________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
અંશે ફેરફાર હોત. તેથી ફલિત થાય છે કે આજ્ઞારૂપી મહામાર્ગના આરાધનને લીધે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ અને ભવથી સર્વ આત્માના ધર્મ સ્વતંત્ર થાય છે.
એ જ પ્રમાણે તેઓ જે યથાખ્યાત ચારિત્ર – પૂર્ણ શુધ્ધ સ્વભાવદશા અનુભવે છે, એ પણ સર્વ આત્માને સમાન જ છે. તે સિધ્ધ કરે છે કે શ્રી સિદ્ધપ્રભુ તપ પણ સમાન આજ્ઞામાં જ રહીને કરે છે. જો આજ્ઞાપાલનમાં તપ ન હોત તો વિભિન્ન આત્માના પ્રત્યાઘાત વિભિન્ન હોત અને તેમની સ્વરૂપાનુભૂતિમાં ભિન્નતા હોત.
શ્રી સિધ્ધપ્રભુનું આજ્ઞાપાલન સર્વથી શ્રેષ્ઠ છે કારણ કે તેમનું પાલન સમયે સમયનું હોય છે. તેથી તેઓ ધર્મ તથા તપનો અનુભવ પ્રત્યેક સમયે એકસાથે કરે છે. પરિણામે એ અનુભવ અબાધિત રહે છે. ધર્મથી જ્ઞાન, દર્શન અને વેદકતા મળે છે; સાથે સાથે તપોબળથી સ્વરૂપસ્થિતિ રહે છે. તેથી સ્વરૂપસ્થિતિના અનુભવ સાથે જ જ્ઞાન, દર્શન અને વેદકતા અનુભવાય છે. આ પ્રક્રિયાને કારણે શ્રી સિદ્ધપ્રભુનાં જ્ઞાન, દર્શન, વેદકતા તથા સ્વરૂપાનુભૂતિ અબાધિત બને છે, અને તે કાળની મર્યાદાથી પર બને છે. શ્રી કેવળી ભગવંતનો આત્મા જે સમયે મન, વચન કે કાયાના યોગ સાથે જોડાય છે તે સમયે તેમના આત્મપ્રદેશો અંશે વક્ર બને છે. આવી વક્રતા શ્રી સિદ્ધપ્રભુના આત્મામાં ક્યારેય આવતી નથી. આવા આજ્ઞારૂપી મહામાર્ગના આરાધનથી શ્રી સિદ્ધ ભગવાન સમયની મર્યાદાથી પર બને છે.
શ્રી તીર્થંકર પ્રભુ અને શ્રી કેવળીપ્રભુ આજ્ઞાના આ મહામાર્ગને સતત આરાધે છે; માત્ર જ્યારે એક સમય માટે તેમનો આત્મા મન, વચન કે કાયાના યોગ સાથે જોડાય છે, ત્યારે જ તેમાં અંશે પ્રમાદ પ્રવર્તે છે, જેના ફળરૂપે શાતાવેદનીય કર્મનો બંધ તેઓ એ સમયે સ્વીકારે છે. એ સિવાય તેઓ પ્રત્યેક સમયે સતત અઘાતી કર્મની નિર્જરા બળવાન આજ્ઞાપાલનને લીધે કરી શકે છે, કરતા રહે છે. આ રીતે શુદ્ધિની અપેક્ષાએ સિદ્ધ ભગવાન ઉચ્ચ હોવા છતાં, છદ્મસ્થ જીવો પર કરાતા ઉપકારના અનુસંધાનમાં તેમનું સ્થાન પરમેષ્ટિ ભગવંતોમાં બીજું મૂકાયું છે.
શ્રી તીર્થંકર ભગવાન, કેવળી પ્રભુ અને શ્રી સિદ્ધપ્રભુનાં જ્ઞાન તથા દર્શન એક સમયવર્તી હોય છે, એટલે કે તેમને સમય જેવા સૂક્ષ્મ કાળનાં જ્ઞાન તથા દર્શન થાય છે.