________________
કેવળી પ્રભુનો સાથ
પછીના ત્રણ પરમેષ્ટિ ભગવંત છદ્મસ્થ હોવાથી તેમનાં જ્ઞાન તથા દર્શન અસંખ્ય સમયવર્તી રહે છે, તેમનાં જ્ઞાનદર્શનની તરતમતા તેમનાં આજ્ઞાપાલનની શુદ્ધિના અનુસંધાનમાં રહે છે. તેઓ ત્રણેમાં શ્રી તીર્થંકર અને સિદ્ધપ્રભુની અપેક્ષાએ વિશેષ પ્રમાદ પ્રવર્તે છે; છતાં જીવ સામાન્ય કરતાં ઘણો ઘણો અલ્પ પ્રમાદ તેમને પ્રવર્તતો હોય છે. તેથી તેઓ જીવ સમસ્ત માટે અમુક અમુક કાળે કલ્યાણભાવ કરતા રહે છે.
જીવ આજ્ઞારૂપી ધર્મમાં રહે છે ત્યારે અંદરમાં તેને અપૂર્વ શાંતિનો અનુભવ થાય છે. પરંતુ જો તે અપૂર્ણ આજ્ઞાથી (અર્થાત્ ધર્મ આરાધન કરતાં જેટલા પ્રમાણમાં સંસારનાં સુખનો હકાર પ્રવર્તે, સંસારી ઇચ્છા ભળે તેટલા અંશે તેનું આરાધન અપૂર્ણ આજ્ઞાથી થયું કહેવાય) ધર્મ કરતો હોય તો તેનાં જ્ઞાન તથા દર્શનનાં આવરણો મોહની સાથોસાથ તૂટતાં નથી; પરિણામે ઘણીવાર તે જીવ ધર્મથી ઉપજતી શાંતિ અને શાતા વેદનીયથી ઉપજતી શાંતિ વચ્ચેનો તફાવત પારખી શકતો નથી. પરિણામે આજ્ઞારૂપી ધર્મને આરાધવા જોઇતું દશાનુસારનું આજ્ઞારૂપી તપ તે આદરી શકતો નથી; તેને કારણે તેનાં તપના પુરુષાર્થમાં એટલા અંશે પ્રમાદ પ્રવેશી જાય છે. અને આ પ્રમાદ એવી લપસણી ભૂમિવાળો છે કે જે તપ થાય તેના અનુસંધાનમાં તે જીવમાં શાતારૂપી શાંતિ માટેની સ્પૃહા જન્મે છે અને ત્યાં આજ્ઞાની શુદ્ધિ રહી શકતી નથી. જો તે જીવ પોતાની દશાનુસાર પૂર્ણ આજ્ઞામાં હોય તો આવી ભેળસેળ થતી નથી; એટલું જ નહિ પણ, તેની આજ્ઞારૂપી ધર્મની સ્પૃહા વધતી જાય છે; અને સંસારી શાતા માટે તે નિસ્પૃહ થતો જાય છે.
આજ્ઞાનાં આરાધનમાં જ્યારે પ્રમાદ ભળે છે ત્યારે તે અપૂર્ણ આજ્ઞા થાય છે, તેનાં પ્રભાવથી પરમાર્થ તપ કરવા છતાં જીવ આજ્ઞારૂપી તપ ન પામતો હોવાથી સંસારી શાતા પામે છે. અને જીવનાં જ્ઞાન, દર્શન તથા ચારિત્રની ખીલવણીમાં અવરોધ ઊભો થાય છે. તે કારણે જીવે પૂર્ણ આશાનાં પાલન પ્રતિ વિશેષ લક્ષ રાખવો જરૂરી બને છે.
જીવમાં જેમ જેમ ગુણો વધતા જાય છે તેમ તેમ તે ગુણસ્થાન ચડતો જાય છે. શ્રી પ્રભુએ આ અપેક્ષાએ ચૌદ ગુણસ્થાન જણાવ્યા છે. મુખ્યતાએ આ સ્થાનો મોહનીય કર્મના ક્ષયોપશમ સાથે સંબંધ ધરાવે છે, પરંતુ માર્ગ આરાધનની અપેક્ષાનો વિચાર