Book Title: Dharmbindu Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Sarvoday Parshwanath Charitable Trust

View full book text
Previous | Next

Page 443
________________ ધર્મબિંદુપ્રકરણ હલકો પાડનારા આવા વેપારીઓ રહે છે. પછી ભદ્રાને કહેવડાવ્યું કે, અમે શાલિભદ્રનાં દર્શન કરવાને ઇચ્છીએ છીએ. ભદ્રાએ કહેવડાવ્યું કે, દેવ પ્રસન્ન થાય, અમારી વિનંતિને સાંભળે કે, શાલિભદ્ર ક્યારે ય સાતમાળના મહેલથી બહાર નીકળતો નથી. એના ભવનમાં દેવે આપેલા મણિઓના સમૂહે અંધકારનો વિસ્તાર દૂર કર્યો છે. આવા પોતાના ભવનમાં પોતાની પ્રિયાઓની સાથે વિવિધ ક્રીડાઓથી ક્રીડા કરતો તે સૂર્યચંદ્રને પણ જોતો નથી. તેથી જો શાલિભદ્રનાં દર્શન કરવાની ઇચ્છા હોય તો દેવ એના મહેલમાં આવવાની મહેરબાની કરે. “એમ થાઓ” એ પ્રમાણે રાજાએ સ્વીકાર્યું એટલે ભદ્રાએ ફરી પણ કહેવડાવ્યું કે, જો એમ છે તો હું જ્યાં સુધી મહેલ વગેરેને શણગારું નહિ ત્યાં સુધી સ્વામીએ મહેલમાં આવવા માટે ઉતાવળા ન થવું. પછી ભદ્રાએ પોતાના મહેલથી આરંભી રાજમંદિરના મુખ્ય દરવાજા સુધી દિવ્યવસ્ત્રો વગેરેથી દિવ્ય ચંદરવો કરાવ્યો. સ્થાને સ્થાને અનેક પ્રકારના રત્નોના હારો બાંધ્યા. સ્થાને સ્થાને વિવિધ પ્રકારના નાટક વગેરે મનોરંજનો શરૂ કર્યા. પછી રાજાને બોલાવ્યો. બધી તૈયારી કરીને અંતઃપુરના પરિવાર સહિત રાજા આવવા માટે ચાલ્યો. રમણીય દિવ્ય ઝીણાં વસ્ત્રોના ચંદરવામાં લટકતાં રત્નોના હારની શોભાને જોતો અને અતિશય હર્ષથી યુક્ત રાજા શાલિભદ્રના મહેલમાં આવ્યો. ભદ્રાએ ઉચિત વિનયરૂપ ભક્તિ કરીને રાજાને સિંહાસન ઉપર બેસાડ્યો. સાત માળના મહેલના ઉપરના માળમાં રહેલા શાલિભદ્રની પાસે જઈને ભદ્રાએ કહ્યું: હે વત્સ નીચેના માળે આવ, શ્રેણિક રાજા બેઠેલા છે. શાલિભદ્રે કહ્યું હે મા ! તું જાતેજ જે આવ્યું હોય તે મૂલ્ય કરીને લઈ લે. ભદ્રાએ કહ્યું : હે પુત્ર ! આ કોઇ ખરીદવા યોગ્ય વસ્તુ નથી, કિંતુ તારો અને સર્વ લોકોનો સ્વામી શ્રેણિક નામનો રાજા તારાં દર્શન માટે ઘરે આવેલો છે. તેથી આવ, અને તેનાં દર્શન કર. આ સાંભળીને મારો પણ બીજો સ્વામી છે એમ વિચારતો તે ખેદ પામ્યો. કહ્યું છે કે “મણિ, સુવર્ણ, રત્ન અને ધનથી ભરેલા ભવનમાં શાલિભદ્ર પણ મારો પણ બીજો સ્વામી છે એમ વિચારતો (સુખની) ઇચ્છાથી રહિત બન્યો.” (૧) “જેઓ તપ અને સંયમ કરતા નથી તે પુરુષો અવશ્ય સમાન હાથ-પગવાળા સમાન પુરુષોના દાસપણાને પામે છે.” (૨) માતાનું વચન ઉલ્લંઘન કરવા યોગ્ય ન હોવાથી ઉઠીને રાજાની નજીકના સ્થાનમાં ગયો. રાજાને પ્રણામ કર્યા. રાજાએ તેને પોતાના ખોળામાં બેસાડ્યો. તેના શરીરની અનુપમ શોભાનું વર્ણન કરતા રાજાએ વિચાર્યું કે, આના શરીરનું સર્વ લોકોના મનને હરનારું જેવું લાવણ્ય છે તેવું ઈદ્ર સહિત દેવોનું પણ નથી એમ હું માનું છું. એનાં અંગ અને પ્રત્યંગોને જોવામાં સ્થિર ચિત્તવાળા રાજાએ એટલામાં એના મુખરૂપ કમલ ઉપર દૃષ્ટિ કરી તેટલામાં એની બે આંખો આંસુના પૂરથી પૂરાયેલી જોઇ. રાજાએ તેની માતાને ૪૨૦

Loading...

Page Navigation
1 ... 441 442 443 444 445 446 447 448 449 450