________________
કેવળી પ્રભુનો સાથ
આચાર્યજીના આશ્રયે આજ્ઞાનું આરાધન કરી, પ્રભુ પ્રણીત ધર્મને સમજી, અન્ય પાત્ર જીવોને તેનું શિક્ષણ આપવાનું કાર્ય શ્રી ઉપાધ્યાયજી કરે છે. તેઓ પણ આચાર્યજી પાસેથી પ્રેરણા લઈ અપ્રમાદી રહેવા પુરુષાર્થ કરતા રહે છે. તેમનામાં આ સાથે શિષ્યોને માર્ગદર્શન આપવારૂપ શુભ ભાવની સંસારી સ્પૃહા વર્તે છે; તેટલા પ્રમાણમાં પ્રમાદ અને સ્વચ્છંદ તેમની પ્રગતિને રોકે છે.
તેઓ બધાની સાથે ઇષ્ટપદમાં સમાવેશ પામેલા જગતનાં સાધુસાધ્વીજી, આચાર્યજી અને ઉપાધ્યાયજી પાસેથી આચારનું શિક્ષણ મેળવી, સંસારના મોહને મારી, અપ્રમાદીપણે અવિરત મોક્ષમાર્ગમાં ચાલવા પ્રવૃત્ત રહે છે. સાથે સાથે સર્વ જીવો પણ આ ઉત્તમ માર્ગ પામી કલ્યાણ પામે એવી ભાવના વધારતા રહેતા હોવાથી તેમની પરમાર્થ સ્પૃહામાં સંસારી સ્પૃહા પણ ભળતી રહે છે. અને તેનું મિશ્ર ફળ તેમને મળે છે.
આ અપેક્ષાએ અવલોકન કરતાં સમજાય છે કે જે આત્માઓ અમુક માત્રામાં આત્માની શુદ્ધિ પામ્યા પછી, જીવ સમસ્તના કલ્યાણના ભાવ વેદે છે, તેઓ પંચપરમેષ્ટિ ભગવંત તરીકે સ્થાન મેળવે છે. તેમાં એવો ક્રમ નથી કે સાધુસાધ્વીજી ઉપાધ્યાય થાય જ, ઉપાધ્યાયજી આચાર્ય થાય અને આચાર્યજી અરિહંત થઈ સિદ્ધ થાય. તેઓ ગમે તે પદ પછી કેવળજ્ઞાન મેળવી સિદ્ધ થઈ શકે છે. ઘણા સાધુસાધ્વીપણે કેવળજ્ઞાન લઈ સિદ્ધ થાય, ઘણા ઉપાધ્યાયજીપણે કેવળજ્ઞાન લઈ સિદ્ધ થાય વગેરે વગેરે. એ પરથી સમજાય છે કે આત્માની અંતરંગ સ્પૃહા અને પુરુષાર્થના આધારે તેમની પદવી નક્કી થાય છે. તેમને કલ્યાણના ભાવ ક્યા પ્રકારે વર્તે છે તેના આધારે તથા તેમના આજ્ઞાપાલનના પુરુષાર્થને આધારે તેમની પદવી નિશ્ચિત બને છે. તેઓ પૂર્વના પંચપરમેષ્ટિ ભગવંતોએ વહાવેલા કલ્યાણનાં પરમાણુઓના સ્કંધને ગ્રહણ કરે છે, સ્વકલ્યાણ માટે તેનો ઉપયોગ કરે છે અને પછી તેમાં પોતાના આત્મામાં ઘૂંટેલા કલ્યાણભાવને ઉમેરી જગતજીવોના કલ્યાણાર્થે ફરીથી જગતમાં વહેતા મૂકે છે. આ પરમાણુઓના સ્કંધ જે જગતજીવો આજ્ઞાધર્મ પાળે છે તેઓ ગ્રહણ કરી શકે છે, અને એના ચહણથી જીવો શ્રી પંચપરમેષ્ટિની આજ્ઞા મેળવી શકે છે.
૧
)