Book Title: Panch Pratikramana sutra with Meaning
Author(s): Prabhudas Bechardas Parekh
Publisher: Yashovijayji Jain Sanskrit Pathshala Mahesana
View full book text
________________
૫૪૬
પંચ પ્રતિક્રમણ સૂત્રો
કે, આપણા લોકો પણ આ જ વાત છડે ચોક બોલવા માંડ્યા. આ વાતાવરણ વચ્ચે ભંડારના સંચાલકો પાસે કોઈ લેવા જાય તો, “શાસનને લાભ કરતા રસ્તે ઉપયોગ કરશે ? કે બીજી રીતે ઉપયોગ કરશે ? પરદેશ મોકલી દેશે? કે દુરુપયોગ કરશે? લેવા આવનાર કેવા વિચારની વ્યકિત છે?” વગેરે શંકાઓથી જૈન ભંડારનું પુસ્તક જૈનને અને મુનિને પણ આપવામાં સંકોચ દાખવે. જો કે ઘણાં પુસ્તકો ડિપૉઝિટો આપીને પરદેશીઓ લઈ ગયા છે, ડિપૉઝિટ પાછી લીધી નથી, ને પુસ્તકો ય પાછા આપ્યાં નથી એવા દાખલા સાંભળ્યા છે. પુસ્તક ન છાપવાના આદર્શવાળા કાર્યવાહકોએ આપેલાં પુસ્તકો છપાયાં અને તેમની પ્રસ્તાવનામાં પોતાના ધર્મવિરુદ્ધ, પૂજ્ય પુરુષોવિરુદ્ધ લખાણો સાંભળીને તેઓ વધારે ચમકયા. પરદેશીઓનો સાહિત્ય બહાર પાડવાનો હેતુ લોકપ્રિયતા મેળવવાનો સંસ્કૃતિ અને દેશની પરિસ્થિતિનો અભ્યાસ કરીને નવી સંસ્કૃતિ, નવી સત્તા અને નવા ધંધા માટે બહોળા ક્ષેત્ર વિસ્તારવાના માર્ગો શોધવાનો હતો અને છે. આ કામ માટે તેમને છાપખાનાંઓની જરૂર હતી. એવી વિવિધ જરૂરિયાતોને અંગે ઊભા થયેલા યંત્રવાદનું એક અંગ આજનાં છાપખાનાં છે અને એવા જ હેતુ માટે તે શરૂ કરવામાં આવેલાં હતાં. નહીં કે આ દેશની પ્રજાની કોઈ અનિવાર્ય જરૂરિયાત માટે હતાં. પરંતુ તે વખતના આ દેશના કેટલાક નવ યુવકો કે જેઓ આજે વૃદ્ધ થયા છે તેઓ લલચાયા અને પ્રચારના ભોગ બન્યા. ભંડારોમાંથી પુસ્તકો મેળવવા માટે, સંચાલકો અને તે વખતના આગેવાન મુનિઓ વગેરેની સહાનુભૂતિ પોતાની તરફ ખેંચવાના વાસ્તવિક પ્રયત્નો કરવાને બદલે, બહારના પ્રચારકાર્યની આડકતરી અસરને લીધે, ઊલટી વ્યવસ્થાપકો ઉપર રીસ કરી અને છાપખાનાને ઉત્તેજન આપવા તરફ ક્ષણિક લાભો જોઈ દોરવાઈ ગયા. આજે તો ત્યાં સુધી પરિણામ આવી લાગ્યું છે કે, હવે તો નવો વર્ગ આગળ પડતો થઈ રાજ્યની લાગવગથી કે બીજી રીતે, સીધા યા આડકતરા શ્રી સંઘ કરતાં જુદા જ તંત્ર નીચે પોતાના ભંડારો મૂકવાની ભૂલ કરી રહ્યો છે, અથવા પરદેશી સંશોધકો એ જાતના વર્ગને આગળ કરી પોતાને સરળતાથી પુસ્તકો મળે તેવી, પોતાની સંસ્કૃતિ ખીલવવાના ઉપયોગમાં આવે તેવી, ગોઠવણમાં ભંડારોને લાવવા ગોઠવણ કરી કરાવી રહ્યા છે.
પરંતુ તેમના હવાલામાં ધીમે ધીમે આવી જતાં ભંડારોમાંનું તમામ સાહિત્ય બહાર પડી ગયા પછી, જેમ તેમ રસ ચૂસી લેવાયા પછી અને આધુનિક પરદેશી વિદ્વાનોનું સાહિત્ય વધારે મહત્ત્વનું ગણાયા પછી હાલનાં પુસ્તકોને માટે અસાધારણ બેદરકારીભર્યું વલણ નહીં દાખવે, તેની શી ખાતરી છે ? લખેલાં પુસ્તકો વાંચવાની સામાન્ય પ્રજાની અનાવડતમાં તો વધારો થતો જાય છે. એ જાતનો લોકમત પણ લખેલાં પુસ્તકોની ઉપયોગીતાની વિરુદ્ધમાં તેમને દિવસે દિવસે મળતો જાય છે. જે કે હાલમાં હજુ લખેલાં પુસ્તકો ઉપર તેઓનો આદર દેખાય છે, તેનું કારણ એ નથી કે પુસ્તકો ઉપર નિતાન્ત આદર છે, પરંતુ તેનું ખરું કારણ એ છે કે, હજુ તેઓના હાથમાં પુસ્તકોના ભંડારો પાકે પાયે આવ્યા નથી, આવી શકયા નથી ત્યાં સુધીની એ સ્થિતિ છે.
છાપખાનાં નહોતાં એટલે આપણા લોકો આપણો ધર્મ નહોતા સમજતા, નહોતા પાળતા એમ નહોતું, પરંતુ આજના કરતાં વધુ સચોટ રીતે પાળતા હતા અને સમજતા હતા. તેને સાચા પુરાવા અનેક છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org