________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
शेषोपेक्षणेन मोचयतोऽपि गुरोर्न शेषकायवधानुमतिदोष इति ।।१३।।
અણુવ્રતો વગેરે આપવામાં ગુરુને અનુમતિદોષનો પ્રસંગ શાથી ન આવે એ પ્રશ્નનો ઉત્તર આપે છે :
શેઠના પુત્રોને છોડાવવાના દૃષ્ટાંતથી અણુવતો વગેરે આપવામાં ગુરુને અનુમતિદોષનો પ્રસંગ ન આવે. પુત્રોને છોડાવવા વિષે શેઠનું દૃષ્ટાંત આ પ્રમાણે છે- મગધ નામનો દેશ હતો. એ દેશનો મનોહર એવો સર્વ પ્રદેશ સર્વસુંદરીઓના મનોહર વિલાસોને હસી નાખવામાં (= ઝાંખા પાડવામાં) તત્પર એવી સ્ત્રીઓના કટાક્ષોને ફેંકવાની પરંપરાથી ઓળખાઈ રહ્યો હતો, અર્થાત્ તે દેશની સ્ત્રીઓ સુરસુંદરીઓથી પણ અધિક સારા મનોહર વિલાસો કરતી હતી, અને વારંવાર કટાક્ષો ફેંકતી હતી.તે દેશમાં હિમાલય પર્વતના શિખરો જેવા સફેદ મહેલોની શ્રેણિઓ ઉપર રહેલા નિર્મલ ક્રોડો શિખરોના (= અગ્રભાગોના) કારણે અકાળે પણ શરદઋતુના વાદળાઓના વિલાસને કરતું હોય તેવું વસંતપુર નામનું નગર હતું. જિતશત્રુ નામનો રાજા તે નગરનું રક્ષણ કરતો હતો. સેવાના અવસરે રાજાઓ તેમના ચરણોમાં હર્ષસહિત નમતા હતા. તેના ચરણે નમેલા સર્વ રાજાઓના મસ્તકે પહેરેલા નિર્મલ મુકુટના અગ્રભાગે જડેલા માણિક્યરત્નનાં કિરણોથી તેના બે ચરણરૂપી કમલો રંગાયેલા હતા. યુદ્ધમાં તેની પ્રચંડ ભુજાઓથી ચલાવાયેલી તલવારની ધારથી શત્રુઓના ઉન્મત્ત હાથીઓના કુંભસ્થલ ખંડિત થઈ જતા હતા. ખંડિત થયેલા એ કુંભસ્થલોમાંથી મોતીઓનો સમૂહ નીચે પડી જતો હતો. યુદ્ધભૂમિનો સંપૂર્ણ ઘેરાવો નીચે પડેલા એ મોતીઓથી વ્યાપ્ત બની જતો હતો. તે રાજાને ધારિણી નામની પત્ની હતી. એ ધારિણી સર્વ લોકોના નેત્ર અને મનનું આકર્ષણ કરતી હતી, પૂર્વભવોની પરંપરામાં ઉપાર્જન કરેલા પુણ્યસમૂહ વડે નિર્માણ કરેલા ફલસંબંધને અનુસરનારી હતી, અર્થાત પૂર્વભવમાં બાંધેલાં પુણ્યકર્મોનાં ફલોને (= સુખને) ભોગવતી હતી. દેવીઓના વિલાસના ગર્વને પણ દૂર કરનારી હતી, અર્થાત્ દેવીઓથી પણ અધિક વિલાસ કરનારી હતી. જેને સર્વ રાજાઓ નમેલા છે અને જેણે દૂરથી દીનતાનો ત્યાગ કર્યો છે એવા તે રાજાએ તે રાણીની સાથે પાંચ પ્રકારના વિષયસુખોને ભોગવતાં ઘણો કાળ પસાર કર્યો.
આ તરફ તે જ નગરમાં સમુદ્રદત્ત નામનો શેઠ હતો. તેની પાસે નોકરો, પશુઓ, ભૂમિ, ચાંદી, સોનું, ધન, ધાન્ય, શંખ, પથ્થર, મોતી, પરવાળા, પદ્મરાગમણિ, વૈર્યમણિ, ચંદ્રકાંત મણિ, ઈન્દ્રનીલમણિ, મહાનીલમણિ, રાજપટ્ટમણિ
૧૩૧