________________
જ્યારે ધર્મના વિષયમાં સારા-નરસાની એકતાની હિમાયત કરે છે, ત્યારે એના અજ્ઞાન પર હસવાનું મન થયા વિના રહે ખરું ? ગોળ-ખોળ ક્યારેય એક કરાય ખરા ? સાવરણી જેવી એકતા સધાય તો જ કચરાની સફાઈ થઈ શકે. જે સળીઓ સારી હોય, તૂટેલી - સડેલી ન હોય એવી સળીઓ જ એક થઈને સાવરણીના રુપે સફાઈ કરે, તો કચરો કાઢી શકે. બાકી, તૂટેલી સળીઓની એકતા સાધવામાં આવી હોય, તો સફાઈ તો દૂર રહી, આવી સાવરણી જ ઉ૫રથી વધારે કચરો કરનારી થઈ પડે. આ રીતે અમે પણ સારાઓની એકતાના તો હિમાયતી જ છીએ. શંભુમેળો અમને ખપતો નથી. દેવ-ગુરુ ધર્મના વિષયમાં જે સુ ને સમર્પિત હોય, એ જો પરદેશીય, પરપ્રાંતીય, પરપક્ષીય ગણાતો હોય, તો ય એની સાથે એકતાના દોરે બંધાવા ભગવાનનો સાધુ સદૈવ તૈયાર જ હોય, જેનામાં આવી સમર્પિતતા ન હોય, એ જો સ્વદેશીય, સ્વપ્રાંતીય, સ્વપક્ષીય ગણાતો હોય, તો ય એની સાથે ભળવામાં ભગવાનનાં ભક્તને પોતાનું ભક્તપણું કલંકિત થતું લાગતું હોય.
અત્યગ્ર તપસ્વી અગ્નિશર્માની દુર્ગતિ સાંભળીને આશ્ચર્યચકિત થતા શ્રોતાનો સવાલ : ઉગ્રનિયમ ને તપશ્ચર્યા છતાં અગ્નિશર્માની દુર્ગતિ કેમ થઈ ?
સમાધાન : અગ્લિશર્માને જો જૈન સાધુનો ભેટો થયો હોત, તો એના માટે આવી દુર્દશા સંભવિત જ ન હોત. કારણ કે જૈન સાધુ તો માધુકરીવૃત્તિથી ભિક્ષા મેળવવાના વ્રતવાળા હોવાથી એક ઘરે ભિક્ષાની પ્રાપ્તિ ન થાય, તો બીજા ઘરે જાય, ત્યાંય ન મળે તો ચોથા ધરે જાય, એક જ ઘરેથી ભિક્ષા લેવાની પ્રતિજ્ઞાને જૈન સાધુનાં જીવનમાં સ્વપ્નેય અવકાશ ન હોય. જ્યારે અગ્નિશર્માને એવું સંન્યાસીજીવન ભટકાઈ ગયું હતું, કે એક જ ઘરે પારણું કરવા જેવી અને ત્યાં પારણું ન થાય, તો પછી મહિનાના ઉપવાસને આગળ વધારવા જેવી ગાંડી પ્રતિજ્ઞાનો એ શિકાર બન્યો અને એના વિપાકરુપે જ ક્રોધાંધ બનીને દુર્ગતિનો અધિકારી પણ બની ગયો.