________________
ધર્મબિંદુપ્રકરણ
બીજો અધ્યાય
પરલોકના ફળવાળાં કાર્યો કરવામાં મોટા ભાગે શાસ્ત્ર સિવાય બીજા લોકરૂઢિ આદિ કોઇનું આલંબન લેતો નથી. (૨૨૧) અર્થ અને કામમાં તો ઉપદેશ વિના પણ લોકો હોશિયાર હોય છે. ધર્મ માટે તો શાસ્ત્ર સિવાય બીજો કોઈ આધાર નથી, માટે શાસ્ત્રમાં આદર કરવો એ જ હિતકર છે. (૨૨૨) અર્થ કામમાં અવિધિ કરવામાં આવે તો અર્થ - કામ ન મળે એટલું જ નુકશાન છે, પણ બીજો કોઈ અનર્થ નથી, જયારે ધર્મમાં અવિધિ કરવામાં આવે તો ચિકિત્સાના દૃષ્ટાંતથી અતિશય અનર્થ (=અકલ્યાણ) થાય છે. ચિકિત્સાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે :- જે દર્દી રોગના નિવારણ માટે ઔષધ લે છે, પણ વિરુદ્ધ અપગ્ય સેવન કરે છે તે ઔષધ નહિ લેનારથી જલદી વિનાશને પામે છે.(૨૨૩) માટે સદા શાસ્ત્રના આદરમાં તત્પર એવો ધર્માર્થી જીવ પ્રશંસાને પાત્ર છે. કારણ કે મોહરૂપી અંધકારવાળા આ જગતમાં શાસ્ત્રરૂપી પ્રકાશ પરલોકની ક્રિયામાં પ્રવર્તાવે છે. (૨૨૪) શાસ્ત્ર પાપરૂપી રોગનું ઔષધ છે. શાસ્ત્ર પવિત્ર કાર્યોનું નિમિત્ત છે. શાસ્ત્ર સૂક્ષ્મ – બાદર વગેરે સર્વવસ્તુમાં જનારી (= સર્વ વસ્તુઓને જોનારી) આંખ છે. શાસ્ત્ર સર્વ કાર્યોની સિદ્ધિનું કારણ છે. (૨૨૫) તેથી જે ધર્માર્થીને શાસ્ત્રમાં બહુમાનરૂપ ભક્તિ નથી તેની દેવવંદનાદિ ધર્મક્રિયા અંધ પુરુષની જોવાની ક્રિયા તુલ્ય છે, અને (કર્મોષાત) તેવા પ્રકારના મોહના ઉદયથી અભિપ્રેત ફલવાળી થતી નથી. (૨૨૬) આથી સન્માર્ગમાં શ્રદ્ધાળું, અહંકારથી રહિત, ગુણાનુરાગી અને તમામ =) શ્રેષ્ઠ પ્રશંસનીય અચિંત્યશક્તિવાળો જે જીવ બહુમાન યોગ્ય દેવ આદિ ઉપર બહુમાન કરે છે, તેની ધર્મક્રિયા ઉત્તમ છે. (૨૨૭) જેને શાસ્ત્ર પ્રત્યે અનાદર છે તેના શ્રદ્ધા, સંવેગ અને નિર્વેદ વગેરે ગુણો તેવા પ્રકારના ગ્રહના આવેશથી ઉન્મત્ત બનેલા પુરુષના શૂરતા અને ઉદારતા આદિ ગુણસમાન હોવાથી વિવેકીઓનું પ્રશંસાસ્થાન બનતા નથી, અર્થાત્ વિવેકીઓ તેના ગુણોની પ્રશંસા કરતા નથી. (૨૨૮) જેવી રીતે પાણી મલિન વસ્ત્રને અત્યંત શુદ્ધ કરે છે તેવી રીતે શાસ્ત્ર અંતઃકરણરૂપ રત્નને અત્યંત શુદ્ધ કરે છે એમ બુદ્ધિમાન પુરુષો જાણે છે. (૨૨૯) શાસ્ત્રમાં બહુમાનરૂપી ભક્તિ મુક્તિની ઉત્તમ દૂતી છે, એમ જગપૂજ્ય તીર્થકરોએ કહ્યું છે. આથી શાસ્ત્રમાં જ ભક્તિ રાખવી એ યોગ્ય છે. કારણકે શાસ્ત્રમાં જ ભક્તિ રાખવાથી મુક્તિ નજીક બને છે. જેની મુક્તિ દૂર છે તે જીવ શાસ્ત્રમાં ભક્તિવાળો થતો નથી. (૨૩૦) • (૯).
• આ બધી ગાથાઓ યોગબિંદુમાં ૨૨૧ થી ૨૩૦ સુધી છે.