________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
એ છે કે વક્તા ભાવિત ન હોય તો શ્રોતા ઉપર તેની અસર ન થાય. કારણ કે “ભાવથી ભાવ પ્રગટે' એ વચનથી ભાવિતધર્મોપદેશવાળો વક્તા શ્રોતામાં તેવા પ્રકારની શ્રદ્ધા વગેરે ગુણોની ઉત્પત્તિ થવામાં કારણ બને.
અહીં મુનિનું મહાત્મા એવું બીજું વિશેષણ છે. જેનો આત્મા મહાન - શ્રેષ્ઠ હોય તે મહાત્મા કહેવાય. આત્મા મહાન અનેક રીતે હોઈ શકે છે. પણ અહીં
કેવલ શ્રોતાના અનુગ્રહમાં જ તત્પર હોવાના કારણે મહાત્મા એવું વિશેષણ છે. તથા અહીં મુનિ શબ્દથી સામાન્ય મુનિ નહિ, કિંતુ ગીતાર્થ મુનિ સમજવા. કારણ કે અગીતાર્થ મુનિને ધર્મનો ઉપદેશ આપવાનો અધિકાર નથી. આ વિષે નિશીથસૂત્રમાં કહ્યું છે કે - “જિનેશ્વરોએ કહેલો ધર્મ સંસારના દુઃખોનો નાશ કરે છે, અને ભવ્યજીવોરૂપી કમલોનો સમ્યગ્દર્શનાદિ રૂપ વિકાશ કરે છે. આવા ધર્મનો ઉપદેશ “પ્રકલ્પમતિએ” આપવો જોઈએ”. (બૃ.ક.ભા.ગા.૧૧૩૫) અહીં પ્રકલ્પમતિ એટલે નિશીથસૂત્રનું અધ્યયન જેમણે કરી લીધું છે એવા મુનિ. (જેમણે નિશીથસૂત્રનું અધ્યયન કરી લીધું હોય તે મુનિ ગીતાર્થ કહેવાય.)
અહીં કોને ઉપદેશ આપવો? એ પ્રશ્નના જવાબમાં કહ્યું છે કે સાંભળવાની ઈચ્છાવાળા શ્રોતાને, એટલે કે જે શ્રોતા સાંભળવાની ઈચ્છાથી સાંભળવા માટે ઉપસ્થિત થયો હોય તેને.
અહીં ધર્મના સંવેગકારી અને અને પ્રકૃષ્ટ એવા બે વિશેષણો છે. તેમાં સંવેગકારી ધર્મ એટલે સંવેગને ઉત્પન્ન કરે તેવો ધર્મ. સંવેગનું લક્ષણ આ પ્રમાણે છે : - “હિંસાનાં કાર્યોથી રહિત હોય તેવા સત્ય ધર્મમાં, રાગ-દ્વેષ-મોહ વગેરે દોષોથી રહિત દેવમાં અને સર્વ પ્રકારના પરિગ્રહના સંગથી રહિત સાધુમાં સ્થિર અનુરાગ તે સંવેગ.” ધર્મોપદેશકે એવી રીતે ઉપદેશ આપવો જોઈએ કે જેથી ઉપદેશને યોગ્ય જીવને આવો સંવેગ ઉત્પન્ન થાય. ધર્મનું બીજું વિશેષણ ““પ્રકૃષ્ટ છે. અહીં પ્રકૃષ્ટ ધર્મ એટલે અન્ય દર્શનોના ધર્મથી ચઢિયાતો ધર્મ. ધર્મનું લક્ષણ પૂર્વે (પહેલા અધ્યાયના ત્રીજા શ્લોકની ટીકામાં) કહી દીધું છે. ધર્મ કેવી રીતે કહેવો જોઈએ એ પ્રશ્નના ઉત્તરમાં અહીં જણાવ્યું કે પોતાના બોધ પ્રમાણે જ ધર્મ કહેવો જોઈએ. કારણ કે બોધ વિના કરેલો ધર્મોપદેશ ઉન્માર્ગના ઉપદેશ સ્વરૂપ હોવાથી તેવા ઉપદેશથી લાભના બદલે ઉલટું નુકશાન થાય. આ વિષે કહ્યું છે કે – “અંધ વડે દોરાતા અંધને સાચો રસ્તો મળતો નથી.” (૪)
૧ ૧૫