________________
પ્રતિમાશતક | બ્લોક : ૭૫
૧૨૪૩
છે તેથી ચાંડાલાદિનો સ્પર્શ થાય તો તે પ્રતિમા અપૂજ્ય બને છે, અને તેથી પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલ શક્તિ પ્રતિમાની પૂજાના ફળની પ્રાપ્તિમાં પ્રયોજક છે, પરંતુ પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠા કરાવનારમાં થયેલ અદૃષ્ટ પૂજા ફળનું પ્રયોજક નથી. તેનું નિરાકરણ કરતાં ગ્રંથકારશ્રી કહે છે –
પ્રતિષ્ઠાવિધિથી ચાંડાલાદિના સ્પર્શથી નાશ્ય એવી શક્તિ ઉત્પન્ન થાય છે, તેમ કલ્પના કરવી ઉચિત નથી; કેમ કે પ્રતિષ્ઠા કરાવનાર પોતાના આત્મનિષ્ઠ ફળના ઉદ્દેશથી પ્રતિષ્ઠા કરે છે. તેથી તે પ્રતિષ્ઠાવિધિથી આત્મગત કાંઈક અતિશય ઉત્પન્ન થાય છે, તેમ માનવું ઉચિત છે.
આશય એ છે કે પ્રતિષ્ઠા કરાવનાર મહાત્મા પોતાના આત્મામાં વીતરાગભાવની સમાપત્તિ કરીને પોતાના આત્મામાં કાંઈક ફળ ઉત્પન્ન કરવાના ઉદ્દેશથી પ્રતિષ્ઠાવિધિ કરાવે છે. તેથી તે વિધિ દ્વારા પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં પરમાત્માની સમાપત્તિરૂપ કાંઈક અતિશય ઉત્પન્ન થાય છે, તેમ કલ્પના કરવી ઉચિત છે. પરંતુ પુદ્ગલાત્મક પ્રતિમામાં પ્રતિષ્ઠાવિધિથી શક્તિ ઉત્પન્ન થાય છે, તેમ કલ્પના કરવી ઉચિત નથી. તેની પુષ્ટિ કરવા માટે કહે છે –
પ્રતિષ્ઠાવિધિથી પ્રતિષ્ઠા કરાવનારના આત્મામાં કાંઈક અતિશય ઉત્પન્ન થાય છે, આથી જ પ્રતિષ્ઠા કરાવનારના આત્મગત અતિશયનું સમાનાધિકરણથી પાયેતિક મુક્તિફળપણું ઘટે છે.
આશય એ છે કે પ્રતિષ્ઠા કરાવનાર મહાત્મા પ્રતિષ્ઠાવિધિથી પરમાત્મભાવની આત્મામાં સમાપત્તિ કરે છે. તે વખતે તેમના આત્મામાં વિશેષ પ્રકારનું ક્ષયોપશમભાવવાળું અદૃષ્ટ ઉત્પન્ન થાય છે અને તે પ્રતિષ્ઠા કરાવનાર આત્મારૂપ અધિકરણમાં પ્રતિષ્ઠાવિધિનું અંતિમ ફળ મુક્તિની પ્રાપ્તિ પણ ઘટે છે અર્થાત્ પ્રતિષ્ઠાકાળમાં પરમાત્માની સાથે જે સમાપત્તિ કરી તેનાથી તે વખતે જે લોકોત્તમ અધ્યવસાય થયેલ તે અધ્યવસાય ક્રમસર પ્રકર્ષને પામીને વીતરાગભાવમાં પર્યવસાન પામે છે. તેથી પ્રતિષ્ઠા કરાવનારને તે પ્રતિષ્ઠાવિધિથી ઉત્પન્ન થયેલું અંતિમ ફળ મોક્ષ થાય છે, તે વાત સંગત થાય.
હવે જો પ્રતિષ્ઠાવિધિથી પ્રતિમામાં શક્તિવિશેષ ઉત્પન્ન થાય છે, તેમ સ્વીકારીએ, તો પ્રતિષ્ઠા કરાવનારને આ પ્રતિષ્ઠાવિધિનું અંતિમ ફળ મોક્ષ છે, તેમ સ્વીકારી શકાય નહિ; પરંતુ આ પ્રતિષ્ઠાવિધિનું ફળ પ્રતિમામાં શક્તિવિશેષ ઉત્પન્ન કરીને ચરિતાર્થ થાય છે તેમ સ્વીકારવું પડે, અને તે પ્રતિષ્ઠાવિધિનું અન્ય કોઈ ફળ નથી, પરંતુ પ્રતિમામાં શક્તિ ઉત્પન્ન કરવી તેટલું જ ફળ છે, તેમ માનવું પડે.
વસ્તુતઃ પ્રતિષ્ઠાવિધિકાળમાં પરમાત્માની સાથે થયેલી સમાપત્તિ પ્રકર્ષને પામીને મુક્તિરૂપ ફળમાં વિશ્રાંત થાય છે, તેમ માનવું ઉચિત છે, અને તેને સ્વીકારીએ તો જ પરમાત્મા સાથે થયેલી સમાપત્તિ જીવને વીતરાગ થવાનું કારણ છે, તે વચન સંગત થાય.
શાસ્ત્રમાં બતાવેલ વિધિપૂર્વક કરાયેલી આત્મગત મુખ્ય પ્રતિષ્ઠાથી પરમ પ્રતિષ્ઠા થાય છે, અને તે પરમ પ્રતિષ્ઠા જીવરૂપી લોઢાની સિદ્ધતારૂપ કનકતા સ્વરૂપ છે. અર્થાત્ સંસારવર્તી જીવો કર્મથી યુક્ત હોય છે, ત્યારે લોઢા જેવા છે અને જેમ લોખંડ રસકુંપિકાના સંસર્ગથી સુવર્ણપણાને પામે છે, તેમ જીવરૂપ લોખંડ મુખ્ય પ્રતિષ્ઠાથી સિદ્ધાવસ્થારૂપ સુવર્ણપણાને પામે છે.