________________
૧૨૫૦
પ્રતિમાશતક | બ્લોક: ૭૬
પ્રતિમાને જોઈને જેમ તેમના પ્રત્યે પૂજ્યબુદ્ધિ થઈ, તેમ પ્રત્યભિજ્ઞાથી પ્રતિષ્ઠા દ્વારા કરાયેલ સમાપત્તિના સ્મરણને કારણે વીતરાગ સાથે થયેલી સમાપત્તિની ઉપસ્થિતિ થવાથી તેવી સમાપત્તિપૂર્વક આ પ્રતિમા પ્રતિષ્ઠિત થયેલી છે તેના સ્મરણને કારણે, પૂજા કરનારને ભાવનો અતિશય થાય છે. તેથી તેવા ભાવપૂર્વક કરાયેલી પૂજા વિશિષ્ટ ફળને આપનારી થાય છે. આથી જ ટીકામાં ખુલાસો કર્યો કે કોઈ શ્રાવક ભગવાનના આકારમાત્રનું આલંબન કરીને પૂજા કરતા હોય તે વખતે જે ફળ થાય છે, તેના કરતાં પ્રતિષ્ઠતત્વની પ્રત્યભિજ્ઞાપૂર્વક ભગવાનની પૂજા કરતા હોય તો અતિશયિત ફળ થાય છે.
આનાથી એ ફલિત થયું કે પ્રતિષ્ઠિત એવી પ્રતિમાવિષયક યથાર્થ પ્રત્યભિજ્ઞાન પૂજાફળ પ્રત્યે પ્રયોજક છે; કેમ કે પ્રતિમામાં પ્રતિષ્ઠા થયેલી છે, તેવા જ્ઞાનને કારણે પ્રતિષ્ઠા કરાવનારની પરમાત્મા સાથે થયેલી સમાપત્તિનું સ્મરણ થાય છે, અને તેના કારણે જ્યારે ભગવાનની પૂજા કરવામાં આવે ત્યારે પૂજા કરનારને જે ભાવનો અતિશય થાય છે, તેવા ભાવનો અતિશય યથાર્થ પ્રત્યભિજ્ઞા વગર થાય નહિ.
પૂર્વમાં યુક્તિથી સ્થાપન કર્યું કે પ્રતિષ્ઠા કરાવનાર મહાત્મામાં પ્રતિષ્ઠાની ક્રિયાથી ઉત્પન્ન થયેલ સમાપત્તિ સંબંધ વિશેષથી પ્રતિમામાં પ્રતિષ્ઠિતત્વના વ્યવહારનું કારણ છે અને શીધ્ર પ્રત્યભિજ્ઞા દ્વારા તે સમાપત્તિ પૂજા કરનારને વિશિષ્ટ ફળ આપનાર છે.
આનાથી એ ફલિત થયું કે પૂજા કરનારને વિશિષ્ટ આશયની પ્રાપ્તિ માટે વીતરાગની પ્રતિમા જેમ આલંબનરૂપ છે, તેમ તેમાં થયેલી પ્રતિષ્ઠા પણ વિશેષ ભાવ પ્રત્યે આલંબનરૂ૫ છે, માટે પ્રતિમાની પ્રતિષ્ઠા થયેલી હોય તો પૂજામાં ભાવનો અતિશય થાય, તેમ તે પ્રતિષ્ઠા વિશિષ્ટ ગુણવાળા મહાત્મા દ્વારા થઈ હોય તો, આ મહાત્માએ આ પ્રતિષ્ઠા કરી છે, તેવું જ્ઞાન થવાથી, ગુણસંપન્ન એવા મહાત્માથી પરમાત્માની સાથે પ્રતિષ્ઠાકાળમાં થયેલી વિશિષ્ટ સમાપત્તિનું સ્મરણ થવાથી, વિવેકી શ્રાવકને વિશિષ્ટ અધ્યવસાય થાય છે, એ પ્રત્યક્ષથી સિદ્ધ છે.
આશય એ છે કે વિવેકસંપન્ન શ્રાવક શાસ્ત્રની મર્યાદાને જાણનાર હોય છે અને આ પ્રતિમાની કોઈ વિશિષ્ટ મહાપુરુષે પ્રતિષ્ઠા કરી છે, તેવું જ્ઞાન થાય ત્યારે, તે ગુણવાન મહાત્મા નિર્લેપ હોવાથી ભગવાનની પ્રતિષ્ઠાનાકાળમાં વિશેષ પ્રકારના તન્મયભાવને કરીને તેમણે કેવી લોકોત્તમ સમાપત્તિ કરી હશે, તેની કલ્પના કરી શકે છે; અને તેવી ઉપસ્થિતિ થવાને કારણે પરમાત્મા સાથે થયેલી તે મહાત્માની સમાપત્તિના
સ્મરણને કારણે ભગવાનની પૂજાના કાળમાં તેને વિશેષ ભક્તિ ઉલ્લસિત થાય છે, તેથી તે વિવેકી શ્રાવકને વિશેષ નિર્જરા પ્રત્યે વિશિષ્ટ મહાત્મા દ્વારા કરાયેલ પ્રતિષ્ઠા કારણ છે, માટે પૂજા કરનારના વિશેષ આશયની પ્રાપ્તિ માટે પ્રતિષ્ઠા કરાવનાર પણ વિશિષ્ટ ગુણસંપન્ન મહાત્મા અધિકારી છે, અન્ય નહિ.
અવતરણિકામાં કરેલ બે શંકાનું સમાધાન કર્યા પછી ગ્રંથકારશ્રીને એ સ્મરણ થયું કે કોઈક એવા સંયોગમાં પ્રતિષ્ઠિત પ્રતિમા ન હોય અને પ્રતિમાની ઉપલબ્ધિ પણ ન હોય તો ભગવાનની પૂજા કઈ રીતે કરી શકાય, તે બતાવવા અર્થે ગ્રંથકારશ્રી કહે છે –