________________
ધર્મબિંદુપ્રકરણ
સ્થૂલભદ્રને બોલાવીને મંત્રિમુદ્રા સ્વીકારવા કહ્યું. સ્થૂલભદ્રે કહ્યું: બરાબર વિચાર કરીને જવાબ આપીશ. રાજાએ કહ્યું આજે જ વિચારણા કરી લો. આથી સ્થૂલભદ્ર અશોકવનમાં જઇને વિચારવા લાગ્યા કે રાજાના કાર્યમાં રાત-દિવસ વ્યસ્ત બનેલો માણસ શાંતિથી રહી શકે નહિ, શાંતિથી સુખો ભોગવી શકે નહિ. કદાચ સુખો ભોગવી શકે તો પણ અંતે નરકગમન કરવું પડે છે. તેથી આવા મંત્રિપદથી સર્યું, વૈરાગ્ય પામીને ત્યાંજ પંચમુષ્ટિ લોન્ચ કર્યો. રત્નકંબલની દશઓનું રજોહરણ બનાવ્યું. પછી રાજસભામાં જઇને રાજાને કહ્યું. મેં આ (સંયમ લેવાનો) વિચાર કરી લીધો છે. “તમને ધર્મલાભ હો'' એમ કહીને સ્થૂલભદ્ર રાજસભામાંથી નીકળી ગયા. શું આ કપટ કરીને પાછો વેશ્યાને ત્યાં તો જતો નહિ હોય ને ? એમ વિચારીને ખાત્રી કરવા માટે રાજા ગવાક્ષમાં રહીને જોવા લાગ્યો. સ્થૂલભદ્ર વેશ્યાના ઘર તરફ ન ગયા એટલે રાજાએ નિર્ણય કર્યો કે ચોક્કસ આ મહાત્મા કામ-ભોગથી કંટાળીને વૈરાગ્ય પામેલા છે. સ્થૂલભદ્ર સંભૂતિવિજય ગુરુના ચરણમાં જઇને દીક્ષા લીધી. (ઉપદેશમાલા)
૩ આનંદ શ્રાવકનું દૃષ્ટાંત (અ. ૬ સૂ. ૨૧) મગધ દેશના વાણિજયગ્રામ નગરમાં આનંદ નામનો ગૃહસ્થ હતો. શિવાનંદા નામની તેની પત્ની હતી.
આનંદ અઢળક રિદ્ધિ-સિદ્ધિનો સ્વામી હતો. પાંચસો હળ અને પાંચસો ગાડાં ખેતીના કામકાજમાં રોકાયેલાં રહેતાં. બીજાં પાંચસો ગાડાં માલ ભરીને વેપાર કરવા જતાં. ચાર મોટાં વહાણો માલની હેરી ફેરી કરતા હતા અને ચાર મોટાં વહાણો પરદેશમાં ફરતા રહેતાં. વળી દશ હજાર ગાયોનું એક ગોકુળ એવાં ચાર ગોકુળો તેના તાબામાં હતાં. રોકડ નાણું પણ તેની પાસે ઘણું હતું. ચાર ક્રોડ સોનામહોરો તેણે જમીનમાં દાટી રાખી હતી, ચાર કોડ સોનામહોરો વેપાર વણજમાં ફરતી રાખી હતી અને બાકીની ચાર ક્રોડ સોના મહોરો ઘર વખરી તથા ઘરેણાગાંઠામાં રોકી રાખી હતી.
આનંદને કેટલાય રાજાઓ, યુવરાજો, શેઠિયાઓ, સેનાપતિઓ અને સાર્થવાહો વગેરે જરૂરી બાબતોમાં પૂછવા અને સલાહ લેવા યોગ્ય માનતા હતા. તથા પોતાના કુટુંબનો પણ તે પૂછવા યોગ્ય, આધારભૂત અને આંખરૂપ હતો. ગૃહવ્યવહારનાં સઘળાં કામો તેની દેખરેખથી બરાબર ચાલતાં હતાં.
આનંદના સગાંવહાલાં અને જ્ઞાતિવાઓનો મોટો ભાગ નગરના કોલ્લામ નામના પરામાં રહેતો હતો. તેઓ પણ સમૃદ્ધ અને સુખી હતા. આનંદે કેટલીક મિલકત ત્યાં પણ વસાવી હતી.
૩૯૨