કે ‘રક્ત પટને વણ'. તે વખતે તેને વણવાની ક્રિયામાં પ્રવર્તાવવાનો છે, અને વણવાની ગમે તે ક્રિયામાં પ્રવર્તાવવો નથી, પરંતુ પટને વણવામાં પ્રવર્તાવવો છે. વળી, પટમાં પણ ગમે તે પટને વણવામાં પ્રવર્તાવવો નથી, પરંતુ રક્ત પટને વણવામાં પ્રવર્તાવવો છે. તે વખતે ‘રક્ત પટ વણ' એ વચનથી ત્રણમાં વિધેયતા પ્રાપ્ત થાય છે.