________________
બીજો અધ્યાય
ધર્મબિંદુપ્રકરણ
જેવી રીતે સારી ભૂમિમાં વિધિથી વાવેલાં ચોખા અને ઘઉં વગેરે બીજો ઊગી નીકળે છે, તેવી રીતે પ્રાયઃ આવા પ્રકારના ગૃહસ્થોમાં વિધિથી વાવેલાં સદ્ધર્મનાં બીજો અતિશય ઊગી નીકળે છે. સારી ભૂમિમાં એટલે દૂષિત નહીં થયેલી ભૂમિમાં. આવા પ્રકારના એટલે પ્રથમ અધ્યાયમાં બતાવેલા કુલપરંપરાથી આવેલ અનિંદ્ય અને ન્યાયપૂર્વક ધનપ્રાપ્તિ માટે વ્યવહાર કરવો ઇત્યાદિ ગુણોનું ભાજન. વિધિથી એટલે દેશનાને યોગ્ય • બાલ વગેરે પુરુષને ઉચિત દેશના આપવી વગેરે વિધિથી. સદ્ધર્મનાં બીજો એટલે સમ્યજ્ઞાન - દર્શન - ચારિત્ર રૂપ સદ્ધર્મનાં કારણો. તે બીજો આ પ્રમાણે છેઃ- “શરીરના દુઃખથી દુઃખી જીવો ઉપર અત્યંત દયા, ગુણી જીવો ઉપર દ્વેષનો અભાવ, અવિશેષથી (= ભેદભાવ વિના) દીન આદિ બધા જીવો વિષે શાસ્ત્રાનુસાર ઔચિત્ય જાળવવું આ ત્રણ ચરમપુદ્ગલ પરાવર્તનાં લક્ષણો છે.’’ (યો. સ. ગા. ૩૨) અતિશય ઊગી નીકળે એ સ્થળે ‘અતિશય’ એટલા માટે કહ્યું છે કે વિધિપૂર્વક વાવેલાં ધર્મબીજો પોતાના ફળનું અવંધ્ય કારણ છે. ઊગી નીકળે છે એટલે ધર્મચિંતારૂપ અંકુર આદિથી યુક્ત થાય છે. આ વિષે (લ. વિ. નમોત્થણં એ પદની વ્યાખ્યામાં) કહ્યું છે કે “ ધર્મની શુદ્ધ પ્રશંસા વગેરે ધર્મબીજનું વાવેતર છે. ધર્મની અભિલાષા વગેરે અંકુર વગેરે છે, મોક્ષ એ ફળ (= પાક) છે. (૧) ધર્મની અભિલાષા, સમ્યધર્મશ્રવણ, ધર્મનું આચરણ અને દેવ - મનુષ્યની સંપત્તિઓ એ ક્રમશઃ અંકુર, કાંડ,નાળ અને પુષ્પ સમાન માનેલા છે.” (૨) સૂત્રમાં પ્રાયઃ શબ્દનો ઉલ્લેખ કર્યો હોવાથી મરુદેવી માતા વગેરેમાં સદ્ધર્મના બીજોની વાવણી વિના અકસ્માત્ જ તથાભવ્યત્વના પરિપાકથી સદ્ધર્મની પ્રાપ્તિ થવા છતાં વિરોધ નથી. (૧)
66
• શ્રોતાના બાલ, મધ્યમ અને પંડિત એમ ત્રણ પ્રકાર છે. તેમાં જે જીવ ઉપદેશકનો વેષ વગેરે બાહ્ય દેખાવ જોઇને આકર્ષાય તે બાલ, ઉપદેશકના સારા આચારો જોઇને આકર્ષાય તે મધ્યમ અને આગમતત્ત્વની બરોબર પરીક્ષા કરીને શુદ્ધ આગમતત્ત્વનો સ્વીકાર કરે તે પંડિત. ઉપદેશકે બાલ શ્રોતા સમક્ષ લોચ કરવો, પગે પગરખાં વગેરે કાંઇ પહેરવું નહીં, વિવિધ તપ કરવાં, ઉપધિ અલ્પ રાખવી, નિર્દોષ આહાર – પાણીથી નિર્વાહ કરવો ઇત્યાદિ સાધુના બાહ્ય આચારોનું વર્ણન કરવું, મધ્યમ શ્રોતા સમક્ષ પાંચ સમિતિ, ત્રણ ગુપ્તિ વગેરે સાધુના આચારો કહેવા. પંડિત શ્રોતાને આગમતત્ત્વ સમજાવવું, અર્થાત્ કષ, છેદ અને તાપથી શુદ્ધ હોય તે જ શુદ્ધ આગમશાસ્ત્ર છે, ઇત્યાદિ સમજાવવું. આ રીતે બાલ વગેરેને જાણીને તેને યોગ્ય દેશના આપવી વગેરે વિધિથી વાવેલાં સદ્ધર્મનાં બીજો અતિશય ઊગી નીકળે છે.
૫૮