________________
એમણે કાવ્યસ્થ કર્યા છે. કવિના પદના સહજ પ્રવાહનું કારણ એ છે કે જે હદયસ્થ છે, એ જ પદસ્થ બને છે. કયાંક કોઈ વાદ, કોઈ વિચાર કે કોઈ સંપ્રદાયની ટેકણલાકડીનો ઉપયોગ કરતા નથી. અમુક દર્શનની સર્વોપરિતાનો આગ્રહ સેવતા નથી અને તેથી અધ્યાત્મના સમગ્ર આકાશને જેનારા આનંદઘન પાસેથી આત્માઓળખ, આત્માનુભવ અને આત્મસાક્ષાત્કાર માટેની પદસરિતા મળે છે. કશાય વળગણ વિનાની આ કવિતાનો આધાર છે સ્વાનુભૂતિ અને એનું અંતિમ છે સ્વાનુભૂતિનું પ્રગટીકરણ. આથી આ વાણીમાં આત્માનુભવનો તેજસ્વી રણકાર છે. જાતઅનુભવે પ્રાપ્ત કરેલી ખુમારી છે, યોગસાધનાને અંતે પ્રાપ્ત થયેલો આનંદ છે અને આત્મસ્પર્શી સંયમસાધનાને કારણે આ અધ્યાત્મસભર પદો ભાવકને એક ભિન્ન લોકનો અનુભવ કરાવે છે. લોકકંઠે જીવતાં આ પદોએ કેટલાય માનવીઓને મોહ-કષાયની નિદ્રામાંથી ડંકાની ચોટ સાથે જગાડીને અને સાચો માર્ગ બતાવી અનુભવલાલીના આશક બનાવ્યા છે. આનંદઘન આત્મવિચારણા કરીને આત્માનુભવનું રસપાન પામી, આત્માનંદની અવિચળ કળા પ્રાપ્ત કરવાનો પુરુષાર્થ આલેખે છે.
આનંદઘનજીનાં પદોમાં વ્યક્ત થયેલા આવા પુરુષાર્થનું આલેખન સ્વાનુભૂતિસંપન્ન શ્રી ખીમજીબાપા જેવા આત્માઓ દ્વારા આ ગ્રંથમાં કરવામાં આવ્યું છે. આ ગ્રંથની વિશેષતા એ છે કે એમાં આનંદઘનજીએ આલેખેલા જેનદર્શનને ઉપસાવવામાં આવ્યું છે અને એને પરિણામે એમાંથી યોગી આનંદઘનજીની છબી ઉપસી આવે છે. શ્રી ખીમજીબાપાએ આલેખેલા તત્વસાર પર પરમ પૂજય પં. મુક્તિદર્શનવિજયગણિજીએ માર્મિક વિવેચના કરીને આનંદઘનજીના આંતરજીવનને આપણી સમક્ષ પ્રગટ કરી દીધું છે. મહાયોગી આનંદઘનજીનાં પદોમાં વિકસિત કમળ જેવું આત્મજ્ઞાન આલેખાયું છે. આત્મસાક્ષાત્કારનો અગમ પિયાલો પીનાર આ યોગીએ પરમતત્વમાં લીન બનીને અમરત્વના અનુભવની મસ્તી માણી છે અને ગાઈ પણ છે. પૂ. પં. મુનિદર્શનવિજયગણિના પદવિવેચનમાંથી ભાવક અને સાધક સહ કોઈ એ અનુભવલાલીની મસ્તીની છાલકો અનભવતા રહે છે.
તા. ૨૦-૧-૦૬.