________________
મેં વાંચ્યું તમે પણ વાંચો
નારીને ખરેખર કેવા પ્રકારની કેળવણી આપવી જોઈએ ?
-સંજયભાઈ વોરા
અમારી એક બહેનપણીની દિકરી ૧૫ વર્ષની થઇ છે અને એસએસસી પાસ થઇ છે. તે હવે પુત્રીને ક્યા પ્રકારનું શિક્ષણ આપવું તેની દ્વિધા અનુભવી રહી છે. તેમના સમાજમાં એવો રિવાજ છે કે કન્યા ગ્રેજ્યુએટ હોય તો જ તેને યોગ્ય મુરતિયો મળે. તેની ઈચ્છા દીકરી ને ડિગ્રી કોલેજમાં મોકલવાની જરાય નથી. આ કોલેજના વાતાવરણનો તેને બરાબર ખ્યાલ છે. તે સાથે દીકરી ઉચ્ચ શિક્ષણથી વંચિત રહી જાય એવું પણ તે નથી ઇચ્છતી. તો પછી દીકરીને ક્યું શિક્ષણ આપવું ? આ સમસ્યા આજે અનેક સમજદાર મા – બાપોની છે. માટે તેના વિશે ગંભીરતાથી વિચારવાની જરૂર છે. સ્ત્રી માટે આદર્શ શિક્ષણ કેવું હોવું જોઇએ ?
આપણા દેશમાં જ્યારે મેકોલેની પદ્ધતિ પ્રમાણેની સ્કુલોની અને યુનિવર્સિટીઓની સ્થાપના થઇ ત્યારે તેમાં ભણતા વિધાર્થીઓ પુરુષો જ હતા. સ્ત્રીઓને આધુનિક શિક્ષણ આપતી આ સંસ્થાઓમાં મોકલવા માટે આપણો સમાજ જરાય તૈયાર નહોતો. આ કારણે જ સ્ત્રીઓ માટે અલાયદું શિક્ષણ આપતી સ્કુલો અને કોલેજોની આપણે ત્યાં સ્થાપના થઇ. આ કારણે સ્ત્રીઓને આધુનિક શિક્ષણ આપવાની બાબતમાં સમાજનો ક્ષોભ ઓછો થયો. તેનો લાભ સહશિક્ષણ આપતી સ્કુલો અને કોલેજોને પણ થયો અને તેમાં પણ મહિલાઓની સંખ્યા વધતી ગઇ. આજે પણ કેટલાંક મા – બાપો પોતાની કન્યાઓને સહશિક્ષણ આપતી સંસ્થાઓમાં ભણવા મોકલતા ભયનો અનુભવ કરે છે અને તે ભય વ્યાજબી પણ છે. આ કારણે જ ગર્લ્સ હાઈસ્કુલ અને વુમેન્સ યુનિવર્સિટીઓને આજે પણ પૂરતી સંખ્યા મળી રહે છે. છતાં સ્ત્રીઓને કઇ કેળવણી આપવી તે મુદ્દો અનિર્ણીત જ રહે છે.
|| ૧૨ ||