Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૨૯૨
પંચ પ્રતિક્રમણ સૂત્રો
એમ રાહ જોઈ રહી. જ્યારે તેની ધારણા ખોટી પડી, ત્યારે તેણે મુનિને ચલિત કરવા, તે વખતના ઉચ્ચ વિચાર પર રહેલા ભારતના આબાદ અને ચતુર જનસમાજમાં પણ લૌકિક ચતુરાઈની બાબતમાં પારંગત વેશ્યાસમાજમાં અગ્રગણ્ય ગણાતી કોશ્યા જેવી ઉત્કૃષ્ટ વ્યક્તિએ પોતાની જેટલી કળા, હોશિયારી અને ચાલાકી હતા, તે સર્વ ખલાસ કર્યા. કાલાવાલા કર્યા, પગે પડી લલચાવવા મહેનત કરી, પણ મુનિ અક્ષોભ્ય રહ્યા. મુનિએ ઉપદેશ આપી કોશ્યાને દુરાચાર છોડાવી શ્રાવિકા ધર્મમાં સ્થિર કરી. કોડ્યાએ વિશેષમાં એ પણ નિયમ કરી લીધો કે-“માત્ર રાજા મારા તરફ જે પુરુષ મોકલે, તે સિવાય સર્વ પુરુષ માત્ર મારે ત્યાજ્ય છે.'
ચોમાસું પૂરું થયે ચારેય શિષ્યો ગુરુ મહારાજના ચરણકમળમાં હાજર થયા. ગુરુમહારાજાએ ત્રણને માટે “દુષ્કર' કહી વિશેષ પ્રશંસા કરી, ત્યારે શ્રી સ્થૂલભદ્ર મુનિ માટે “દુષ્કર દુષ્કર' કહી વિશેષ પ્રશંસા કરી. એ સાંભળી પેલા ત્રણ મુનિઓ ચોંકી ઊઠ્યા અને મનમાં વિચાર કરવા લાગ્યા કે-“વાહ! ગુરુમહારાજને ધનવાનના છોકરા તરફ કેવો પક્ષપાત છે ?' એમ વિચાર કરી શ્રી સ્થૂલભદ્ર કરતાં ચડિયાતા થવાની ઈચ્છા મનમાં ગોઠવીને આવતા ચોમાસાની રાહ જોતાં સંયમ આરાધવા લાગ્યા. સિંહ ગુફામાં ચોમાસું કરી આવેલા મુનિએ કોશ્યાને ત્યાં ચોમાસું કરવા આજ્ઞા માગી. ગુરુએ કહ્યું કે-“મહાનુભાવ! તમારાથી એ કામ બનવું મુશ્કેલ છે. સૂર્ય સિવાય બીજે તેજસ્વી પદાર્થ નથી. માટે એ કામ તો સ્થૂલભદ્ર મુનિનું જ છે. તમારું ગજું નથી. તમને નુકસાન થશે.” મુનિ અડગ રહ્યા. છેવટે કોશ્યાને ત્યાં ચોમાસું રહેવા ગયા. ચતુર કોચ્છા મુનિનો અભિપ્રાય પામી ગઈ. તેની પરીક્ષા કરવા પોતાની સ્ત્રીપણાની ખૂબી મુનિ આગળ ખુલ્લી કરવા લાગી. મુનિ ચંચળ થયા. ત્યારે તેની સાનબુદ્ધિ ઠેકાણે લાવવા-“નેપાળનો રાજે સાધુઓને રત્ન કમ્બલ આપે છે, તો ત્યાંથી તે લાવી મને આપો, તો જ ભોગની આશા રાખવી.”
મુનિ ગયા. રત્ન કમ્બલ મેળવી. પણ રસ્તામાં ચોરોએ પડાવી લીધી. ફરી વેશ બદલી લાવ્યા, ને ચોરોથી બચીને આવી પહોંચ્યા. કોશ્યાને આપી, કોશ્યાએ તે પહેરી નાહીને ખાળે કાઢી નાંખી.
સાધુ ધ્રૂજી ઊઠ્યા ને કરગરી પડ્યા-“અરે ! કોશ્યા ! આ તે શું કર્યું ? હું કેટલી મહેનતે આ કમ્બલ લાવ્યો હતો, અને તે આમ તેને રગદોળી નાંખી ? તને જરાયે ક્ષોભ નથી થતો ?”
ચટ દઈને કોશ્યાએ જવાબ આપ્યો-“મહામૂલ્યવાન મનુષ્યજન્મમાં રત્ન પામી, તેને આમ ભોગના કાદવમાં રગદોળી દેવાને તૈયાર થતા આપને જરા પણ ક્ષોભ કેમ નથી થતો ? આશ્ચર્ય છે !!” બસ-મુનિની મનોવૃત્તિ ઉપરથી કામવાસનાનો રંગ ઊડી ગયો, ને કોશ્યાનો ઉપકાર માની ત્યાં જ સ્થૂલભદ્રમુનિની “દુષ્કર-દુષ્કર'ની સ્તુતિ કરી, ધર્મલાભ આપી પ્રાયશ્ચિત્તની ઈચ્છાથી ચોમાસાને અંતે ગુરુમહારાજ પાસે જવા લાગ્યા. પ્રતિબોધવા માટે કરેલી કદર્થના માટે કોશ્યાએ ક્ષમા માંગી.
આ તરફ નંદ રાજાએ એક કળા કુશળ સુતારને કોશ્યા પાસે મોકલ્યો. કોશ્યાએ પોતાના નિયમ પ્રમાણે તેનો સ્વીકાર કર્યો, પણ તેને ય બોધ પમાડવાનો પ્રયત્ન શરૂ કર્યો. સુતારે ચોગાનમાં ખાટલા ઉપર બેઠા બેઠા બાગમાં ઉગેલા સામેના આંબા ઉપરથી ધનુષ્યબાણની કળાથી પાકી કેરી તોડી કોશ્યાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org