________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
બંધાય તે બંધન. પરમાર્થથી વિદ્યમાન એવું જ્ઞાનાવરણીયાદિ કર્મ બંધન છે. તે કર્મ અનંતાનંત પરમાણુના સમૂહ સ્વરૂપ છે, અને એથી જ મૂર્ત સ્વરૂપ છે, અર્થાત્ રૂપી
છે.
અહીં સૂત્રમાં આત્મા શબ્દના ઉલ્લેખથી સાંખ્યમતનું ખંડન કર્યું છે. કારણકે સાંખ્યમતમાં કહ્યું છે કે “આત્મા બંધાતો નથી, મુક્ત પણ થતો નથી અને સંસારમાં પરિભ્રમણ પણ કરતો નથી. જાદા જાદા પ્રકારના આશ્રયવાળી પ્રકૃતિ સંસારમાં પરિભ્રમણ કરે છે, બંધાય છે અને મુક્ત થાય છે” “પરમાર્થથી વિદ્યમાન' એવા ઉલ્લેખથી બૌદ્ધમતનું ખંડન કર્યું છે. કારણકે બૌદ્ધમતમાં પણ કહ્યું છે કે “ચિત્તથી સર્વથા અભિન્ન (= ચિત્ત સ્વરૂ૫) એવા રાગાદિ ક્લેશોના સંસ્કારવાળું ચિત્ત જ સંસાર કહેવાય છે, અને તે રાગાદિ ક્લેશોથી અત્યંત મુક્ત થયેલું ચિત્ત જ સંસારનો અંત (મોક્ષ) કહેવાય છે.” આ પ્રમાણે બૌદ્ધમતમાં બંધાનારા આત્માથી ભિન્ન અને પરમાર્થથી વિદ્યમાન એવું કર્મ સ્વીકારાયું નથી. જો સાંખ્ય મત પ્રમાણે પ્રકૃતિના જ બંધ - મોક્ષ થાય છે એમ સ્વીકારવામાં આવે તો આત્મા સંસારાવસ્થા અને મોક્ષાવસ્થા એ બંનેમાં સમાન એક જ સ્વરૂપવાળો રહે અને એથી યોગના શાસ્ત્રોમાં મુક્તિરૂપ ફલ મેળવવા માટે યોગીઓના યમ - નિયમ વગેરે જે અનુષ્ઠાનો કહ્યાં છે તે વ્યર્થ જ બને. (કારણકે મોક્ષ મેળવવા છતાં આત્માનું સ્વરૂપ જેવું હતું તેવું જ રહેવાનું છે એટલે યમ - નિયમ વગેરે અનુષ્ઠાન કરવા છતાં આત્માને કશો લાભ ન થાય.)
કર્મને ચિત્તથી અભિન્ન માનનારા બૌદ્ધના મતે કર્મ પરમાર્થધી અસત્ જ સિદ્ધ થાય. કારણકે જે જેનાથી અભિન્ન સ્વરૂપવાળું હોય તે તે જ હોય, અર્ધાતુ પોતે પોતાનાથી જ બંધાય. લોકમાં તે જ તેનાથી બંધાય એવી પ્રતીતિ થતી નથી. કારણકે બંધાનાર પુરુષ અને બંધન બેડી એ બંને ભિન્ન સ્વરૂપવાળા જ છે, એમ લોકમાં વ્યવહાર થાય છે. વળી કર્મને માત્ર ચિત્ત સ્વરૂપ જ માનવામાં આવે તો સંસાર અને મોક્ષનો ભેદ ન રહે. કારણકે સંસાર અને મોક્ષ એ બંનેમાં માત્ર ચિત્ત (= આત્મા) તો સમાન (= એક જ રૂપે) હોય છે. માટે બંધાનાર આત્મા અને બંધન કર્મ એ બંને ભિન્ન છે.) (૪૮) बन्ध-मोक्षहेतूनेवाहहिंसादयस्तद्योगहेतवः, तदितरे तदितरस्य ॥४९॥१०७॥ इति ।
૯૫