Book Title: Dharmbindu Prakaran
Author(s): Rajshekharsuri
Publisher: Sarvoday Parshwanath Charitable Trust

View full book text
Previous | Next

Page 447
________________ ધર્મબિંદુપ્રકરણ પ્રગટ થતા ઘણા રોમાંચોથી યુક્ત બની. તેને સહર્ષ દહીં આપવાની ઇચ્છા થઇ. તેથી તેણે પ્રણામ કરીને શાલિભદ્રને કહ્યું: હે તપસ્વી ! જો ઉપયોગમાં આવતું હોય તો આ દહીં લો. પછી શાલિભદ્ર ઉપયોગ પૂર્વક દહીં લીધું. તેથી હર્ષિત ચિત્તવાળી તે સ્વસ્થાને ગઇ. તે બંને પણ ભગવાન પાસે આવ્યા. ઇરિયાવહિ પ્રતિક્રમણ કર્યું, ગમનાગમન આદિની આલોચના વગેરે કરીને ક્ષણવાર ઊભા રહ્યા. પછી શાલિભદ્રે પૂછયું: હે ભગવંત ! આજે મારી મા કેવી રીતે ભોજન કરાવશે? ભગવાન બોલ્યા: જેણે તને દહીં આપ્યું તે તારી અન્ય જન્મની માતા છે. કારણ કે-આ જ મગધ દેશમાં પોતાનો પતિ મૃત્યુ પામતાં પૂર્વે એકઠું કરેલું બધું ય ધન નાશ પામ્યું, આથી અન્ય દેશમાંથી આવીને શાલિગ્રામનો આશ્રય લેનાર ધન્ય નામની આ વૃદ્ધ ગોવાલણનો જ તું પૂર્વભવમાં વાછરડાઓનું પાલન કરનાર સંગમક નામનો પુત્ર હતો. તે તારા જીવની આજીવિકા વાછરડાઓને ચરાવવાથી પ્રાપ્ત થતી હતી. તેણે કોઇવાર કોઇ ઉત્સવમાં ઘરે ઘરે લોકોથી ખીર ખવાતી જોઇ. પોતાના ધનલાભને (=આર્થિક સ્થિતિને) નહિ જાણતા તેણે કરુણસ્વરે રુદન કરીને માતાની પાસે ખીરની માગણી કરી કે મને પણ ખીર આપ. તેથી માતા પણ તેનો તેવો આગ્રહ જોઇને અને ખીર બનાવવાની પોતાની અશક્તિ વિચારીને રોવા લાગી. તેનું રુદન સાંભળીને પાડોશી સ્ત્રીઓને દયા આવી. તેમણે દૂધ વગેરે આપીને તેના પુત્રને યોગ્ય ખીરની સામગ્રી એકઠી) કરી. પછી તે સામગ્રીથી માતાએ ખીર તૈયાર કરી. સંગમક ખીર ખાવા માટે બેઠો ત્યારે ત્યાં માસખમણનું પારણું કરવાની ઇચ્છાવાળા એક મહામુનિ ક્યાંકથી આવ્યા. અતિશય વધતા શ્રદ્ધાના પરિણામવાળા તેણે પહેલી જ વાર (પોતાના) ભોજન માટે લીધેલી ખીર પૂર્ણપણે સ=બધી) તે મહામુનિને આપી દીધી. બાકી રહેલી ખીર પોતે આકંઠ ખાધી. વાછરડા ચરાવવા માટે જંગલમાં ગયેલા એને ખીરના અજીર્ણના દોષથી અતિશય તરસ લાગી. તેનાથી પરેશાન થયેલ અને પાણીનું સ્થાન શોધવામાં તત્પર તેને તે મુનિએ જોયો. મુનિએ તેને કહ્યું. આ પ્રદેશમાં નજીકમાં પાણી નથી, અને તેને ગાઢ આપત્તિ છે એમ હું કલ્પના કરું છું. તેથી હમણાં પંચપરમેષ્ઠિ નમસ્કારનું સ્મરણ કરવું એ જ તારા માટે ઉત્તમ છે, યોગ્ય છે. તેણે કહ્યું: તેને યાદ કરવાનું હું જાણતો નથી. તેથી દયાયુક્ત ચિત્તવાળા તપસ્વીએ તેને કહ્યું છે સંગમક ! હું તારા કાનની પાસે નમસ્કારનું ઉચ્ચારણ કરીશ, તારે એકાગ્રચિત્તે એનું ચિંતન કરવું. આ પ્રમાણે કહીને મુનિએ નમસ્કાર મંત્ર બોલવાનું શરૂ કર્યું. સ્વભાવથી જ ભદ્રકભાવ વગેરે મધ્યમગુણોના યોગથી જેણે મનુષ્યનું આયુષ્ય બાંધ્યું છે અને તેને અનુરૂપ (ભદ્રકભાવ વગેરે મધ્યમગુણોને અનુરૂપ.) શુભ પરિણામ જેના વધી રહ્યા છે એવો તે પણ ત્યારે જ કાળ પામ્યો. મુનિદાનના પ્રભાવથી મહાભોગ રૂપ ફલવાળા ૪૨૪

Loading...

Page Navigation
1 ... 445 446 447 448 449 450