Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
પંચ પ્રતિક્રમણસૂત્રો
પણ બંનેયમાં એક રીતે નહીં તો બીજી રીતે મહેનત તો કરવી જ પડે. જ્યારે પુરુષ કમાવાની મહેનત કરે, ત્યારે સ્ત્રી ઘરમાં મહેનત કરી ઘરના આર્થિક પ્રશ્નના ઉકેલમાં સહાયક થાય, તેથી તે ગુલામી કરે છે એમ માનવું ભૂલ છે. તે જ પ્રકારે પુરુષ બહાર નોકરી, કે ધંધો કરે, કે થોડો ભાર ઉપાડી લાવી, મજૂરના ચાર પૈસા બચાવે, તેથી તે મજૂર બની જાય છે, એ પણ ખોટું છે. એ તો આર્થિક અને સામાજિક વ્યવસ્થાની વહેંચણીની દૃષ્ટિથી એકનું કાર્યક્ષેત્ર ઘરની બહાર રહે છે, અને એકનું ઘરની અંદર રહે છે, તેથી કાંઈ અસમાનતા થાય છે, એવું નથી.
૧૩૨
હવે, સ્ત્રી પણ જો પોતાના માટે બહાર કમાવા જાય ને રાંધીને ખાય, તેમ પુરુષ પણ કમાવા જાય અને રાંધીને ખાય, તો એક રીતે કદાચ નભે એમ માની લઈએ પણ તેમાં બીજો વાંધો આવે. સ્ત્રીની સગર્ભાવસ્થામાં પ્રસૂતિ વખતમાં બાળઉછેરના વખતમાં શું કરવું ? એ કુદરતી સંોગો જ સ્ત્રીને ઘરમાં રહેવાની ફરજ પાડે છે, અને પુરુષને બહારનો વિશેષ બોજો ઉપાડીને સ્ત્રી અને સંતાનના સ્વાસ્થ્યની રક્ષા માટે વધારે મેળવવાની ફરજ પાડે છે. સ્ત્રી-પુરુષો સ્વતંત્રપણે કમાય, અને સ્વતંત્રપણે ખર્ચ કરે, તો સંતાનો ઉમરલાયક ન થાય ત્યાં સુધી તેનો ખર્ચ કોણ પૂરો કરે ? તેની સારસંભાળ કોણ રાખે ? આ પ્રશ્નો થાય. વળી તેમાં સંતાનો માટેના ખર્ચ અને પાલનપોષણની મહેનતના ભાગ વહેંચવા પડે, તેને બદલે એકરસ થયેલા સ્ત્રી-પુરુષ પોતાના બહારના તથા અંદરના કામની વહેંચણી કરી લે, તેમાં વધારે ઉત્તમ વ્યવસ્થા છે. બુદ્ધિશાળી આર્યોની આ વ્યવસ્થા ત્રણેય કાળમાં શિષ્ટમાન્ય અને વધારે સગવડ ભરેલી છે. હોટેલોમાં ખાવું, અને મ્યુનિસિપાલિટી બાળકો ઉછેરે વગેરે હાલના સમાજવાદની યોજના કૃત્રિમ અને અમુક વખત પૂરતી જ છે. તેમ કરવાથી વાત્સલ્ય, પ્રેમ, યોગ્ય સંસ્કાર, વગેરે સુતત્ત્વોનો બાળકોને લાભ મળતો નથી. અલબત્ત, કારખાનાવાળા વધારે મજૂરી મેળવીને કમાઈ શકે, તેથી મજૂરને પગાર વધારે આપી શકે. પણ પ્રજા કેવળ લાગણી રહિત, માત્ર યાંત્રિક પૂતળા જેવી થાય. આ બધી દૃષ્ટિથી ભારતીય આર્યોની ગૃહસંસારની વ્યવસ્થા યોગ્ય, શિષ્ટમાન્ય, વધારે અનુકૂળ તથા પ્રગતિકારક છે, તેમાં સંશય નથી. એટલે મુખ્યપણે સ્ત્રી ઘરમાં કામ કરે અને પુરુષ મુખ્યપણે બહાર કામ કરે. તેમાં અસમાનતા છે જ નહીં.
આ દેશમાં નાતજાતના જમણમાં, નાતજાતના મેળામાં, સ્ત્રી, પુરુષ, કુટુંબી સૌ એકસરખા હકક તરીકે ભાગ લે છે. ઘરના પ્રતિનિધિ તરીકે મુખ્ય કુટુંબી સ્ત્રી પણ જે કહે તેમાં સૌની સમ્મતિ હોય છે, હિંદુ પુરુષ પોતાની સ્ત્રી કે સંતાનોનું બૂરું ન ઇચ્છે, અને તેઓને ગૃહ મુખ્યમાં અવિશ્વાસનું કારણ નહીં. આ દૃષ્ટિથી એવા કાયદાના પ્રસંગોમાં સ્ત્રી કે સંતાનો ભાગ લેતાં જણાતાં ન હોય, એટલા ઉપરથી તેઓનો હકક જે હોવો જોઈએ, તે કબૂલ કરવામાં આવ્યો નથી, એમ નથી. છતાં કોઈ કોઈ મુદ્દામાં સ્ત્રી કે સંતાનોનો ખાસ વાંધો હોય, તો તેનું હિત પણ જોવામાં આવે છે. આપણા જીવનમાં ચાલતા રિવાજોનું વૈજ્ઞાનિક પદ્ધતિથી બરાબર પૃથક્કરણ કરવામાં આવ્યું હોત, તો યુરોપના દેશના અભિપ્રાયને અનુસરીને આપણી પ્રજાને બંધ બેસતા ન થાય, અને આખર નુકસાન કરનારા કાયદાઓ સ્ત્રીસ્વાતંત્ર્ય અને સમાન હકક વગેરેના બાના નીચે કરાય છે, તે કરવા ન પડત. તે સર્વે યોગ્ય તત્ત્વોનો એક યા બીજી રીતે આપણા જીવનમાં સમાવેશ હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org