________________
ધર્મબિંદુપ્રકરણ
એવા મારા પર અનુગ્રહ કરો.' પછી કૃપાળુ આર્યસુહસ્તી ભગવંતે રાજાને આદેશ કર્યો કે ‘હે રાજન્ ! આ લોક અને પરલોકના સુખને માટે તું જિનધર્મનો સ્વીકાર કર. જૈનધર્મના ઉપાસકો પરલોકમાં સ્વર્ગ અને મોક્ષ પામે છે, અને આ લોકમાં હસ્તી, અશ્વ અને ધન આદિની ઉત્તરોત્તર વૃદ્ધિને પામે છે. પછી રાજાએ તેમની આજ્ઞાથી ત્યાં જ એવો અભિગ્રહ કર્યો કે ‘‘જિનેશ્વર ભગવંત દેવ, સુસાધુ ગુરુ, અને જિનધર્મ જ મારે પ્રમાણ છે.’’ આ પ્રમાણેના સમકિતના ઉચ્ચાર પૂર્વક પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત અંગીકાર કર્યા. ત્યારથી સંપ્રતિ રાજા પરમ શ્રાવક થયો. પછી લક્ષ્મીને સફલ કરવાને ઇચ્છતો એવો તે ત્રિકાળ જિનપૂજા અને સ્વજનોની જેમ સાધર્મિક બંધુઓનું વાત્સલ્ય કરવા લાગ્યો. સદા જીવદયાના ભાવવાળો અને દાનરક્ત એવો તે દીનજનોને દાન દેવા લાગ્યો તથા વૈતાઢય પર્વત સુધીના ભરતક્ષેત્રના ત્રણે ખંડને જિનચૈત્યોથી વિભૂષિત કરી દીધા.
સામંત રાજાઓને પણ જૈનધર્મી બનાવ્યા. એથી આજુ-બાજુના પ્રદેશો પણ સાધુવિહારને યોગ્ય થઇ ગયા. અનાર્ય દેશોને પણ સાધુઓને વિચરવા લાયક કર્યા. (પરિશિષ્ટપર્વ)
ભવેદવનું દૃષ્ટાંત (અ. ૬ સૂ. ૬૦)
મગધદેશમાં સુગ્રામ નામના ગામમાં આર્જવ નામનો કુલરક્ષક રાઠોડ હતો. તેની રેવતી નામની પત્ની હતી. તેની સાથે વિષયસુખને અનુભવતા આર્જવને કાલના ક્રમથી બે પુત્ર ઉત્પન્ન થયા. પહેલો ભવદત્ત અને બીજો ભવદેવ હતો. ક્રમે કરીને બંને યૌવનને પામ્યા. એકવાર તે ગામમાં સુસ્થિત નામના આચાર્ય પધાર્યા. તેમને વંદન કરવા માટે સુગ્રામવાસી લોકો ગયા. તે લોકોમાં ભવદત્ત અને ભવદેવ પણ ગયા હતા. તેમણે આચાર્યને જોઇને ભાવપૂર્વક વંદન કર્યું. બીજા લોકો પણ ગુરુને વંદન કરીને યથાયોગ્ય સ્થાને બેઠા. આ સમયે સૂરિએ ધર્મદેશના શરૂ કરી. તે આ પ્રમાણે:
હે ભવ્યો ! આ સંસારમાં મનુષ્યભવ વગેરે અતિદુર્લભ સામગ્રીને પામીને ધર્મ જ કરવો જોઇએ. તે ધર્મ અહિંસા, અસત્ય, ચોરી, અબ્રહ્મ અને પરિગ્રહના ત્યાગથી થાય છે. પણ બીજી રીતે નહિ, સર્વ આશંસાથી રહિત જે જીવ આ ધર્મને કરે છે તેને સ્વર્ગ અને મોક્ષનું સુખ હથેળીમાં છે. જે જીવ જીવહિંસા વગેરે પાપોમાં સતત તત્પર રહે છે તે વારંવાર નરક અને તિર્યંચગતિમાં દુઃખ પામે છે. આ સાંભળીને પ્રતિબોધ પામેલા ભવદત્તે દીક્ષા લીધી. પછી તેણે ગુરુની સાથે વિહાર કર્યો. એક વાર એક સાધુએ આચાર્યને વિનંતી કરી કે, આપની અનુજ્ઞાથી હું સ્વજનવર્ગની પાસે જવા ઇચ્છું છું. ત્યાં અત્યંત સ્નેહના સંબંધવાળો મારો નાનો ભાઇ મને જોઇને કદાચ દીક્ષા લેશે. તેથી ગુરુએ એને બહુશ્રુત (=ગીતાર્થ) સાધુની સાથે જવાની રજા આપી. થોડા જ
૪૧૧