________________
ધર્મબિંદુપ્રક૨ણ
એમ બે પ્રકારે છે. (નિર્દય બનીને) અતિશય મજબૂત બાંધવામાં આવે તે નિરપેક્ષ બંધ. આગ વગેરેના પ્રસંગે છોડી શકાય કે છેદી શકાય તેવી રીતે દોરીની ગાંઠ આદિથી બાંધવું તે સાપેક્ષ બંધ. આ પ્રમાણે ચોપગા પ્રાણીના બંધ વિષે કહ્યું. બેપગા (મનુષ્ય) પ્રાણીના બંધની વિગત આ પ્રમાણે છેઃ- દાસ, દાસી, ચોર કે ભણવા વગેરેમાં પ્રમાદી પુત્ર વગેરેને જો બાંધવાની જરૂર પડે તો તે ચાલી શકે - ખસી શકે કે અવસરે છૂટી શકે તે રીતે (ઢીલા બંધનથી) બાંધવું અને તેનું રક્ષણ કરવું કે જેથી અગ્નિભય વગેરેમાં તેનું મૃત્યુ ન થાય. શ્રાવકે બાંધ્યા વિના જ રાખી શકાય તેવા જ બેપગા કે ચોપગા પ્રાણી રાખવા જોઇએ.
ત્રીજો અધ્યાય
વધઃ વધમાં પણ બંધની જેમ જાણવું. તેમાં નિરપેક્ષ એટલે નિર્દયપણે મારવું. સાપેક્ષ વધ અંગે વિધિ આ પ્રમાણે છેઃ- શ્રાવકે પ્રથમથી જ ભીતપર્ષદ બનવું જોઇએ. (જેથી પુત્રાદિ અવિનય વગેરે ન કરે, એથી મારવાનો પ્રસંગ જ ન આવે. છતાં) કોઇક વિનય ન કરે (એથી મારવાનો પ્રસંગ આવે) તો મર્મસ્થાનોને છોડીને લાત કે દોરીથી એક બે વાર મારે.
છવિચ્છેદઃ છવિચ્છેદ અંગે પણ બંધની જેમ જાણવું. નિર્દયપણે હાથ, પગ, કાન અને નાક વગેરેનો છેદ કરવો તે નિરપેક્ષ છવિચ્છેદ છે. શરીરમાં થયેલ ગુમડું, ઘા-ચાંદી વગેરેને કાપી નાખવું કે બાળી નાખવું વગેરે સાપેક્ષ છવિછેદ છે.
અતિભારારોપણઃ શ્રાવકે પશુ આદિ ઉપર તે ન ઉપાડી શકે તેટલો ભાર ન મૂકવો જોઇએ. શ્રાવકે પ્રાણી ઉપર ભાર ઉંચકાવીને આજીવિકા ચાલે તેવો ધંધો ન કરવો જોઇએ. હવે જો બીજો ધંધો ન હોય તો મનુષ્ય પાસે તે સ્વયં જ ઉંચકી શકે અને નીચે ઉતારી શકે તેટલો જ ભાર ઉંચકાવવો જોઇએ, પશુ પાસે ઉચિત ભારથી કંઇક ઓછો ભાર ઉપડાવવો જોઇએ. હળ, ગાડા વગેરેમાં જોડેલા પશુઓને સમયસર છોડી દેવા જોઇએ.
અન્ન - પાનનિરોધઃ અન્ન-પાણીનો વિચ્છેદ કોઇને પણ ન કરવો જોઇએ, અન્યથા અતિશય ભૂખથી મરી જાય. અન્ન-પાનનિરોધના પણ સકારણ-નિષ્કારણ વગેરે પ્રકારો બંધની જેમ જાણવા. રોગના નાશ માટે અન્ન – પાનનો નિરોધ સાપેક્ષ છે. અપરાધ કરનારને માત્ર વાણીથી જ ‘‘આજે તને આહાર આદિ નહીં આપવામાં આવે'' એમ કહે. (પણ સમય થતાં આહાર-પાણી આપવા.) શાંતિનિમિત્તે ઉપવાસ કરાવે. વિશેષ શું કહેવું ? ટુંકમાં ભાવ એ છે કે પ્રાણાતિપાતિવિરતિરૂપ મૂલગુણમાં અતિચાર ન લાગે તેમ બધા સ્થળે યતનાથી વર્તવું જોઇએ.
૧૪૬