________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
તેમાં પ્રથમ હેતુથી વરબોધિલાભની પ્રરૂપણા કરે છેઃ
તથાભવ્યત્વ આદિથી વરબોધિનો લાભ થાય છે. અહીં આદિ શબ્દથી કાળ, નિયતિ, કર્મ અને પુરુષ એ ચાર કારણો લેવા.
(૧) તથાભવ્યત્વઃ- ભવ્યત્વ એટલે સિદ્ધિમાં જવાની યોગ્યતા. આ ભવ્યત્વ આત્માનો પારિભામિક ભાવ છે અને આત્માનું મૂળ સ્વરૂપ છે. ભિન્ન ભિન્ન સ્વરૂપવાળું ભવ્યત્વ જ તથાભવ્યત્વ છે. જીવનો જ્યારે વિકાસ શરૂ થાય છે ત્યારે પહેલાં ધર્મબીજોની પ્રાપ્તિ થાય છે, પછી સમ્યક્ત્વ અને ચારિત્રની પ્રાપ્તિ દ્વારા ક્રમે કરીને મુક્તિ થાય છે. અહીં મહત્ત્વની વાત એ છે કે- દરેક ભવ્યજીવમાં ભવ્યત્વ હોવા છતાં સર્વ જીવોને એકી સાથે ધર્મબીજોની પ્રાપ્તિ થતી નથી. ધર્મબીજોની પ્રાપ્તિમાં ભવ્યત્વ ઉપરાંત કાલ વગેરે સહકારી કારણોની હાજરી પણ જરૂરી છે. બધા જીવોને સહકારી કારણો એકી સાથે પ્રાપ્ત થતા નથી. બધા જીવોને સહકારી કારણો ભિન્ન ભિન્ન સમયે અને ભિન્ન ભિન્ન રીતે મળે છે. માટે દરેક જીવને કાલ વગેરેના ભેદથી ધર્મબીજોની પ્રાપ્તિ થાય છે. આથી દરેક જીવનું ભવ્યત્વ ભિન્ન ભિન્ન છે. દરેક જીવનું ભિન્ન ભિન્ન ભવ્યત્વ એ જ તથાભવ્યત્વ.
(૨) કાળ:- અહીં કાળ શબ્દથી પુદ્ગલ પરાવર્ત, ઉત્સર્પિણી આદિ વિશિષ્ટ કાળ સમજવો. આ કાળ તથાભવ્યત્વને ફલપ્રદાનની સન્મુખ કરે છે. જેમ કે વસંત વગેરે ઋતુઓ તે તે વનસ્પતિને ફલપ્રદાનની સન્મુખ કરે છે, અર્થાત તે તે વનસ્પતિ તે તે કાળમાં ફળવાળી બને છે, તે તે કાળ વિના ફળવાળી બનતી નથી. તેમ તે તે જીવનું તથાભવ્યત્વ તે તે કાળે ફળે છે. (કોઈ પણ જીવ ચરમાવર્તમાં જ સમ્યક્ત્વ પામે છે. એટલે ચરમાવર્ત સિવાયનો કાળ સમ્યક્ત્વમાં બાધક છે અને શરમાવર્તકાળ સમ્યક્ત્વનું કારણ છે. એમ કાળ વરબોધિલાભનું કારણ છે.)
(૩) નિયતિ - કાળ હોવા છતાં ન્યૂન - અધિકને દૂર કરીને નિયતિ નિયત રીતે જ કાર્ય કરે છે. ( જે કાર્ય જ્યારે અને જે રીતે થવાનું હોય તે કાર્ય ત્યારે અને તે જ રીતે થાય તે નિયતિ. આને ભવિતવ્યતા પણ કહેવામાં આવે છે. જે થવાનું હોય તે અવશ્ય થાય તે ભવિતવ્યતા. બીજા શબ્દોમાં કહીએ તો ભવિતવ્યતા એટલે ભાવભાવ. જ્યાં કર્મ વગેરે કારણો અત્યંત ગૌણ હોય અને ચોક્કસ પ્રકારની પરિસ્થિતિ સર્જાય ત્યાં ભવિતવ્યતા મુખ્ય ભાગ ભજવે છે. જેમ કે નયસારને જંગલમાં સમ્યક્ત્વની પ્રાપ્તિ થઈ. અહીં એ પ્રશ્ન થાય કે કોઈ ગામમાં કે શહેરમાં
૧૦૮