________________
ધર્મબિંદુપ્રકરણ
ત્રીજો અધ્યાય
પ્રશ્નઃ વ્રતમાં પ્રાણનાશનું જ પ્રત્યાખ્યાન કર્યું છે, વધ આદિનું પ્રત્યાખ્યાન કર્યું નથી, આથી અતિચારમાં જણાવેલ બંધ આદિ કરવાથી દોષ ન લાગે. કારણકે તેનાથી પ્રત્યાખ્યાન અખંડ રહે છે. હવે જો એમ કહેવામાં આવે કે પ્રાણનાશના પ્રત્યાખ્યાનની સાથે બંધ વગેરેનું પણ પ્રત્યાખ્યાન થઈ જાય છે. તો બંધ આદિ કરવાથી વ્રતભંગ જ થાય. કારણ કે પ્રત્યાખ્યાન ખંડિત થાય છે. તથા વિવલિતવ્રતોની ચોક્કસ સંખ્યા પણ ન રહે. કારણ કે દરેક વ્રતમાં પાંચ પાંચ અતિચારો વધી જાય. આથી બંધ વગેરે અતિચારરૂપ નથી.
ઉત્તર :- વ્રત લેનારે પ્રાણનાશનું જ પ્રત્યાખ્યાન કર્યું છે, બંધ આદિનું નહિ, એ વાત સત્ય છે. પણ પરમાર્થથી પ્રાણનાશનું પ્રત્યાખ્યાન કરવાથી બંધ આદિનું પ્રત્યાખ્યાન થઈ જાય છે. કારણ કે બંધ આદિ પ્રાણવિનાશનું કારણ છે. (કાર્યના પ્રત્યાખ્યાનમાં કારણનું પ્રત્યાખ્યાન આવી જાય છે.)
પ્રશ્ન :- તો પછી બંધ આદિથી વ્રતભંગ કેમ ન થાય ?
ઉત્તર:- વ્રત અંતવૃત્તિથી અને બહિવૃત્તિથી એમ બે પ્રકારે છે. તેમાં જયારે મારી નાખવાની બુદ્ધિ ન હોવા છતાં ક્રોધ આદિ આવેશથી મરી ન જાય તેની દરકાર રાખ્યા વિના બંધ આદિ કરે ત્યારે મૃત્યુ ન થવા છતાં દયાહીન બની જવાના કારણે વિરતિ નિરપેક્ષ પ્રવૃત્તિ કરવાથી અંતવૃત્તિથી વ્રતનો ભંગ છે, પણ મૃત્યુ ન થવાથી બહિવૃત્તિથી વ્રતનું પાલન છે. આમ આંશિક વ્રતપાલન અને આંશિક વ્રતભંગ થવાથી અતિચારનો વ્યવહાર થાય છે. કહ્યું છે કે -
પ્રશ્ન :- “મારે પ્રાણનાશ ન કરવો એવો નિયમ લેનારને મૃત્યુ વિના જ (માત્ર બંધ, વધ આદિથી) અતિચાર કેવી રીતે લાગે ?(નિધિ =)
ઉત્તર - જે ગુસ્સે થઈને વધ વગેરે કરે તે વ્રતની અપેક્ષાથી રહિત છે. આવી રીતે વધાદિ કરવામાં મૃત્યુ ન થવાથી નિયમ રહે છે, પણ કોપથી દયાહીન બની જવાથી પરમાર્થથી નિયમનો ભંગ થાય છે. પૂજ્ય પુરુષો વ્રતના એક દેશના ભંગને અને એક દેશના પાલનને અતિચાર કહે છે.”
વ્રતોની ચોક્કસ સંખ્યા નહિ રહે એમ જે પૂર્વે કહ્યું હતું તે પણ યુક્ત નથી. કારણકે વિશુદ્ધ રીતે હિંસાદિની વિરતિ થાય, અર્થાત્ નિરતિચારપણે વ્રતોનું પાલન થાય ત્યારે બંધાદિ ન હોય.
બંધ આદિના નિર્દેશના ઉપલક્ષણથી મંત્ર - તંત્ર વગેરે બીજા પણ અતિચારો આ પ્રમાણે સમજી લેવા. આ પ્રમાણે બંધ વગેરે અતિચારો જ છે. (૨૩)
૧૪૭