________________
૧૨૮૦
પ્રતિમાશતક | શ્લોકઃ ૮૪ સાધુની જેમ યતના કરતા નથી, અને સાધુઓની નદી ઊતરવાની ક્રિયા યતનાવાળી હોય છે. તેથી નદી ઊતરવાની ક્રિયાનો જે વ્યવહાર છે અર્થાત્ જે આચાર છે તે ગૃહસ્થનો જુદા પ્રકારનો છે અને સાધુનો જુદા પ્રકારનો છે. તેથી નદી ઉત્તારાદિ ક્રિયામાં ગૃહસ્થને વ્યવહારનયથી હિંસા છે અને સાધુને વ્યવહારનયથી હિંસા નથી. તેથી સાધુ નદી ઊતરવાની ક્રિયા કરે છે, તેમાં હિંસાના મિશ્રણનો અભાવ છે. માટે સાધુને - મિશ્ર પક્ષ ઇષ્ટ નથી.
અહીં વ્યવહારનયથી સાધુને હિંસા નથી, એમ કહેવાનો પાર્થચંદ્રનો આશય એ છે કે સાધુ નદી ઊતરે છે તે વખતે પાણીના જીવો મરે છે. તેથી સૂક્ષ્મ દૃષ્ટિથી જોઈએ તો જીવો મર્યા છે, માટે હિંસા છે. તેથી નિશ્ચયનયથી સાધુને નદી ઊતરવાની ક્રિયામાં હિંસા છે, પરંતુ શાસ્ત્રાનુસારી શુદ્ધ વ્યવહારની ક્રિયા હોવાને કારણે વ્યવહારનય યતનાપૂર્વક સાધુ નદી ઊતરે છે ત્યાં હિંસા નથી તેમ કહે છે, અને ગૃહસ્થ સાધુની જેમ યતનાપૂર્વક નદી ઊતરતા નથી, તેથી ગૃહસ્થની નદી ઊતરવાની ક્રિયામાં હિંસા કહે છે.
આ રીતે પાર્જચંદ્રએ સમાધાન કર્યું કે સાધુ અપવાદથી નદી ઊતરે છે, ત્યારે અપવાદ યતનામાં છે, અને યતના ભાવ છે, માટે અપવાદથી નદી ઊતરવાની ક્રિયાને મિશ્ર ક્રિયા કહી શકાય નહિ; અને વિધિવાક્ય યતનામાં હોવા છતાં સાધુ જે વિધિપૂર્વક નદી ઊતરે છે, તે નદી ઊતરવાની ક્રિયા પણ યતનાશુદ્ધ હોવાથી વ્યવહારનયથી હિંસારૂપ નથી. માટે સાધુ જે નદી ઊતરે છે તેમાં વર્તતી જીવોની હિંસા છે, તેને આશ્રયીને પણ સાધુને મિશ્ર પક્ષની પ્રાપ્તિ છે, તેમ કહી શકાય નહિ. આમ પોતાની વાતનું સમર્થન કરીને પાર્જચંદ્ર સિદ્ધાંતકારને આક્ષેપ કરતાં કહે છે કે તમારા વડે સાધુને અપવાદથી નદી ઊતરવામાં મિશ્ર પક્ષની પ્રાપ્તિ થશે એ પ્રકારે અમને દોષ આપવો તે ઉચિત નથી; કેમ કે પૂર્વમાં બતાવ્યું એ રીતે સાધુ અપવાદથી નદી ઊતરે છે ત્યારે વિધિ અંશને આશ્રયીને ધર્માધર્મની મિશ્રતા નથી અને નદી ઊતરવાની ક્રિયાને આશ્રયીને પણ ધર્માધર્મની મિશ્રતા સાધુને નથી, માટે સાધુ અપવાદથી નદી ઊતરશે ત્યારે સાધુને પણ ધર્માધર્મની મિશ્રતા પ્રાપ્ત થશે, એમ કહેવું ઉચિત નથી. વસ્તુતઃ તમને=સિદ્ધાંતકારને, દ્રવ્યસ્તવમાં સાધુ ઉચિત યતનાનો અભાવ હોવાને કારણે અવર્જનીય જ હિંસા છે, તેથી દ્રવ્યસ્તવમાં મિશ્ર પક્ષનો પરિહાર થાય તેમ નથી.
પાર્થચંદ્રનો આશય એ છે કે સાધુ અપવાદથી નદી ઊતરે છે, ત્યારે અપવાદ વચનથી યતનાનું સ્મરણ થાય છે, માટે શક્ય એટલી જીવરક્ષામાં યતનાપૂર્વક વિધિ અનુસાર સાધુ નદી ઊતરે છે, અને સિદ્ધાંતકારને માન્ય એવી ભગવાનની પૂજામાં યતનાપૂર્વક પૂજા કરનાર પણ શ્રાવક સાધુને ઉચિત યતના કરતા નથી; કેમ કે જેમ સાધુ જીવોની હિંસા કેમ ઓછી થાય તેવી યતના કરીને નદી ઊતરે છે, તેમ ભગવાનની પૂજા કરનાર શ્રાવક કેમ ઓછા જીવોની હિંસા પૂજામાં થાય, તદર્થે આછાં પુષ્પો વાપરવાં અને શક્ય હોય તો ન વાપરવાં, તેવી યતના કરતા નથી, પરંતુ અધિક પુષ્પાદિ દ્વારા અધિક ભક્તિ કરવાનો ભાવ કરે છે. તેથી સાધુઉચિત યતના દ્રવ્યસ્તવમાં નથી, માટે પૂજામાં અવર્જનીય હિંસા છે. તેથી પૂજાની ક્રિયામાં ભગવાનની ભક્તિનો આશય તે શુભભાવ છે, અને પુષ્પાદિ જીવોની હિંસાની ક્રિયા અધર્મ છે, માટે દ્રવ્યસ્તવમાં મિશ્ર પક્ષનો પરિહાર થાય તેમ નથી, એ પ્રકારનો પાર્થચંદ્રનો આશય છે. ll૮૪ll