________________
કેવળી પ્રભુનો સાથ
પરમાર્થલોભની ચિકાશવાળો કલ્યાણભાવ ઉમેરે છે. સાથે સાથે પોતાને શ્રી આચાર્યજી પાસેથી દાનરૂપે મળેલો આજ્ઞારૂપી વિનયધર્મ એ કલ્યાણનાં પરમાણુના સ્કંધમાં ભેળવે છે કે જેથી તે સ્કંધો ગ્રહણ કરનારમાં માનભાવ જગાડે નહિ. આ પ્રમાણે આત્મામાં ઘૂંટાઈને શક્તિશાળી બનેલા કલ્યાણભાવના સ્કંધોને તેઓ જગતમાં પ્રસરાવે છે.
શ્રી ઉપાધ્યાયજીએ પ્રસરાવેલા કલ્યાણના સ્કંધો શ્રી આચાર્યજી રહે છે ત્યારે તેઓ તેમાં પોતાનો વધારે શુધ્ધ અને સૂક્ષ્મ પરમાર્થ લોભની ચીકાશવાળો કલ્યાણભાવ ઉમેરે છે. તેના સહયોગમાં શ્રી અરિહંત અને કેવળીપ્રભુ પાસેથી દાનમાં મળેલ આજ્ઞારૂપી વિનય અને તેની શીતળતા તેમાં ઉમેરાય છે. આ સ્કંધો જીવોના કલ્યાણાર્થે જગતમાં ફેલાય છે.
આ કલ્યાણના સ્કંધો શ્રી અરિહંત પાસે પહોંચે છે ત્યારે બે જાતની પ્રક્રિયા થાય છે – ૧. શ્રી અરિહંત પ્રભુનાં સાનિધ્યના પ્રભાવથી અને પૂર્વે વેચેલા કલ્યાણભાવને
કારણે, શ્રી અરિહંત અને કેવળીપ્રભુ યોગથી જોડાયા નથી હોતા તે વખતે
એ સ્કંધના અગ્રભાગમાં શ્રી સિદ્ધપ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓ ઉમેરાય છે. ૨. જ્યારે અરિહંત પ્રભુ એક સમય માટે મન, વચન કે કાયાના યોગ સાથે
જોડાય છે ત્યારે તે સ્કંધો પ્રભુ દ્વારા ગ્રહાય છે અને તેમાં શ્રી અરિહંતના કલ્યાણના પરમાણુઓ ઉમેરાય છે. શ્રી અરિહંત કે સિદ્ધપ્રભુનાં કલ્યાણનાં પરમાણુઓમાં ઘાતકર્મો નથી એટલે કષાયની કોઈ સંભાવના નથી. તેથી તેમાં આજ્ઞારૂપી વિનયધર્મના કવચની કોઇ જરૂરત પડતી નથી. તેમ છતાં શ્રી અરિહંતનાં પરમાણુઓમાં શાતા વેદનીય છે તેથી એટલા પ્રમાણમાં ત્યાં અશુચિ છે. આ પરમાણુઓથી સિદ્ધનાં શુદ્ધ પરમાણુ અને અરિહંતનાં પરમાણુ વચ્ચે નાનાં કાણાં સહિતનું આજ્ઞારૂપી વર્તુળ બંધાય છે. આ પુદ્ગલ સ્કંધો શ્રી અરિહંત કે કેવળીના આશીર્વાદથી આખા લોકમાં ફેલાય છે. છેવટમાં આ સ્કંધ પીરામીડ જેવી ત્રિકોણાત્મક આકૃતિ રચે છે અને તેનો રંગ સામાન્ય પીળાથી શરૂ કરી સુવર્ણમય થાય છે.