________________
સામાન્ય રીતે જૈન સાઘુ માટે આવી પ્રતિજ્ઞા સંભવિત ન હોય, હા, હજી કોઈ વિશિષ્ટ અભિગ્રહધારી એવી પ્રતિજ્ઞા લઈ શકે કે, એક જ ઘરેથી થોડી ઘણી જે ભિક્ષા મળે. તેટલાથી જ મારે નિર્વાહ કરવો. આવી પ્રતિજ્ઞાની પણ દુર્ધ્યાન થવાની સંભાવના ન હોય, એવા જ વિશિષ્ટ મનોબળીને જ છૂટ અપાઈ છે. બાકી સામાન્ય રીતે આવી ગાંડી પ્રતિજ્ઞાને જૈનશાસનમાં સ્થાન સંભવે નહીં.
સભામાંથી સવાલ : અમે તો સૌ અજ્ઞાની છીએ. પણ આપ બધા તો જ્ઞાની છો, પછી સત્ય સિદ્ધાંતના નામે પણ આગ્રહી બનો, એ કેમ ચાલે ? અજ્ઞાની આવો આગ્રહ રાખે તો હજી ચલાવી લેવાય, પણ જ્ઞાનીએ આગ્રહ રાખીને સમાજમાં અશાંતિ-અનેકતા શા માટે સર્જવી જોઈએ ?
સમાધાન : સિદ્ધાંતનો જાણકાર સત્યનો આગ્રહી ન હોય, તો બીજો કોણ હોય ? તમે પોતે તમારી જાતને અજ્ઞાનીમાં ખપાવો છો અને અમને સાધુઓને જ્ઞાની તરીકે બિરદાવો છો, એથી તો સત્યના આગ્રહને સાચવી રાખવાની અમારી જવાબદારી વધી જાય છે. અજ્ઞાની અજ્ઞાનના કારણે દૂધ-દહીમાં પગ રાખે, એ હજી ચાલી શકે, પણ જ્ઞાની જ્ઞાનનો પ્રકાશ મળ્યા પછી પણ દૂધ-દહીયો રહે, એ કેમ ચાલે ? તમે તમારી જાતને અજ્ઞાની માનો છો અને છતાં અજ્ઞાનતાથી પકડાઈ ગયેલી ખોટી વસ્તુને આગ્રહપૂર્વક પકડી રાખો છો, તો પછી જ્ઞાનથી સત્ય તરીકે જચી ગયેલી સાચી વસ્તુનો આગ્રહ અમારે તો રાખવો જ જોઈએ ને ? આમ, સત્યાસત્યની વિચારણામાં તમારી દૃષ્ટિએ પણ જ્ઞાની તરીકે અમારાથી ઢીલું કેમ મૂકાય ?
આભ અને પાતાળ એક થાય. તોય પ્રભુશાસનના વિરોધીઓની જમાતમાં અમે નહિ જ ભળીએ. ગમે તેટલા કલંક લાગે, ગમે તેવી કનડગત થાય, દુનિયાની દૃષ્ટિએ ભલે અમારી આબરુનું લિલામ થાય, પરંતુ પ્રભુની આજ્ઞાથી વિરુદ્ધ વર્તન કરનારાઓની ભેગા સિદ્ધાંતના