________________
ધર્મબિંદુપ્રકરણ
તેની ચેલ્લણા નામની પત્ની હતી. તે વખતે તે જ નગરમાં ગોભદ્ર નામનો શ્રેષ્ઠ શ્રેષ્ઠી હતો. તેની ભદ્રા નામની પત્ની હતી. તેણે કોઇવાર રાત્રિના અંતે સ્વપ્નમાં વિવિધ ફલોના સમૂહથી નમેલું શાલિવન જોયું. જાગેલી તેણે પોતાના પતિને સ્વપ્ર કહ્યું. તેણે પણ તેને કહ્યું: તને જલદી સર્વકલાસમૂહનું ઉત્તમ સ્થાન એવો પુત્ર થશે. તે જ રાતે એને ઉત્તમ ગર્ભ રહ્યો. ગર્ભ વધી રહ્યો હતો ત્યારે ક્યારેક ભદ્રાને શાલિવનમાં ક્રીડા કરવાનો દોહલો થયો. તેના પતિએ તે જલદી પૂરો કર્યો. ત્યારબાદ સમય જતાં ભદ્રાએ દેવકુમાર જેવા પુત્રને જન્મ આપ્યો. પિતાએ હર્ષથી બાર દિવસ સુધી મહોત્સવ કરાવ્યો. ત્યારબાદ હર્ષ પામેલા વિંડલજનોએ સ્વપ્ન અને દોહલાને અનુરૂપ શાલિભદ્ર એવું નામ કર્યું. ક્રમે કરીને તે કાન્તિથી, બુદ્ધિથી અને કલાસમૂહથી વૃદ્ધિ પામ્યો. પિતાએ પ્રેમથી તેને બત્રીશ શ્રેષ્ઠિકન્યાઓ પરણાવી. ગોભદ્રે ક્યારેક જિનેશ્વરોએ કહેલી દીક્ષા લીધી. વિધિથી દીક્ષા પાળીને મૃત્યુ પામીને તે વૈમાનિક દેવ થયો. પૂર્વભવના સ્નેહથી અને પુત્રના અચિંત્ય પુણ્યપ્રભાવથી એ દેવે વારંવાર આવીને શાલિભદ્રનું સાંનિધ્ય કર્યું. તે આ પ્રમાણેઃ- બત્રીસ પત્નીઓ સહિત એને ઉત્તમ વસ્ત્ર, આભૂષણ વગેરે, સારભૂત આહાર અને તાંબૂલ વગેરે જે કંઇ ઉપયોગમાં આવે તેવું હોય, તે બધું દ૨૨ોજ મેળવતો હતો=મોકલતો હતો. સર્વ લોકોથી અધિક મહિમાવાળો તે દેવે રચેલી અતિરમણીય બત્રીસ શય્યાઓમાં પોતાની પ્રિયાઓની સાથે કામક્રીડા કરતો હતો. આ પ્રમાણે કેટલોક કાળ પસાર થતાં તે નગરમાં અન્યદેશના વેપારીઓ કંબલરત્નો (=ઉત્તમ કામળીઓ) વેચવા માટે આવ્યા. તેમણે રાજમહેલમાં પ્રવેશ કર્યો.
શ્રેણિકરાજાએ તેમને બોલાવીને પૂછ્યું: હે ભદ્રિકો ! એક એક કંબલરત્નનું શું મૂલ્ય છે ? તેમણે કહ્યુંઃ લાખ સોનામહોર. ઘણી મોંઘી હોવાથી રાજાએ તે ન લીધી. વેપારીઓ રાજમંદિરમાંથી નીકળીને ભદ્રાના મહેલમાં ગયા. ભદ્રાએ વિચાર કર્યા વિના તેમણે કહેલા મૂલ્યથી બધાંજ કંબલરત્નો લઇ લીધાં. આ દરમિયાન ચેઘણા શ્રેણિક પાસે આવી અને બોલીઃ મારા લાયક એક કંબલરત્ન લો. તેથી શ્રેણિકે તે વેપારીઓની પાસે એક પુરુષને મોકલ્યો. તેણે પૂછયું એટલે વેપારીઓએ ઉત્તર આપ્યો કે, ભદ્રાના મહેલમાં બઘી આપી દીધી. તેણે આવીને રાજાને આ વિગત કહી. તેથી ચેઘણા રાજા ઉપર વધારે ગુસ્સે થઇને બોલીઃ તમે કૃપણ છો, એક પણ કંબલરત્ન લઇ શકતા નથી. ભદ્રાએ તો વણિકની પત્ની થઇને પણ બધાં કંબલરત્નો લીધાં. તેથી રાજાએ કંબલરત્ન માટે માણસને ભદ્રાની પાસે મોકલ્યો. ભદ્રાએ માણસને કહ્યું: મેં એ કંબલરત્નોને તે જ ક્ષણે ફાડીને પગ લુછવાનાં લુછણિયાં કરી નાખ્યાં, અને એક એક લુછણિયું મારી વહુઓને આપી દીધું. એથી જો જરૂર હોય તો બીજાં જુનાં કંબલરત્નો લો. તેથી તેણે જઇને તે બધું જ શ્રેણિકને જણાવ્યું. શ્રેણિકે કહ્યુંઃ એ શાલિભદ્રને જોવો જોઇએ કે જેની આટલી સમૃદ્ધિ છે. અમે ધન્ય છીએ કે જેમની નગરીમાં પોતાની સંપત્તિથી કુબેરને પણ
૪૧૯